ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સનાં ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર ફરી પાછો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાની સ્ટાર્સ
ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સનાં ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર ફરી પાછો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તાજેતરમાં ફવાદ ખાન, માહિરા ખાન, માવરા હોકેન અને હાનિયા આમિર સહિતની ઘણી પાકિસ્તાની સેલિબ્રિટીનાં ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ્સ ભારતમાં સક્રિય જોવા મળ્યાં હતાં, પરંતુ સરકારે ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરીને તેમને ફરીથી પ્રતિબંધિત કરી દીધાં છે. ભારત સરકારે ઑપરેશન સિંદૂર બાદ તમામ પાકિસ્તાની કલાકારોનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે એમ છતાં પાકિસ્તાનનાં કેટલાંક યુટ્યુબ ચૅનલ અકાઉન્ટ્સ, ન્યુઝ-ચૅનલ્સ અને સેલિબ્રિટીનાં ઇન્સ્ટા-અકાઉન્ટ્સ ભારતમાં દેખાવા લાગ્યાં હતાં.
બુધવારે કેટલાક પાકિસ્તાની સેલિબ્રિટીનાં ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ્સ ભારતમાં સક્રિય જોવા મળ્યાં એ પછી ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને આ સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક લાંબો પત્ર લખ્યો હતો અને એમાં તેમણે પાકિસ્તાની સેલિબ્રિટીઝનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ‘પહલગામ આતંકવાદી હુમલામાં જે ભારતીયોએ જીવ ગુમાવ્યા તેમનું સન્માન કરવું જોઈએ. પાકિસ્તાન સાથે આપણા સંબંધ સંપૂર્ણપણે કાપી નાખવા જોઈએ. એનાથી ન તો આપણા મનોરંજન ઉદ્યોગ પર અસર પડશે કે ન તો દેશની અર્થવ્યવસ્થા પર. પાકિસ્તાનના હુમલા બાદ એના કલાકારો કે એની ચૅનલ્સ ભારતમાં દેખાવી એ દેશના શહીદોનું અપમાન છે.’ હવે આ તમામ અકાઉન્ટ પર ફરી પાછો બૅન મૂકી દેવામાં આવ્યો છે.

