૧૫થી ૧૭ આૅગસ્ટની ૩ દિવસની રજાઓમાં ચોરો દરવાજા-તિજોરી તોડીને હાથ સાફ કરી ગયા
ચોરોએ ગૅસકટરનો ઉપયોગ કરીને લોખંડની તિજોરી તોડી નાખી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. ઍન્ડ સન્સ ડાયમન્ડ કંપનીના પૉલિશિંગ અને એક્સપોર્ટ યુનિટમાંથી ૨૫ કરોડ રૂપિયાના હીરાની ચોરી થઈ છે. ૧૫થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન ૩ દિવસની રજાઓમાં અજાણ્યા ચોરોએ ગૅસકટરનો ઉપયોગ કરીને ધાતુની તિજોરી તોડી હતી.
આ ચોરી વિશે જાણકારી આપતાં ડેપ્યુટી પોલીસ-કમિશનરે જણાવ્યું હતું કે ‘કંપનીએ સ્વતંત્રતાદિવસ અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ૩ દિવસની રજા જાહેર કરી હોવાથી ચોરી થઈ ત્યારે યુનિટમાં કોઈ કર્મચારીઓ કે સુરક્ષા ગાર્ડ હાજર નહોતા. આ પરિસ્થિતિનો લાભ લઈને ચોરોએ પહેલાં કંપનીના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસનો મુખ્ય દરવાજો તોડ્યો હતો અને પછી ત્રીજા માળે ગયા હતા. ત્રીજા માળે ધાતુની તિજોરી રાખવામાં આવી હતી, જેમાં હીરા હતા. તેમણે ગૅસકટરનો ઉપયોગ કરીને તિજોરી તોડી હતી. ચોરોએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાની પણ તોડફોડ કરી હતી. ૩ દિવસના વિરામ પછી સોમવારે સવારે જ્યારે હીરા યુનિટના માલિક ઑફિસે પહોંચ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ ચોર ૨૫ કરોડ રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. તેમણે પુરાવાનો નાશ કરવા CCTV કૅમેરાની તોડફોડ ઉપરાંત વિડિયો રેકૉર્ડર ચોરી લીધું હતું.’

