આ રકમ કોરિયોગ્રાફર ફારાહ ખાનને મળેલી ફી કરતાં પાંચ હજાર ઓછી હતી
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ગણતરી હાલમાં ભલે બૉલીવુડના કિંગ તરીકે થતી હોય, પણ કરીઅરની શરૂઆતના તબક્કામાં તેને ફિલ્મ ‘કભી હાં કભી ના’ માટે માત્ર પચીસ હજાર રૂપિયા જેટલી જ ફી ચૂકવવામાં આવી હતી. રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મમાં કોરિયોગ્રાફરની જવાબદારી નિભાવનાર ફારાહ ખાનને શાહરુખ કરતાં પણ પાંચ હજાર રૂપિયા વધારે એટલે કે લગભગ ત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી હતી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફારાહ ખાને ‘કભી હાં કભી ના’ના શૂટિંગ વખતની વાત કરતાં કહ્યું હતું કે ‘૩૧ વર્ષ પહેલાં જ્યારે ‘કભી હાં કભી ના’ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે શાહરુખ ખાન મોટો સ્ટાર નહોતો. આ ફિલ્મ ખૂબ જ ઓછા બજેટની હતી અને અમારા બધાની કરીઅરની શરૂઆતનો સમય હતો એટલે ફિલ્મમાં કોઈની ફી બહુ વધારે નહોતી. શાહરુખને આ ફિલ્મ માટે લગભગ પચીસ હજાર રૂપિયા મળ્યા હતા, જ્યારે મને દરેક ગીત માટે પાંચ હજાર રૂપિયા મળવાના હતા. આ ફિલ્મમાં મેં છ ગીતો કર્યાં હતાં એટલે મને આ ફિલ્મ માટે ત્રીસ હજાર રૂપિયા મળ્યા. આ રીતે મારી ફી શાહરૂખ કરતાં પાંચ હજાર રૂપિયા વધુ હતી.’

