ભારતની સમૃદ્ધ કૃષિના ઓરિજિનલ બિયારણનું સંરક્ષણ કરનાર મહારાષ્ટ્રના ખેડૂત અનિલ ગવળીએ ૩૫૦ જેટલાં ઓરિજિનલ બીજ એકઠાં કર્યાં છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ૪૫૦ જેટલાં શહેરોમાં ફરી ચૂક્યો છે અને મૂળ બીજની સંખ્યા બેવડાય અને ભારતભરમાં ફરી સ્વાસ્થ્યવર્ધક પેદાશો થાય
સીડ-એક્સચેન્જના પ્રોગ્રામમાં પોતાના ૩૫૦ પ્રકારનાં ઓરિજિનલ સીડનું પ્રદર્શન કરતા મહારાષ્ટ્રના ખેડૂત અનિલ ગવળી.
ભારતની સમૃદ્ધ કૃષિના ઓરિજિનલ બિયારણનું સંરક્ષણ કરનાર મહારાષ્ટ્રના ખેડૂત અનિલ ગવળીએ ૩૫૦ જેટલાં ઓરિજિનલ બીજ એકઠાં કર્યાં છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ૪૫૦ જેટલાં શહેરોમાં ફરી ચૂક્યો છે અને મૂળ બીજની સંખ્યા બેવડાય અને ભારતભરમાં ફરી સ્વાસ્થ્યવર્ધક પેદાશો થાય એ માટે આ કામમાં ૩૦૦ ખેડૂતોને પણ સામેલ કર્યા છે
ખેડૂતોનું જીવન બહુ કઠિન હોય છે અને એના કારણે જ લોકો ખેતી કરવાનો વિચાર માંડી વાળતા હોય છે. જેમની પાસે ખેતી હોય તેઓ પણ ખેતી છોડી દેતા હોય છે, પરંતુ અમુક ખેડૂતો માટે ખેતી જ સર્વસ્વ હોય છે. એ વાત સાથે બધા સહમત થશે કે ખેડૂતોનું સ્વાસ્થ્ય શહેરીજનો કરતાં વધારે સારું હોય છે કારણ કે તેમનો કુદરતી વાતાવરણમાં શારીરિક શ્રમ વધારે હોય છે. આજે મહારાષ્ટ્રના એવા જ એક ખેડૂતને મળીએ જેમણે ટીચરના ડરથી ભણવાનું છોડીને દાદા સાથે ખેતી વિશે ઊંડું જ્ઞાન મેળવ્યું. મહારાષ્ટ્રના સોલાપુરના જિલ્લાના પંઢરપુર તાલુકાના બાભુળગાવના રહેવાસી ૩૫ વર્ષના અનિલ ગવળી આખા પરિવાર સાથે ખેતી કરે છે અને તેમણે ગામના ખેડૂતોને પણ પોતાની પહેલમાં સામેલ કર્યા છે. મળીએ આ પૅશનેટ ખેડૂતને જે ભારતની કૃષિનાં મૂળ બીજને ફરી જમીન સાથે જોડવા માગે છે.
ADVERTISEMENT
વરસાદ હોય ત્યારે કાકડીની આ પ્રજાતિ ઊગે છે જેનું એક-એક ફળ પાંચ કિલો સુધીનું થાય છે.
