અમિતાભ બચ્ચને બ્લૉગમાં વધતી વયે તેમને થતી સમસ્યાઓની વિગતવાર વાત કરી
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ૮૨ વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તેઓ કામ કરી રહ્યા છે. હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 17’નું હોસ્ટિંગ કરી રહેલા બિગ બીએ તેમના નવા બ્લૉગમાં વધતી ઉંમરની અસર અને સમય સાથે આવતી લાચારી વિશે ખૂલીને વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ૮૦ વર્ષની ઉંમર પાર કર્યા પછી હવે તેઓ એવાં પર્સનલ કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી જે અગાઉ નૉર્મલ હતાં. અમિતાભે ખુલાસો કર્યો છે કે હવે તેમને પૅન્ટ પહેરવામાં પણ મુશ્કેલી થાય છે અને પૅન્ટ પહેરતી વખતે બૅલૅન્સ ગુમાવી બેસે છે. આથી ડૉક્ટરે પણ તેમને બેસીને પૅન્ટ પહેરવાની સલાહ આપી છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં લખ્યું છે, ‘હવે દિવસ માટે નક્કી કરેલું રૂટીન અને જરૂરી કામ પણ પ્રભાવિત થઈ રહ્યાં છે. પ્રાણાયામ કરો, હળવો યોગ પણ યોગ્ય છે. જિમમાં ચાલવાની ગતિ વધારતી કસરતો કરો, જેથી વાત કરતી વખતે ચાલી શકાય અને યોગ્ય સંતુલન જાળવી શકાય. શરીર ધીમે-ધીમે પોતાનું સંતુલન ગુમાવવા લાગે છે અને તેને ચેક કરવા માટે તેમ જ સુધારવા માટે આવાં કામો કરવાની જરૂર છે.’
ADVERTISEMENT
રૂટીનમાં પડી રહી છે મુશ્કેલી
પોતાની સમસ્યાઓ વિશે વાત કરતાં અમિતાભે બ્લૉગમાં લખ્યું છે, ‘કેટલીક પ્રવૃત્તિ જે થોડાં વર્ષો પહેલાં કરવામાં બહુ સરળ લાગતી હતી એ હવે સરળ નથી રહી. હવે અગાઉની નૉર્મલ ઍક્ટિવિટી ફરીથી કરવા માટે પહેલાં મગજને વિચારવું પડે છે. આવું એક કામ છે પૅન્ટ પહેરવું. આમ તો આ સામાન્ય કામ છે, પણ ડૉક્ટર સલાહ આપે છે કે મિસ્ટર બચ્ચન, કૃપા કરીને બેસી જાઓ અને પછી એને પહેરો. પહેરતી વખતે ઊભા રહેવાનો પ્રયાસ ન કરો, તમે સંતુલન ગુમાવી શકો છો અને પડી શકો છો. આ સાંભળીને હું અંદરથી અવિશ્વાસમાં હસતો હતો, જ્યાં સુધી મને ખબર ન પડી કે તેઓ બિલકુલ સાચા હતા. આ સામાન્ય કામ જે અગાઉ સ્વાભાવિક રીતે થતું હતું એ માટે હવે એક ખાસ પ્રયાસ કરવો પડે એવું રૂટીન બની ગયું છે. હૅન્ડલ બારની જરૂર પડે છે. ટેબલ પરથી ઊડી ગયેલો કાગળનો ટુકડો ઉપાડવા જેવું સૌથી સરળ લાગતું કામ કરવા માટે પણ હવે વિચારવું પડે છે, સંતુલન જાળવવું પડે છે.’
ઉંમર અચાનક બ્રેક લગાવે છે
અમિતાભ બચ્ચન પોતાના બ્લૉગમાં ઉંમરની થતી અસર વિશે વાત કરતાં કહે છે, ‘તમારી બહાદુરી તમને આગળ વધવા કહે છે, જ્યાં સુધી તમને ખ્યાલ ન આવે. ભગવાન, આ એક મોટી સમસ્યા છે. આને વાંચનારાઓને મારી કહેલી દરેક વાત પર થોડું હસવું આવશે પણ પ્યારા પ્રિયજનો, તમારામાંથી કોઈએ પણ આમાંથી પસાર થવું ન પડે. હું તમને કહું છું કે આ આપણા બધા સાથે થશે, કાશ એવું ન થાય, પરંતુ સમય સાથે આ થશે. જે દિવસે આપણે આ દુનિયામાં આવીએ છીએ એ જ દિવસથી આપણી નીચે જવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. દુખદ છે, પરંતુ આ જીવનની વાસ્તવિકતા છે. યુવાન જીવનના પડકારો આત્મવિશ્વાસ સાથે દોડે છે, ઉંમર અચાનક તમારા પર બ્રેક લગાવે છે. કોઈ પણ વ્યક્તિ ઉંમરના વધારા સામે લડી શકતી નથી, અંતે આપણે બધા હારી જઈશું. તમારી હાજરી અને કામની પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ હવે અલગ થઈ જાઓ અને તૈયારી કરો. આહ... સાંભળવામાં ખૂબ જ બીમાર અને અસ્વાભાવિક લાગે છે, પરંતુ આ મને શ્વેતા દ્વારા કહેવામાં આવેલા ભયાનક મંત્રોમાંથી એક છે.’

