ઘણાં બાળકોને નાનાં હોય ત્યારે માતા-પિતા ભણાવતાં હોય છે. તેમને ડરાવીને, ખિજાઈને કે મારીને ભણવા બેસાડે; જેને કારણે બાળકના માર્ક્સ સારા આવતા હોય. પણ જેવું બાળક મોટું થાય તેના માર્ક્સ ઓછા થઈ જાય. તે જાતે ભણી જ નથી શકતું.
પ્રતીકાત્મક તસવીર
ઘણાં બાળકોને નાનાં હોય ત્યારે માતા-પિતા ભણાવતાં હોય છે. તેમને ડરાવીને, ખિજાઈને કે મારીને ભણવા બેસાડે; જેને કારણે બાળકના માર્ક્સ સારા આવતા હોય. પણ જેવું બાળક મોટું થાય તેના માર્ક્સ ઓછા થઈ જાય. તે જાતે ભણી જ નથી શકતું. આજકાલ ઘણાં માતા-પિતાને પોતાનું બાળક પાસ થાય તો લાગે છે કે તેઓ પાસ થઈ ગયાં અને ફેલ થાય તો તેમને લાગે છે કે તેઓ પોતે ફેલ થયાં છે. આ પ્રકારનું પેરન્ટિંગ બાળકને નબળું અને માતા-પિતા પર નિર્ભર બનાવે છે
હું તેને ડરાવી-ધમકાવીને ભણવા ન બેસાડું તો તે બેસે જ નહીં ભણવા. દસમામાં છે પણ મારે તેની બાજુમાં બેસવું જ પડે, નહીંતર તે ભણે નહીં. બાળકો તો ચંચળ હોય જ પણ આપણે તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. એ માતા-પિતા તરીકે આપણે જોવાનું છે કે તે વ્યવસ્થિત ભણી લે. આ તેનું નહીં, મારું પણ બોર્ડ છે. તેને બિલકુલ ટેન્શન નથી, મારે જ પરીક્ષા આપવાની હોય એવી હાલત છે મારી તો. તેનું રિઝલ્ટ બગડ્યું તો તેની તો ખબર નથી પણ મને ડિપ્રેશન આવી જશે એમ લાગે છે.
ADVERTISEMENT
આ પ્રકારનાં વિધાનો દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક બોલાતાં જોવા મળે જ છે. ભારતીય પેરન્ટ્સ આમ પણ બાળકના ભણતર માટે ઘણા જ સેન્સિટિવ હોય છે. બાળક ભણી-ગણીને આગળ વધે એ તેમના જીવનનો એકમાત્ર ગોલ બની જતો હોય છે. ભણતરનું મહત્ત્વ હોવું એમાં કશું ખોટું નથી પણ આ વિષયમાં માતા-પિતાનું ગણતર પાછળ રહી જાય છે. બાળક સારું ભણે એ મુખ્ય એજન્ડાથી આપણે નાનપણથી તેને ખુદ ભણાવીએ છીએ. અમુક ઉંમર સુધી તો બાળક સારું પર્ફોર્મ કરે છે પણ જેવું તે મોટું થાય અને માતા-પિતા તેને ભણાવવાનું છોડે કે તેનું રિઝલ્ટ બગડે છે. એવાં ઘણાં ઘરો છે જેમાં પાંચમા-સાતમા સુધી બાળક રૅન્કર હોય અને એ પછી ઘરમાં મમ્મી કે પપ્પા ભણાવવાનું છોડે કે તે મીડિયોકર બની જાય છે, કારણ કે બાળકને જાતે ભણતાં આવડતું જ નથી. અત્યાર સુધી મમ્મી-પપ્પા પાછળ પડીને કરાવી લેતાં હતાં પણ જાતે કઈ રીતે ભણવું એની સમજ બાળકમાં છે જ નહીં. વળી ભણવાનું સ્તર ઘણું ઊંચું થઈ ગયું હોય છે એટલે વધુ મહેનત માગી લે છે. આખા ક્લાસમાં બે-ચાર બાળકો એવાં હોય છે જેને મોટા ધોરણમાં પણ માતા-પિતા ભણાવતાં હોય છે, તેમને વાંધો આવતો નથી અથવા તો એવાં અમુક બાળકો હોય છે જે માતા-પિતા પાસે ભણ્યાં જ નથી, પહેલેથી જ જાતે ભણે છે. તેમને પણ વાંધો આવતો નથી. પરંતુ જે પહેલાં મમ્મી-પપ્પા પાસે ભણતાં હોય અને પછી એ છૂટી જાય ત્યારે ચોક્કસ તકલીફ થાય છે, જેના વિશે આજે માંડીએ વિચાર.
