ફિલ્મના ડિરેક્ટર રમેશ સિપ્પીએ જણાવ્યું હતું કે અનેક લોકોએ મને આવી સલાહ આપી હતી
રમેશ સિપ્પી
‘શોલે’ ફિલ્મની પચાસમી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે ત્યારે ફિલ્મના ડિરેક્ટર રમેશ સિપ્પીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ જ્યારે આ ફિલ્મનું કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ તેમને કહ્યું હતું કે અમિતાભ બચ્ચન એક ફ્લૉપ ઍક્ટર છે અને તેને ‘શોલે’માં ન લેવો જોઈએ.
‘શોલે’માં અમિતાભની પસંદગીનાં કારણો વિશે વાત કરતાં રમેશ સિપ્પીએ કહ્યું, ‘જ્યારે અમે ‘સીતા ઔર ગીતા’ની સિલ્વર જ્યુબિલી પાર્ટીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ઘણા લોકો ઘરે આવ્યા હતા. તેઓ મને સલાહ આપી રહ્યા હતા કે અમિતાભને ન લો, કારણ કે તેમની ઘણી ફિલ્મો ફ્લૉપ થઈ હતી. જોકે અમિતાભમાં કંઈક એવું હતું જે મને યોગ્ય લાગ્યું. ફિલ્મની જરૂરિયાત મુજબ અમિતાભને જે પણ કહેવામાં આવ્યું તેમણે એ કર્યું. તેમની ઊંચાઈ વધારે હોવા છતાં તેમના શરીરની હિલચાલ સ્વાભાવિક હતી. તેમનામાં કોઈ ખચકાટ નહોતો.’