ખેતી તરફ રસપ્રદ વળાંક
દિવસમાં ખેતી માટે માત્ર આઠ કલાક જ વીજળી આવે છે અને દર અઠવાડિયે એનો સમય બદલાય છે એટલે ખેડૂતોનું રૂટીન ચોક્કસ નથી હોતું એમ જણાવતાં ખેડૂત અનિલ ગવળી કહે છે, ‘હું અહીં જ જન્મ્યો અને મોટો થયો. અમે બધા જ ખેતી કરતા હતા. મારા પપ્પાએ શહેરમાં નોકરી કરવાનો નિર્ણય લીધો ત્યારે અમે ૪૦ બકરીઓ વેચી દીધી હતી. હું દાદા-દાદી સાથે મોટો થઈ રહ્યો હતો. આઠમા ધોરણમાં એવું બન્યું કે સ્કૂલમાં ગણિતના ટીચર પાયથાગોરસનો પ્રમેય શીખવાડતા હતા. મને બધું માથા ઉપરથી જતું હતું. મેં સવાલ પૂછ્યો કે આ મને જીવનમાં શું કામમાં આવવાનો? મારા સવાલનો જવાબ આપવાના બદલે મને ટીચરે બહુ માર્યો અને ક્લાસમાં બેન્ચ પર ઊભો કર્યો. મને એ વાતનું બહુ ખોટું લાગ્યું હતું. મેં ઘરે આવીને દાદાને કહ્યું કે મારે હવે સ્કૂલ નથી જવું. તો મારા દાદાએ મને કહ્યું નહીં જતો, મારી સાથે ખેતી કરજે. તો ત્યારથી હું દાદા સાથે ખેતી કરું છું.’
વિવિધ પ્રકારનાં દેશી ટમેટાં જેમાં કાળાં ટમેટાં, ચેરી ટમેટાં, ભૂરાં અને જાંબલી ટમેટાં, આચારી ટમેટાં તેમ જ સફરજન જેવાં ટમેટાંનો સમાવેશ થાય છે
જમીન વેચવી પડી
દાદીના ઇલાજ માટે ૩૦ એકર જમીનમાંથી ૧૦ એકર વેચવી પડી એની કહાણી જણાવતાં અનિલ કહે છે, ‘૨૦૦૩માં મારાં દાદીને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમની બાયપાસ સર્જરી થઈ હતી. પછીનાં ત્રણ વર્ષમાં તેમને દિવસમાં ૧૭ ગોળીઓ લેવી પડતી, જેને કારણે તેમની કિડની પર અસર થઈ. ત્યાર બાદ ચાર વર્ષ સુધી મારાં દાદીનું ડાયાલિસિસ થતું. ત્યારે મને ખબર પડી કે પેશન્ટની સાથે તેના ઘરના લોકો માનસિક રીતે વધારે સફર કરે છે. મારાં દાદીની શારીરિક પીડા તો શબ્દોમાં વર્ણન થાય એમ નહોતી. અમે બહુ મોટા-મોટા ડૉક્ટરોને બતાવ્યું. મારાં દાદી બહુ પીડાયાં અને બહુ ખર્ચ પણ થયો. પછી ખર્ચને પહોંચી વળવા માટે અમારે ૧૦ એકર જમીન વેચવી પડી.’
જે થાય એ સારા માટે થાય
આગળ જણાવતાં અનિલ કહે છે, ‘હું નાનો હતો ત્યારે ગામમાં કોઈ મોટી હૉસ્પિટલો નહોતી કે નહોતાં કોઈ દવાખાનાં. ત્યારે ગામમાં વૈદ્ય હતા, જે તમને ટીકડીઓ ન આપે પણ આસપાસની વનસ્પતિઓમાંથી ઇલાજ કરતા. અમારા આ વૈદ્ય કોઈને હાથ દુખતો હોય તો પાંદડાના રસ અને પાટાપિંડીથી સાજા કરતા. ગાય વિયાણી હોય ત્યારે એને આંચળમાં દુખાવો થાય ત્યારે પણ એક વનસ્પતિના રસથી એને રાહત પહોંચાડતા. ગામમાં પહેલાં તો વૈદ્યની વાત જ મનાતી હતી. જ્યારે પણ દાદીના ચેક-અપ માટે ડૉક્ટર પાસે જવાનું થતું ત્યારે હું અમારા ખેતરમાં ઊગેલાં શાકભાજી કે ફળો ડૉક્ટર અને સ્ટાફ માટે લઈ જતો. એવામાં મારા ખેતરનું લસણ તેમના માટે લઈ ગયો હતો તો તેમણે કહ્યું કે આ દેશી લસણ બહુ ગુણવર્ધક અને ઉચ્ચ ગુણવત્તાનું છે, આ લસણમાં એલિસિલિન અને સલ્ફરનું એવું પ્રમાણ છે જે કૉલેસ્ટરોલને ઘટાડે છે અને લોહીની ગાંઠ બનતાં અટકાવે છે, અત્યારે આ દેશી લસણ સામાન્ય રીતે બજારમાં મળતું પણ નથી. ત્યારે મને અમારા ગામના વૈદ્યના ઇલાજના અમુક નુસખાઓ યાદ આવ્યા કે કેવી રીતે તેઓ આસપાસની વનસ્પતિમાંથી જ ઇલાજ કરતા. મને સમજ પડી કે દેશી બિયારણ કેટલું પાવરફુલ હોય છે. ત્યારથી મેં દેશી બિયારણનું સંરક્ષણ કરવાનું વિચાર્યું અને ખેતીનું જૈવવૈવિધ્ય જળવાઈ રહે એ માટે પ્રયાસો શરૂ કર્યા. આ બિયારણની પેદાશોથી લોકોની સેહત પણ સચવાશે.’
