વખોડવાની ક્રિયા કરતા હોય એમાં સામાન્ય રીતે ત્રણેક પ્રકારની રીત જોવા મળે છે. એક, સિદ્ધાંતલક્ષી વખોડવું જેમાં તર્ક-વિચાર કેન્દ્રમાં હોય, વ્યક્તિ નહીં. આ એક બૌદ્ધિક આયામ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
પ્રતિક્રિયા એ સ્વાભાવિક ક્રિયા હોવા છતાં એની પાછળ માણસનો અભિગમ, ચરિત્ર અને ઉદ્દેશ્ય છુપાયેલાં હોય છે. પ્રતિક્રિયા હંમેશ સારી ન જ હોય, પણ જ્યારે એ વિરોધી હોય ત્યારે એની ગંભીરતા સમજવી જરૂરી છે કારણ કે ઘણી વાર લોકો બેજવાબદાર બની કોઈ પણ આધાર વગર પોતાના પૂર્વગ્રહને આધારે મત આપતા હોય છે. તેમનો હીનતાનો ભાવ, તેમનું સામેની વ્યક્તિને પસંદ ન કરવું અને અંગત મતાગ્રહનો પડછાયો એ પ્રતિક્રિયામાં હોય છે. વખોડનાર વ્યક્તિ કયા ઉદ્દેશ્યથી એમ કરે છે એ સમજવું અત્યંત જરૂરી છે, નહીં તો ગેરમાર્ગે દોરવાનો ભય રહેલો હોય છે.
વખોડવાની ક્રિયા કરતા હોય એમાં સામાન્ય રીતે ત્રણેક પ્રકારની રીત જોવા મળે છે. એક, સિદ્ધાંતલક્ષી વખોડવું જેમાં તર્ક-વિચાર કેન્દ્રમાં હોય, વ્યક્તિ નહીં. આ એક બૌદ્ધિક આયામ છે. વૈચારિક ભેદમાં વ્યક્તિગત અભાવ જરાય ન આવે. આવું ભાગ્યે જ બનતું હોય છે. વૈજ્ઞાનિક, સિદ્ધાંતના અભ્યાસુઓ આદિમાં જોવા મળે છે. આવી વાત પર ચોક્કસ ભરોસો કરવો. બીજા પ્રકારમાં વ્યક્તિગત આક્રમણ કેન્દ્રમાં હોય. સામે કોણ છે એ પ્રમાણે વખોડવાની ક્રિયા થાય. અહીં તર્કને બદલે સામેવાળાએ જે કાર્ય કર્યું છે એને હલકું કે ઊતરતું ગણાવવાની ચેષ્ટા હોય. ઘણી વાર એમ બને કે પ્રતિપક્ષે જે મુદ્દા આવે એ સાવ પાયાવિહોણા હોય. સામેવાળાને એમ લાગે કે મેં તો કર્યું હતું છતાં પણ એને કેમ અવગણવામાં આવે છે? તો ચિંતા ન કરવી, આ એક માનસિક રમત છે. આવી વાતને સંપૂર્ણ ફેંકી દઈ ઘર ચોખ્ખું રાખવું કારણ કે વ્યક્તિગત આક્રમણ પાછળ જ્ઞાન નહીં, કપટ હોય. આવાં બાવળને ઊગવા જ ન દેવાં.
ADVERTISEMENT
ત્રીજા પ્રકારમાં ઈર્ષા, અદેખાઈ કરતાં વધુ જાતને સ્થાપિત કરવાનો અભિગમ ભાગ ભજવે છે. કેટલીક વ્યક્તિ પોતાને ખૂબ મહાન સમજતી હોય, તેમને હંમેશ બીજાને ઉતારી પાડવાનો શોખ હોય, તેમની શાલીનતા તેઓ ચૂકે છે. આવી વ્યક્તિના વાતાવરણથી પણ દૂર રહેવું, કારણ કે તેમના વખોડવા પાછળ પોતાનું સ્થાપન અને અન્ય દરેકનું ઉત્થાપન એક જ કેન્દ્ર હોય છે.
સમાહિત સૌંદર્ય પ્રેમ આપે છે અને અપાવે છે, આપણે એ જ પ્રેમસૃષ્ટિના ચાલક અને વાહક બનીએ. બાકી દરેક રસ્તાના કિનારે કચરો નાખવાની આદત ઘણાને હોય, આપણે એ કચરાની દુર્ગંધથી દૂર રહી મજા કરીએ. આપણી ચાલ અને આનંદ આપણું ચરિત્ર છે અને એ જ આપણું કેન્દ્ર છે. આપણે આપણા કાર્ય પ્રત્યે વફાદાર, સત્યનિષ્ઠ અને ચોખ્ખા છીએ તો કોઈના વખોડવાથી ચગદાઈ ન જઈએ, આ એક આપણી પરીક્ષા છે. આપણે એમાં પાર ઊતરીએ. આપણે આપણી સાથે ૧૦૦ ટકા સત્યનિષ્ઠ રહીએ.
-પ્રા. સેજલ શાહ

