સોશ્યલ મીડિયા પરની સોની રાઝદાનની પોસ્ટને કારણે મા-દીકરી જબરદસ્ત ટ્રોલ થયાં. તેણે આ અપીલ કરવાની સાથે-સાથે આ માગણી કરતી એક પિટિશન પર સાઇન પણ કરી હતી.
સોની રાઝદાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈ કાલે યુદ્ધવિરામની જાહેરાત થઈ એ પહેલાં બન્ને દેશો વચ્ચેના સંઘર્ષના મામલે આલિયા ભટ્ટની મમ્મી અને ઍક્ટ્રેસ સોની રાઝદાને શાંતિની અપીલ કરી હતી. તેણે આ અપીલ કરવાની સાથે-સાથે આ માગણી કરતી એક પિટિશન પર સાઇન પણ કરી હતી. આ પિટિશન સાઇન કરીને સોની રાઝદાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવું જોઈએ.
જોકે સોનીની આ પોસ્ટ વાઇરલ થઈ કે તરત જ સોશ્યલ મીડિયા પર સોની અને એની સાથે-સાથે દીકરી આલિયાનું જબરદસ્ત ટ્રોલિંગ શરૂ થઈ ગયું. અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે આ મા-દીકરીની જોડીને અનફૉલો કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. લોકોએ કમેન્ટ કરીને કહ્યું કે તેના જેવી સિનિયર ઍક્ટ્રેસમાં આ સમયે પોતાના સેનાના જવાનો સાથે ઊભા રહેવાની હિંમત અને શિષ્ટતા હોવી જોઈએ. કેટલાક લોકોએ કમેન્ટ કરતાં કહ્યું કે તેઓ બન્ને પાસે ભારતીય પાસપોર્ટ નથી એટલે તેમની પાસેથી સમર્થનની અપેક્ષા રાખવી નકામી છે.
સોનીએ પણ આ પોસ્ટના મામલે ટ્રોલ થયા પછી સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી એને ડિલીટ કરી નાખી છે. ખાસ વાત તો એ છે કે ઑપરેશન સિંદૂર પર ભારતીય સેનાને અભિનંદન આપનારી સેલિબ્રિટીઓમાં આલિયા ભટ્ટ પણ હતી છતાં પણ સોનીની પોસ્ટથી અકળાયેલા લોકોએ કહ્યું છે કે મમ્મીની ભૂલનું પરિણામ દીકરી ભોગવશે.

