કોઈ પણ પ્રકારની વ્યવહારિક રીતભાત સારી રીતે રજૂ કરવાનું કામ માબાપે બાળકને શીખવવાનું હોય છે. આ બાળકનાં માતાપિતાએ તેને કઈ જાતની રીતભાત શીખવી હશે એ આપણે જાણતાં નથી પણ બાળકનો વ્યવહાર મૅનરલેસ કહેવામાં આપણે થોડી ઉતાવળ કરીએ છીએ.
કૌન બનેગા કરોડપતિમાં આવેલ બાળક અને અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)
ધારો કે યુનાઇટેડ નેશન્સની છલોછલ ભરાયેલી સભામાં તમને વચોવચ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઊભા કરી દેવામાં આવે. આખી સભામાં ભારત ઉપરાંત અમેરિકા, રશિયા, ચીન અને એવા સો-બસો દેશોના પ્રતિનિધિઓ ટટ્ટાર બેસીને તમારી સામે જોઈ રહ્યા છે. તમને ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી અને હવે તમારે બોલવાનું આવ્યું છે. તમને કહેવામાં આવ્યું છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ કે નહીં એ વિશે તમારો મત આપો. હવે તમારી પાસે તમારો મત તો છે જ પણ આ સભામાં અત્યારે આ મત જાહેર કરવો હોય તો તમે તરત બોલી શકો ખરા? ઘડીક વારમાં ગેંગેં ફેંફેં થઈ જાય. તમે તત્કાલ બોલી ન શકો. એટલે તમને અણઘડ, રીતભાત વિનાના એવાતેવા કહી શકાય, ખરું?
હમણાં ‘કૌન બનેગા કરોડપતિ’ નામનો અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ટીવીના પડદા પર ચાલે છે. આ કાર્યક્રમ મજાનો છે અને આપણને સહુને જોવો ગમે એવો છે. કાર્યક્રમમાં જોવા માટે જે ગમે છે એમાં પુછાતા પ્રશ્નોની કોઈ ઝાઝી મહત્તા નથી. એની મહત્તા આ કાર્યક્રમના સંચાલક અમિતાભ બચ્ચન જે રીતે સંચાલન કરે છે એમાં રહેલી છે. અમિતાભ બચ્ચન અત્યંત લોકપ્રિય પ્રતિભા છે. તેમનું સંચાલન પણ ભારે રસપ્રદ હોય છે. જાતજાતનાં અને ભાતભાતનાં ગતકડાં આ કાર્યક્રમ વચ્ચે લાવીને તે લોકપ્રિય બનાવે છે. હમણાં બાળકો માટેનો એક કાર્યક્રમ તેમણે બનાવ્યો અને રજૂ પણ કર્યો. અખબારી અહેવાલો પ્રમાણે બન્યું છે એવું કે અમિતાભ બચ્ચન પાસે હૉટ-સીટ પર બેઠેલા બાર-તેર વર્ષના એક બાળકે વધુપડતા આત્મવિશ્વાસમાં આવીને થોડુંક ઉદ્ધત જણાય એવું વર્તન કર્યું. સોશ્યલ મીડિયામાં મોટે-મોટેથી ગાય વગાડીને એવું કહેવાયું કે બાળકે વચ્ચે બોલીને અમિતાભ બચ્ચનનું અપમાન કર્યું છે અને અંગ્રેજી ભાષામાં બોલવા ટેવાયેલાં અખબારોને સહુ બુદ્ધિવાદીઓએ આ બાળકના વર્તનને મૅનરલેસ કહ્યું છે.
ADVERTISEMENT
મૅનરલેસ એટલે શું?
કોઈ પણ પ્રકારની વ્યવહારિક રીતભાત સારી રીતે રજૂ કરવાનું કામ માબાપે બાળકને શીખવવાનું હોય છે. આ બાળકનાં માતાપિતાએ તેને કઈ જાતની રીતભાત શીખવી હશે એ આપણે જાણતાં નથી પણ બાળકનો વ્યવહાર મૅનરલેસ કહેવામાં આપણે થોડી ઉતાવળ કરીએ છીએ. આખરે એ બાર-તેર વર્ષનું એક એવું બાળક છે કે જેણે આવડો મોટો વ્યવહાર પ્રત્યક્ષ નથી જોયો કે નથી સાંભળ્યો. કદાચ એવું પણ હોય કે તે રોજિંદી જિંદગીમાં અવિવેકી હોય અને વધુપડતો બોલકો પણ હોય, પણ એથી તેને મૅનરલેસ કહીને હજારો માણસો જેઓ પોતાને ભારે મૅનરફુલ માનતા હોય છે તેમને પૂછી જુઓ કે ખોટું હોય તોયે આ બાળકને શીખવવું જોઈએ. આ બાળક પાસેથી માફીપત્ર લખાવીને જે રીતે અખબારો અને ટીવીના પડદે રજૂઆત કરવામાં આવી છે એ જોતાં તો એવો પ્રશ્ન થાય છે કે બાર-તેર વર્ષનું બાળક આવો માફીપત્ર લખી કે બોલી શકે ખરો? માફીપત્રના શબ્દો જોઈ જુઓ – ‘મારી બોલવાની રીતથી અનેક લોકો આહત, નિરાશ અને અપમાનિત થયા છે એનો મને ખરેખર અફસોસ છે. હું વચન આપું છું કે ભવિષ્યમાં વધુ વિનમ્ર, સન્માનજનક અને વિચારશીલ રહીશ.’ શબ્દોની આ વાત સાચી છે પણ આવી વયના બાળક પાસેથી આવા માફીપત્રની અપેક્ષા રાખી શકાય ખરી?
