ટાવરમાં પ્રધાનો અને IPS અધિકારીઓનાં નિવાસસ્થાન
બેસિલિયમ ટાવરમાં લાગેલી આગ બાદ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
સોમવારે દિવાળીની પહેલી રાત્રે થાણેના ૩ અલગ-અલગ વિસ્તારમાં આગ લાગી હતી, જેમાંથી એક ઘટના સામાન્ય અને બે ગંભીર હતી. આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી થાણેના ફાયર વિભાગે આપી હતી.
સોમવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ થાણેના ઘોડબંદર રોડ પરના હીરાનંદાની એસ્ટેટમાં આવેલા બેસિલિયમ ટાવરમાં આગની ઘટના નોંધાઈ હતી. ટાવરના ૩૧મા માળે એક ફ્લૅટની ગૅલરીમાં મૂકવામાં આવેલા લાકડાના સોફા અને અન્ય સામાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગને લીધે તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસના આધારે રૉકેટ લાકડાના સોફા પર પડતાં આગ લાગી હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
થાણેના બાલકુમ ફાયર વિભાગના સિનિયર ઑફિસર ઓમકાર વૈતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બેસિલિયમ ટાવર બિલ્ડિંગમાં રહેતા એક પરિવારના સભ્યો સોસાયટીના ગ્રાઉન્ડમાં દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમના ફ્લૅટની ગૅલરીમાં આગ લાગેલી જોઈ હતી. તેમણે તાત્કાલિક અમને જાણ કરી હતી. અમારી ટીમે સોસાયટીમાં લાગેલી ફાયર સિસ્ટમની મદદથી આશરે ૨૦ મિનિટમાં આગ ઓલવી દીધી હતી. આ કેસમાં ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે, કારણ કે ઘરમાં બીજી કોઈ જગ્યાએ આગ ફેલાઈ નહોતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાલ્કનીમાં રહેલી બધી વસ્તુઓ બળી ગઈ હતી.’
ટાવરમાં પ્રધાનો અને IPS અધિકારીઓનાં નિવાસસ્થાન
ઉલ્લેખનીય છે કે હીરાનંદાની એસ્ટેટના જે બિલ્ડિંગમાં આગ લાગી હતી એ બેસિલિયમ ટાવરમાં બે પ્રધાનો અને અનેક IPS અધિકારીઓના ફ્લૅટ હોવાની માહિતી મળી છે.
દિવાળીના દિવસે ફાયર-બ્રિગેડને ૩૨ ફોન આવ્યા
સોમવારે મુંબઈગરાઓએ દિવાળીની વ્યાપક ઉજવણી કરી હતી. આ ઉજવણીને લીધે અનેક જગ્યાએ નાની-મોટી દુર્ઘટનાઓના અને આગના કિસ્સા પણ બન્યા હતા. દિવાળીના દિવસે એટલે કે સોમવારે ફાયર-બ્રિગેડને ૩૨ કૉલ આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના બનાવો નાના અને સામાન્ય હતા અને એક પણ કિસ્સામાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોય એવું બન્યું નથી. અડધી રાતે પણ ફાયર વિભાગને વારંવાર ફોન આવ્યા હતા, કારણ કે ફટાકડાઓને લીધે શહેરનાં અનેક સ્થળે નાના-નાના ભડાકા થયા હતા અને આગ પકડી લીધી હોવાની ઘટનાઓ બની હતી.