પ્રૉબ્લેમ
આ પ્રૉબ્લેમને સમજાવતાં સાઇકોથેરપિસ્ટ અને પેરન્ટિંગ કોચ રિરી ત્રિવેદી કહે છે, ‘આજની તારીખે પેરન્ટ્સ એવા થઈ ગયા છે કે બાળકની જીતમાં જીત અને બાળકની હારમાં હાર જોવા લાગ્યા છે. બાળક ફેલ થયું તો તેમને લાગે છે કે તેઓ એક પેરન્ટ તરીકે ફેલ થઈ ગયા છે. આ યોગ્ય અપ્રોચ નથી. બાળક તમારા જીવનનો એક અતિ મહત્ત્વનો ભાગ હોઈ શકે પણ એ જ તમારું જીવન ન હોઈ શકે. આ રીતે તમે બાળકને વધુ પાંગળું બનાવો છો. તમે તેનાં અસાઇનમેન્ટ પૂરાં કરો છો, તમે તેનું હોમવર્ક યાદ દેવડાવો છો, તમે એક્ઝામ આવે ત્યારે માથે રહીને ભણાવો છો તો બાળક તમારા પર નિર્ભર થવાનું જ છે. તેને લાગે છે કે આ કામ મારું નથી, મમ્મી-પપ્પાનું છે. અથવા તો બાંહેધરી મળે છે કે મમ્મી-પપ્પા છે એટલે થઈ જશે, મારે ચિંતાની જરૂર નથી. આ પરિસ્થિતિમાં બાળક ખુદ ભણતું નથી અથવા ખુદ ભણવામાં રસ લેતું નથી.’
નાનપણમાં તેને ભણાવવું કે નહીં?
પશ્ચિમી દેશોમાં બાળકને ભણાવવાની સ્કૂલની જ જવાબદારી હોય છે અને ભારતમાં માતા-પિતા તેને ખુદ ભણાવવા માગતાં હોય છે કારણકે પેરન્ટિંગનો મુખ્ય ભાવ જ એ છે કે એક માણસ તરીકે મને જે આવડે છે એ હું મારી આગલી પેઢીને શીખવું. મને ગાતાં સારું આવડે છે તો એ બાળકને પણ શીખવાડું. હું મૅથ્સમાં ટૉપર હતો તો બાળકનું મૅથ્સ તો સારું હોવું જ જોઈએને. આ વાતને સમર્થન આપતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘સો ટકા આ સાચો ભાવ છે. આપણી પાસે જે છે, એ પછી મિલકત હોય કે આવડત, આપણે બાળકને આપવા માગીએ છીએ. ગુજરાતીમાં કહેવાય કે એક મા સો શિક્ષકની ગરજ સારે. એટલે બાળકને નાનપણમાં માએ ભણાવવું જ જોઈએ કારણ કે એનાથી બાળક અને મા વચ્ચેનો બૉન્ડ સ્ટ્રૉન્ગ બને છે. બધાં કામથી સમય કાઢીને મા જ્યારે ફક્ત બાળક માટે તેની સાથે બેઠી હોય તો તેને જુદો સંતોષ મળે છે. માને પણ પોતે બાળકને શીખવ્યાનો અલગ સંતોષ મળે છે. ટ્યુશન ટીચર ફક્ત કોર્સ ભણાવશે, પેરન્ટ્સ એને કોર્સ થકી જીવનના પાઠ શીખવશે. એટલે નાનપણમાં બાળકને ભણાવવું બિલકુલ ખોટું નથી, ઊલટું એ કરવું જ જોઈએ.’
શું કરવું?