અને હવે આ જુઓ
થોડાં અઠવાડિયાંઓ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જાહેરસભા ભાવનગરમાં થઈ હતી. આ સભામાં પણ મોટું મેદાન છલોછલ ભરાઈ ગયું હતું. એક બાળક આ સભામાં ધક્કામુક્કીમાંથી આગળ વધતું-વધતું વડા પ્રધાનના મંચ લગોલગ પહોંચી ગયું. મંચથી થોડેક દૂર કોઈ અંદર ન આવે એ માટે દોરડા બાંધી દેવા આવ્યા હોય એ સ્વાભાવિક છે. પેલું બાળક પોતાના હાથમાં એક કાગળ પકડીને બે હાથ ઊંચા કરીને વડા પ્રધાનનું ધ્યાન દોરી રહ્યું હતું. ચિક્કાર ગિરદી વચ્ચે વડા પ્રધાનનું ધ્યાન આ બાળક તરફ દોરાયું ત્યારે થાકીને લોથપોથ થયેલું બાળક રડવા માંડ્યું. વડા પ્રધાને આ રડતા બાળકની આસપાસ બેઠેલા નેતાગણ અને સભાના આયોજકોને મોટેથી કહ્યું, ‘આ બાળક રડી રહ્યું છે. તે કશુંક આપવા માગે છે, તેના હાથમાંથી એ લઈ લો અને પછી મને મોકલી દો.’ આટલું બોલ્યા પછી તેમણે બાળકનું પણ ધ્યાન ખેંચ્યું કે બેટા, હવે રડીશ નહીં. તારો કાગળ મને મળી જશે.
આ આખું દૃશ્ય આ લખનારે નજરોનજર જોયું છે. આ રડનાર બાળક પણ ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામ નાગધણી બાની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હતો. અહીં મહત્ત્વની વાત એ છે કે આ બાળક પણ વડા પ્રધાનની લગોલગ પહોંચવાનો પ્રયત્ન તો કરતું હતું પણ સ્વાભાવિક છે કે તે પહોંચે નહીં. તેણે વડા પ્રધાનના ભાષણને અધવચ્ચે જ રોક્યું અને પછી વડા પ્રધાને તેને જે આવકાર આપ્યો એ વાત ભૂલવા જેવી નથી.
ઇન ફૅક્ટ, વડા પ્રધાને તો એ રવિ નામના બાળકને પત્ર લખ્યો હતો અને તેની કળાયાત્રા ઉત્તરોત્તર નિખરતી રહે એવી શુભકામનાઓ આપી હતી.
અહીં બે બાળક દેખીતી રીતે જ જાહેરસભા, સંખ્યાબંધ લોકોની ઉપસ્થિતિ, સભાની વ્યવસ્થા અને મોટા પ્રમાણમાં વક્તાઓને બોલતાં જોઈને ગભરાઈ ગયાં હોય.
અભિભૂત કોણ થાય છે, બાળક કે આપણે?
બાળક આખરે બાળક જ છે. બન્ને સભાઓમાં તે અભિભૂત થયું એમ સ્પષ્ટ જોઈ શકાય છે. એક બાળકે જે વર્તન કર્યું અને તમે જો મૅનરલેસ કહેશો તો પેલા બીજા બાળકના વર્તનને શું કહેશો? મૅનર વિશેની તમારી સમજણ શું છે? આપણે પોતે ક્યારેક મૅનરની ગડમથલ વચ્ચે ગોથું નથી ખાઈ જતા? વાત એટલી જ છે કે બાળકે ભૂલ કરી તો એ ભૂલ તેની નથી પણ આપણી છે. આપણે હવે એ સુધારી લેવાની છે. બાળકે અમિતાભ બચ્ચન કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના વાક્પ્રવાહને રોકીને ખોટું કામ તો કર્યું જ છે પણ એ ખોટા કામને વધુ-વધુ ખોટું-ખોટું કહીને આપણે જ ક્યાંક ભૂલ તો નથી કરતાને? અમિતાભજીથી અભિભૂત થઈને આપણે જ પેલા બાળકને અપમાનિત નથી કરી રહ્યાને? ભાવનગરની પ્રાથમિક શાળાના દલિત વિદ્યાર્થીને જે રીતે વડા પ્રધાને સન્માનિત કર્યો એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે.


