ફૅન્સ સાથે વાત કરતી વખતે શાહરુખે સ્પષ્ટતા કરી કે આ ફિલ્મની સીક્વલનો નિર્ણય અનુભવ સિંહા જ લઈ શકે છે
શાહરુખ ખાન
૨૦૧૧માં શાહરુખ ખાનની ફિલ્મ ‘RA.One’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર બહુ સફળતા નહોતી મળી પણ આ ફિલ્મ શાહરુખ માટે ખાસ છે અને તેણે જાહેરમાં આ વાતનો એકરાર કરીને એની સીક્વલની ચાલી રહેલી ચર્ચા વિશે સ્પષ્ટતા કરી છે.
પોતાના જન્મદિને એક ઇવેન્ટમાં ફૅન્સ સાથે વાત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘મારી ‘RA.One’ એક નવા પ્રકારની ફિલ્મ હતી જે મારા દિલની ખૂબ નજીક છે. અનુભવ સિંહાએ આ ફિલ્મ ખૂબ મહેનતથી બનાવી હતી. હું ઇચ્છતો હતો કે આ ફિલ્મથી એક નવો ટ્રેન્ડ શરૂ થાય. કદાચ એ સમયે લોકો પ્લેસ્ટેશન કે આઇપૅડ જેવી વસ્તુઓથી એટલા પરિચિત નહોતા, આજે છે. મને લાગે છે કે જો આ વાર્તાને હવે ફરીથી બતાવવામાં આવે તો લોકો એની સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. જ્યાં સુધી ‘RA.One’ની સીક્વલનો સવાલ છે ત્યાં સુધી આનો નિર્ણય અનુભવ સિંહા જ કરી શકે છે. આ ફિલ્મ માટે અનુભવે ખૂબ મહેનત કરી હતી. કદાચ યોગ્ય સમય આવતાં અમે ફરી એ કરી શકીએ છીએ.’