સીડ-એક્સચેન્જ પ્રોગ્રામનો લાભ
કૃષિ વિકાસ અને દેશી બિયારણની અદલાબદલી થઈ શકે એ માટે સરકાર દ્વારા સીડ-એક્સચેન્જ ઇવેન્ટનું આયોજન થતું હોય છે. એમાં જે-તે પ્રદેશના ખેડૂતો પોતાનું ઓરિજિનલ બિયારણ એટલે કે નેટિવ સીડ લઈને આવે છે. અહીં તમે ઓરિજિનલ બિયારણ ખરીદી પણ શકો છો કાં તો અદલાબદલી કરી શકો છો. અનિલ કહે છે, ‘૨૦૧૦માં સૌથી પહેલાં મેં મારા ખેતરનાં જ શાકભાજી બચાવવાનું શરૂ કર્યું. એમાં વિવિધ પ્રકારની કાકડીઓ, લસણ, સફેદ કાંદા, દૂધી-તૂરિયાં જેવી શાકભાજીનો સમાવેશ થાય છે. પછી મેં વિવિધ સીડ-એક્સચેન્જ ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપવાનું શરૂ કર્યું. અહીં જે ખેડૂતો આવે તેમની પાસે વિદેશી એટલે કે જીન મૉડિફિકેશનવાળું બિયારણ નથી હોતું. જીન મૉડિફિકેશનવાળું એટલે બીજના મૂળને વૈજ્ઞાનિક પદ્ધતિથી બદલીને જલદીથી કાં તો વધારે સારા દેખાવવાળી ઊપજ આપે એવી રીતે બદલવામાં આવતું બિયારણ. ફેસ્ટિવલમાં પોતાનું પેઢીઓથી સાચવેલું બિયારણ ખેડૂતો લાવતા હોય છે. સાદી ભાષામાં સમજાવું તો આપણી બાપ-દાદાની પેઢીમાં કેવી રીતે ધીરે-ધીરે બદલાવ આવે, પરંતુ એમાં જનીન તો એનું એ જ હોય. એવી રીતે બિયારણમાં પણ ઉત્ક્રાન્તિ આવે પરંતુ એનું મૂળ સચવાયેલું રહે છે. એટલે પહેલાં મહારાષ્ટ્રનાં ગામેગામ ફરીને ત્યાંથી દેશી બિયારણ એકઠું કર્યું અને ત્યાર બાદ ઉત્તરાખંડ, કેરલા, આસામ, તામિલનાડુ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણ વગેરે જેવાં રાજ્યો પણ ફર્યો. કહી શકાય કે છેલ્લાં ૧૫ વર્ષમાં લગભગ ૪૫૦ જેટલાં શહેરોમાં ઓરિજિનલ બિયારણના સંરક્ષણ માટે ફરી ચૂક્યો છું’
મકાઈના વિવિધ પ્રકાર જેમાં લાલ, પીળા, લીલા, સફેદ, સોનેરી અને રેઇન્બો જેમાં સાત રંગના દાણા આવે એનો સમાવેશ થાય છે.
