ઘાટકોપરની ઘટના : ફટાકડાને લીધે એક કારમાં આગ લાગી, ફાયર-બ્રિગેડને આવતાં દોઢ કલાક થયો એટલી વારમાં બાજુમાં પાર્ક થયેલી બીજી કારે પણ આગ પકડી લીધી
સોમવારે રાતે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર નીલકંઠ વેદાંતા સોસાયટીની બહાર ફટાકડાને લીધે ભડકે બળતી અને પછી ખાખ થઈ ગયેલી કાર.
ઘાટકોપર-વેસ્ટના ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર આવેલી નીલકંઠ વેદાંતા સોસાયટીની બહાર મંગળવારે રાતે ૧૧.૩૩ વાગ્યે ફટાકડાને લીધે આગ ફાટી નીકળી હતી. એમાં રોડ પર ઊભેલી બે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આગ લાગ્યા બાદ દોઢ કલાક પછી ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં આગે જોર પકડી લીધું હતું. એક તબક્કે તો અમને આગ અમારા બિલ્ડિંગને પણ ઝપટમાં લઈ લેશે એવો ભય લાગ્યો હતો. સૌથી શૉકિંગ વાત તો એ છે કે આગ લાગ્યા પછી ફાયર-બ્રિગેડ કે પોલીસ કન્ટ્રોલ-રૂમ બેમાંથી એકેયનો ફોન-નંબર લાગતો નહોતો. એને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અને નજીકની હૉસ્પિટલના દરદીઓમાં તથા તેમનાં સગાંઓમાં ફફડાટ ફેલાયો હતો.’
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં નીલકંઠ વેદાંતા સોસાયટીના રહેવાસી અને પ્રેસ-ફોટોગ્રાફર મહેશ પોળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીના તહેવારને લીધે નજીકના રહેવાસીઓ રોડ પર ફટાકડા ફોડતા હતા. એમાંથી એક ફટાકડો રોડ પર પાર્ક કરેલી કારમાં ઘૂસી જતાં જોરદાર ધડાકા સાથે કારમાં આગ ફાટી નીકળી હતી. અમારી સોસાયટીમાં રહેતા મહાનગરપાલિકાના એક અધિકારીએ તરત જ ફાયર-બ્રિગેડના કન્ટ્રોલ-રૂમમાં ફોન લગાડ્યો હતો, પણ ૧૦૧ નંબર પર રિંગ જતી હતી. આથી અમે પહેલાં પોલીસ કન્ટ્રોલ-રૂમને મદદ માટે ફોન લગાડ્યા હતા, પરંતુ ત્યાં પણ રિસ્પૉન્સ મળતો નહોતો. આથી અમે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફોન કર્યો હતો. અમે ત્યાં ફરિયાદ કરી કે ફાયર-બ્રિગેડના નંબર લાગતા નથી એટલે તમે અમને મદદ કરો. જોકે અમને મદદ કરવાને બદલે પોલીસ-સ્ટેશનમાંથી જવાબ મળ્યો હતો કે અમારી પાસે બીજાં પણ કામ છે, આખી દુનિયાની જવાબદારી અમે લીધી નથી. આથી સોસાયટીમાં રહેતા મહાનગરપાલિકાના અધિકારીએ મહાનગરપાલિકાની મદદ માગીને ફાયર-બ્રિગેડને બોલાવી હતી, પણ ફાયર-બ્રિગેડને આવતાં દોઢ કલાક લાગી ગયો હતો. એ સમય દરમ્યાન આગની લપેટમાં બીજી કાર પણ આવી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.’
ફટાકડાને લીધે બીજી આગ
ઘાટકોપર-વેસ્ટમાં આવેલી અસલ્ફા ભાજી માર્કેટમાં ગઈ કાલે સવારે પાંચ વાગ્યે ફટાકડાને કારણે માર્કેટમાં રાખવામાં આવેલી કચરાપેટીમાં આગ ફાટી નીકળી હતી. જોકે એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મંગેશ સાવંત અને સુરેશ બનસોડેની સમયસૂચકતાને લીધે આગ ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ બાબતની માહિતી આપતાં કચરાપેટીની બાજુમાં આવેલા ખન્ના અપાર્ટમેન્ટના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચરાપેટીમાં આગ લાગતાં હવાને કારણે એની જ્વાળાઓ અમારી સોસાયટી તરફ અને બાજુમાં આવેલી એક બૅન્ક તરફ ફેલાવા લાગી હતી. જોકે મંગેશ અને સુરેશે પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જ તરત જ ફાયર-બ્રિગેડને ફોન કર્યો હતો. આગ જ્યાં સુધી બુજાઈ નહીં ત્યાં સુધી આ બન્ને યુવાનો ઘટનાસ્થળે લોકોને મદદ કરવા ઊભા રહ્યા હતા. ફાયર-બ્રિગેડે આવીને થોડી જ વારમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.’