બાળકને ભણાવો એ ખોટું નથી પણ તેને તમે તમારા પર નિર્ભર કરો એ ખોટું છે. તમારી માનસિકતા એમાં મહત્ત્વ ધરાવે છે એમ સમજાવતાં રિરી ત્રિવેદી કહે છે, ‘જ્યારે તમે બાળકને ભણાવો છો ત્યારે તેને ધીમે-ધીમે ઉંમર પ્રમાણે આત્મનિર્ભર બનાવતા જાઓ. બાળકને પહેલાં તમે સ્તનપાન કરાવો છો, એ પછી હાથેથી જમાડો છો, એ પછી મોટું થાય એટલે જાતે જમતું થાય, એ પછી જાતે થાળી પીરસીને લેતું થાય, એ પછી ખુદ જમવાનું બનાવતું થાય અને છેલ્લે તે તમારા માટે પણ જમવાનું બનાવે એમ દરેક સ્ટેજ પર તે ધીમે-ધીમે પોતાની જવાબદારીઓ લેતું જાય એ પેરન્ટિંગની સાચી રીત ગણાય. ભણાવામાં જ નહીં, આ નિયમ જીવનના દરેક ખૂણાને આવરી લે છે. ભણતર બાળકનું કામ છે, એ તેની જવાબદારી છે એ અહેસાસ માતા-પિતાએ તેને કરાવવાનો છે. તેને કોર્સ શીખવવા કરતાં કઈ રીતે ભણવું એ શીખવો એટલે તે જાતે ભણતું થાય. તેને જ્યારે જરૂર પડે ત્યારે તમે અવેલેબલ રહો, પણ સતત તેના માથે ઊભા રહેવાની જરૂર નથી. ક્યારેક આ ટ્રિકી સાબિત થાય છે. ઘણાં માતા-પિતા ક્યાં પકડવું અને ક્યાં છોડવું, ક્યાં ઢીલ આપવી અને ક્યાં કડક રહેવું એ સમજી નથી શકતાં એટલે તકલીફો ઊભી થાય છે.’
ઉપાય
દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘જો બાળક હોમવર્ક કરીને ન ગયું અને ટીચર તેને ખિજાય તો કંઈ વાંધો નહીં, તેને ખુદને શીખવા દો. આજે તે ભૂલ્યું છે, કાલે ખુદ યાદ કરશે. એક વખત માર્ક્સ ઓછા આવ્યા તો વાંધો નહીં. તે જાતે સમજશે કે મારે આમ નહોતું કરવાનું. ચોથા ધોરણ સુધી તમે તેને ભણાવો, પાંચમા-છઠ્ઠામાં ધીમે-ધીમે તેનો હાથ છોડો. સાતમા ધોરણમાં તેને પગભર થવા દો. આઠમાથી તેને એ અહેસાસ હોવો જોઈએ કે મારે ભણવાનું છે. કદાચ જાતે બધું કરતાં એકાદ વર્ષ નીકળી જાય તો વાંધો નથી. બોર્ડ સુધીમાં તે તૈયાર થઈ જશે. માતા-પિતાએ બાળકને સાવ મૂકી દેવું એમ હું નથી કહેતી, પણ તમારા વગર તે કરી ન શકે એવી અવસ્થા ન હોવી જોઈએ.’
પેરન્ટ્સની શું ભૂલ?
આજના પેરન્ટિંગનો મોટો પ્રૉબ્લેમ એ છે કે દરેક પેરન્ટ ઇચ્છે છે કે બાળક જીતે. આપણે નથી ઇચ્છતા કે આપણું બાળક ફેલ થાય, નીચે પડે, હારે. જો તે જાતે એટલી કૅપેસિટી રાખે કે તે દર વખતે જીતે તો વાંધો નથી પણ તે હારે નહીં એટલે આપણે તેની જગ્યાએ લડવા લાગીએ એ કેટલા અંશે યોગ્ય ગણાય? તેને જીતતાં નથી શીખવવાનું, તેને લડતાં શીખવવાનું છે. અને જો તે એમાં હારે તો પણ વાંધો નહીં. તેને એ સમજાવવાનું છે કે આ લડત તેની છે જેમાં તેના પેરન્ટ્સ તેની સાથે છે અને પેરન્ટ્સે ખુદ એ સમજવાનું છે કે આ લડત તેમની નથી, બાળકની છે જેમાં તેમણે સાથ આપવાનો છે.
ઘણાં માતા-પિતા ક્યાં પકડવું અને ક્યાં છોડવું, ક્યાં ઢીલ આપવી અને ક્યાં કડક રહેવું એ સમજી નથી શકતાં એટલે તકલીફો ઊભી થાય છે
- રિરી ત્રિવેદી, પેરન્ટિંગ કોચ