ભાતભાતની, રંગબેરંગી પેદાશ
વિવિધ બિયારણોના સંરક્ષણની વાત કરતાં અનિલ કહે છે, ‘અત્યારે હું જે બિયારણ વાવું છું એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ નથી કરતો, છાણાં અને ચૂલાની રાખને ખાતર બનાવીને વાપરું છું અને એનું બહુ જ સારું પરિણામ આવે છે. નાનપણથી મેં ખેતી જોયેલી છે. પહેલાં લોકો વિવિધ પ્રકારના પાક લેતા ત્યારે તેમના પાકને નુકસાન પણ ઓછું થતું. હવે એક જ પ્રકારનો પાક અને કીટનાશકનો ઉપયોગ તેમને ટૂંક સમય માટે ફાયદો આપે, પરંતુ લાંબા ગાળે જમીનની સેહત તો બગાડે જ અને સાથે-સાથે ખેડૂતની સેહત પણ બગાડે છે. મારા ખેતરમાં જે દેશી બીજનાં રીંગણ વાવ્યાં છે એને ફૂલ આવવામાં બે વર્ષ લાગ્યાં, પરંતુ હવે એ આવતાં ૧૦ વર્ષ સુધી રીંગણ આપશે અને એમાં ખાતરની પણ જરૂર નહીં રહે. થોડા સમય પહેલાં હું મેઘાલયના ઇમ્ફાલથી કાળી મકાઈનું બીજ લાવ્યો હતો અને એ પણ વાવ્યું. મારી પાસે વિવિધ મકાઈ છે જેના એક છોડ પર એક કે બે મકાઈના ડોડા આવે. પરંતુ આ કાળા મકાઈના એક છોડ પર એકસાથે ચારથી પાંચ મકાઈના ડોડા આવે, અત્યારે મારી પાસે ૯ જાતની મકાઈનાં બીજ છે જેમાં લાલ, પીળા, લીલા, સફેદ, સોનેરી અને રેઇન્બો, જેમાં સાત રંગના દાણા આવે એનો સમાવેશ થાય છે. બીજસંરક્ષણના આ પ્રયાસમાં આજે મારી પાસે ટમેટાંના ૧૫૦ પ્રકારનાં બીજ છે જેમાં કાળાં ટમેટાં, ચેરી ટમેટાં, ભૂરાં અને જાંબલી ટમેટાં, આચારી ટમેટાં તેમ જ સફરજન જેવા ટમેટાંનો સમાવેશ થાય છે. ૬૦ પ્રકારનાં રીંગણ, ૮૦ જાતનાં કેળાં, ૧૦ જાતની કેરી, કેટલાય પ્રકારનાં બીન્સ સામેલ છે. દૂધીની ફૅમિલીના ૩૦ પ્રકાર, ત્રણ પ્રકારના કોળાં (કદ્દુ), ચાર પ્રકારની પાલક, ઘણા પ્રકારની મરચીઓ, બેલ પેપર એટલે કે શિમલા મિરચી તેમ જ કૅરોલિના રિપર જે વિશ્વનું સૌથી તીખું મરચું ગણાય છે એનાં બીજનો સમાવેશ પણ થાય છે.’
આ ખેડૂત કૃષિક્રાન્તિ કરવા નીકળ્યો છે
૩૦ પ્રકારની ગૉર્ડ (gourd) એટલે કે દૂધી-તૂરિયા જેવી શાકભાજીની ખેતી થાય છે. દૂધીને અંગ્રેજીમાં Bottle Gourd અને તૂરિયાને Ridge Gourd કહેવાય છે. આવા ઘણા પ્રકારનાં ગૉર્ડની ખેતી થાય છે એમાંના એક પ્રકારના ગૉર્ડની ખેતી.
બીજસંરક્ષણ આર્થિક રીતે પરવડે છે?
