હા, એ વિચાર આવવો સહજ છે કે હવે ઘરમાં આ પુસ્તકો વાંચનારા કોઈ રહ્યા નથી. નવી પેઢી સહિત કોઈને એમાં રસ નથી. આપણા ગયા પછી આ પુસ્તકોનું શું થશે? એ કરતાં પુસ્તકાલયમાં આપી દઈએ તો લોકોમાં વંચાશે, એનો સદુપયોગ થશે.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
તમારા પુસ્તકાલયને પુસ્તકો આપવાં છે એવો સંદેશ દર થોડા મહિને વિવિધ પુસ્તકાલયને મળતો રહે છે, જૂનો સામાન કાઢે એમ હવે લોકો પુસ્તકો માટે કરવા લાગ્યા છે. સામાન તો ભંગારવાળાને આપી શકાય, પણ પુસ્તકો? જોકે ઘણા લોકો પસ્તીમાં આપી દે છે, લોકોનાં ઘરોમાં હવે પુસ્તકો માટે જગ્યા નથી. તેમને પુસ્તકો માટે પ્રેમ નથી એમ કહી શકાય નહીં, પરંતુ જગ્યાના અભાવની વાસ્તવિકતા બહુ કડવી છે. ક્યારેક વિચાર આવે કે વૃદ્ધાશ્રમ અને પુસ્તકાલય એક બાબતે સમાન બની રહ્યા છે. માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે, પુસ્તકોને પુસ્તકાલયમાં. બન્નેનાં કારણો જુદાં હોઈ શકે, પરંતુ કરુણતા બન્નેની એકસમાન છે. હવે પુસ્તકો માટે ઘરમાં જગ્યા નથી અને મા-બાપ માટે હૃદયમાં જગ્યા નથી. જે વાંચીને બાળપણ ખીલ્યું અને યુવાની વિકસી, જે પુસ્તકોએ આપણને મા-બાપની જેમ ઉછેર્યા એ પુસ્તકો હવે ઘરમાં જગ્યા રોકે છે? પસ્તીમાં આપી દેવાનો જીવ ચાલતો નથી, કેમ કે પુસ્તકો માટે લાગણીનો ભાવ ખરો પણ જગ્યાના અભાવનું શું? ક્યાં ગઈ જગ્યા?
હા, એ વિચાર આવવો સહજ છે કે હવે ઘરમાં આ પુસ્તકો વાંચનારા કોઈ રહ્યા નથી. નવી પેઢી સહિત કોઈને એમાં રસ નથી. આપણા ગયા પછી આ પુસ્તકોનું શું થશે? એ કરતાં પુસ્તકાલયમાં આપી દઈએ તો લોકોમાં વંચાશે, એનો સદુપયોગ થશે.
ક્યારેક થાય કે શું લોકો પોતાનાં માતા-પિતાને આવા જ વિચારે વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હશે અથવા પોતે બીજા ઘરમાં રહેવા જતા રહી માબાપને એકલાં રહેવા મજબૂર કરી દેતા હશે? ખેર, આપણે પુસ્તકોને બહાર કે દૂર કરવાની વાત પરથી માતા-પિતાને બહાર કે દૂર કરવાની વાત પર પહોંચી ગયા. પુસ્તક ઉત્તમ મિત્ર, ગુરુ, પથદર્શક કહેવાય પણ એ ત્રણેયને આપણે સાચવી શકતા નથી. એ હકીકત છે કે પુસ્તકોનું વાંચન ઘટી રહ્યું છે, ડિજિટલનું ચલણ વધી રહ્યું છે, પરંતુ વાંચનનું મહત્ત્વ ઘટી ગયું નથી. નવી પેઢીના હિતમાં પણ વાંચનના પ્રસાર અર્થે પુસ્તકોનું જતન જરૂરી છે. આ જવાબદારી વ્યક્તિગત રૂપે અને સમાજ રૂપે આપણી પણ ખરી.
તાજેતરમાં બની રહેલાં નવાં આધુનિક મકાનોમાં અને હાઉસિંગ સોસાયટીઝમાં રહેનાર માટે જિમ્નૅશ્યમ, સ્વિમિંગ-પૂલ, ઇન્ડોર ગેમ્સ, થિયેટર, કમ્યુનિટી હૉલ વગેરે જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરાય છે પણ પુસ્તકો માટે એક જગ્યા ફાળવવાનો વિચાર કેમ થતો નથી? દરેક હાઉસિંગ સોસાયટી પુસ્તકો માટે પણ અવકાશ ઊભો કરે તો પુસ્તકપ્રેમીઓની નવી પેઢી સાથે વાંચનારાઓનું નવું ગ્રુપ પણ ઊભું થઈ શકે. હાઉસિંગ સોસાયટીનાં બાળકોને પણ ઘરઆંગણે આ પ્રેરણા મળી શકે. પુસ્તકો માટે આ વિચારનો અમલ કરવા જેવો ખરો. સમાજ અને વિશ્વના હિતમાં પર્યાવરણની રક્ષા જરૂરી છે એમ પુસ્તકોને જાળવવાં પણ આવશ્યક છે.


