સેલિનાએ પોતાના ભાઈની મુક્તિ માટે હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે
સેલિના જેટલી ભાઈ સાથે
સેલિના જેટલીનો ભાઈ વિક્રાન્ત કુમાર જેટલી હાલ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની જેલમાં બંધ છે. હવે સેલિનાએ તેની મદદ માટે દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સેલિનાએ પોતાના ભાઈની મુક્તિ માટે હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. વિક્રાન્ત કુમાર જેટલી ભારતીય સેનામાં મેજર રહી ચૂક્યો છે. સેલિનાનું કહેવું છે કે તેના ભાઈની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી છે અને ભારત સરકારે તેને રાજનૈતિક તેમ જ કાનૂની સહાયતા પૂરી પાડવી જોઈએ. તેણે વિશેષમાં જણાવ્યું છે કે તેના ભાઈની તબિયત સારી નથી એટલે યોગ્ય તબીબી સારવારની પણ જરૂર છે.
આ મામલાની સુનાવણી દરમ્યાન દિલ્હી હાઈ કોર્ટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો કે વિક્રાન્ત જેટલીને તમામ મદદ આપવામાં આવે, તેની હાલની સ્થિતિ અને હેલ્થ-રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે, કેન્દ્ર સરકાર એક નોડલ અધિકારીની નિમણૂક કરે જે કેસની દેખરેખ કરે તેમ જ વિક્રાન્તની પત્ની, બહેન અને પરિવારને તમામ માહિતી નિયમિત રીતે આપવામાં આવે.
રિપોર્ટ મુજબ સેનામાંથી નિવૃત્ત થયા બાદ વિક્રાન્ત કુમાર જેટલી ૨૦૧૬માં પત્ની સાથે UAEમાં શિફ્ટ થયો હતો અને એક કન્સલ્ટન્સી ફર્મમાં નોકરી કરતો હતો. ૨૦૨૪માં તે પોતાની પત્ની સાથે એક મૉલમાં ફરતો હતો ત્યારે UAE પોલીસે તેની અટકાયત કરી હતી. તેના પર આરોપ છે કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસની આગામી સુનાવણી ૪ ડિસેમ્બરે થશે.