અમુક બીજને બેમાંથી ચાર અને ચારમાંથી આઠ કરવા માટે વર્ષો સુધી મૂકી રાખવા પડે છે તો એક ખેડૂત કેવી રીતે આર્થિક રીતે સધ્ધર રહે છે એ જણાવતાં અનિલ કહે છે, ‘સમજદારીથી ખેતી કરવી પડે. બે એવા પાકોને સાથે ક્યારેય ન વાવવા જેથી પાક હંમેશ માટે બગડી જાય. કૃષિ માટે અત્યારે જ્ઞાન જ સૌથી મોટો ખજાનો છે. હું અત્યારે ૨૦થી ૩૦ એકરમાં ખેતી કરું છું. એમાં પાંચ એકર જમીનમાં ફૂડ ફૉરેસ્ટ બનાવ્યું છે. એટલે કે એમાં જલદી ઊગતા પાકો છે. એમાં અંજીરનાં ૧૮૦૦ વૃક્ષ, ૧૦૦૦ નારિયેળ અને ૧૦૦૦ કેરીનાં વૃક્ષ, લાલ અને સફેદ અગાઠી વાવેલી છે. દેશી ભાષામાં અગાઠી તરીકે ઓળખાતી આ વનસ્પતિ દવા અને શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આજે તમને આ અગાઠી ભાગ્યે જ જોવા મળશે. રજનીગંધાનાં ફૂલો પણ વાવ્યાં છે જેની હંમેશાં માગ રહે છે. આ ખેતી વખતે તમે દેશી ખાતરનો ઉપયોગ કરો. જેમ કે અમુક પાકમાં નિલગિરિનાં પાનના રસનો છંટકાવ કરીએ તો કીડાઓ પડતા નથી. આવી રીતે પાક બચાવીને વધારે ઊપજ મેળવી શકાય અને આ પાકોમાંથી તમારી આર્થિક સુરક્ષા પણ થઈ જાય. કેટલાય પ્રકારની દૂધી વાવેલી છે. દરેક પ્રકારની દૂધી ખાવા માટે નથી હોતી. આ એક પ્રકારની દૂધી કડવી હોય છે જેમાંથી સંગીતવાદ્યો બને છે. અમારા નજીકનું ગામ સંગીતવાદ્યો બનાવવા માટે જાણીતું છે. દરેક ઘરમાં એનું કામ થાય છે. જ્યારે વધારે પાક થાય ત્યારે એને કલકત્તા મોકલી દેવામાં આવે છે. એટલે બારેમાસ કોઈક ને કોઈક પાકની સારી ઊપજ મળી રહે છે.’
વૈજ્ઞાનિક નામ સેસબાનિયા ગ્રાન્ડિફ્લોરા અને દેશી ભાષામાં અગાઠી તરીકે ઓળખાતી આ ભાજી ગરમ વિસ્તારોમાં થાય છે. લાલ અને સફેદ અગાઠીનાં પાન અને ફૂલને ખાવામાં ઉપયોગમાં લેવાય છે તેમ જ એનો પારંપરિક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.
આ કાર્યને વધારવા માટે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઑર્ગેનાઇઝેશન (FPO) શરૂ કરનાર અનિલ કહે છે, ‘FPO અંતર્ગત ૩૦૦ ખેડૂતોને જોડ્યા છે જેઓ એક સમયે બે જ પ્રકારનાં બીજ લઈ જાય જેથી સામાન્ય પાકને કોઈ અડચણ ન આવે. આપણી કૃષિસમૃદ્ધિના વારસાને ભાવિ પેઢી માટે સુરક્ષિત કરવા માટે જ આ કામ હાથ ધર્યું છે. આજે મારા ઘરમાં બધા જ લોકો ખેતીના કાર્ય સાથે જોડાયા છે. એક સમયે આપણાં ખેતરોમાં અને ભોજનમાં માત્ર ૪૦ પ્રકારની લીલાં પાનવાળી શાકભાજી હતી, જેમાં અત્યારે માર્કેટમાં મેથી અને પાલક જ મુખ્યત્વે જોવા મળે છે. ભારતમાં કાકડીઓની ૧૫૦૦ જેટલી અને ટમેટાની ૧૦૦૦ જેટલી જાતિઓ છે. હજારોની સંખ્યામાં જુવારની પણ પ્રજાતિ હતી જે અત્યારે બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આદિવાસી લોકો વિદેશી બિયારણોનો ઉપયોગ નથી કરતા, તેઓ પોતાના બિયારણને સાચવીને રાખે છે. બસ, આપણા મૂળ બિયારણને પાછું લાવીને લોકોને સેહતમંદ કરવા છે.’

