ફિલ્મને ૧૬ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે લીડ ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજનો આભાર માન્યો
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાની ‘કમીને’ને ૧૬ વર્ષ પૂર્ણ થયાં છે. આ ખાસ પ્રસંગે પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજનો આભાર માન્યો અને એક ખાસ પોસ્ટ લખી છે. પ્રિયંકાએ ફિલ્મનાં દૃશ્યોની તસવીરો અને વિડિયો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘સ્વીટી ભોપે, એ દિવસોમાં હું માયામી, ફ્લૉરિડામાં તરુણ મનસુખાની સાથે ‘દોસ્તાના’નું શૂટિંગ કરી રહી હતી. અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમ પણ ત્યાં હતા. શૂટિંગ-શેડ્યુલ પૂરું થયા બાદ એક સાંજે મેં વિશાલ ભારદ્વાજનો મિસ્ડ કૉલ જોયો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ મને તેમની ફિલ્મમાં લેશે, કારણ કે એ સમયે બૉલીવુડમાં મારી ઇમેજ એક કમર્શિયલ હિરોઇનની હતી. વિશાલ ભારદ્વાજે કહ્યું કે તેઓ મને મળવા માગે છે. મેં તેમને મારું લોકેશન જણાવ્યું અને તેઓ માયામી આવી ગયા.’
પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે લખ્યું છે, ‘વિશાલ ભારદ્વાજે એમ પણ કહ્યું હતું કે ‘કમીને’માં આમ તો મારા આઠ જ સીન છે, પણ આ ફિલ્મ પછી તેઓ મારા માટે કંઈક ખાસ બનાવશે. આ પછી અમે બન્નેએ ‘સાત ખૂન માફ’ બનાવી. ‘કમીને’ મારી કરીઅરનો એક મહત્ત્વનો વળાંક હતો. વિશાલ ભારદ્વાજસરનો ખૂબ-ખૂબ આભાર, જેમણે મને આ તક આપી. હું વિશાલસર પાસેથી ઘણું શીખી. ‘કમીને’માં શાહિદ કપૂરે ડબલ રોલમાં અદ્ભુત કામ કર્યું હતું અને અમોલ ગુપ્તા પણ શાનદાર હતા.’

