વર્ષો પહેલાં ૧૯૯૮ અને ૨૦૦૦માં ‘સંકેત’ના બે કાર્યક્રમમાં મન્ના ડેએ આયુષ્યની ઢળતી સાંજે શ્રોતાઓને મુગ્ધ કરતી ગાયકી દ્વારા રોમાંચિત કર્યા હતા
મન્ના ડેએ
ગયા અઠવાડિયે પંડિત ભીમસેન જોશીની યાદ તાજી કરી એટલે મિત્રોના ફોન આવ્યા કે તેમના વિશે તમારી પાસે બીજા કિસ્સાઓ હશે જ તો એ પણ શૅર કરશો. આજે તેમના અને બીજા કલાકારોના રસપ્રદ કિસ્સાઓ યાદ કરીએ.
વર્ષો પહેલાં ૧૯૯૮ અને ૨૦૦૦માં ‘સંકેત’ના બે કાર્યક્રમમાં મન્ના ડેએ આયુષ્યની ઢળતી સાંજે શ્રોતાઓને મુગ્ધ કરતી ગાયકી દ્વારા રોમાંચિત કર્યા હતા. એ સમયે તેમની સાથેની નિકટતા વધી અને એ મુલાકાતો દરમ્યાન અઢળક વાતો થઈ. આજે તેમના જ શબ્દોમાં પંડિત ભીમસેન જોશી સાથેનો એક કિસ્સો શૅર કરું છું :
ADVERTISEMENT
‘‘બસંત બહાર’ માટે શંકર-જયકિશન મારા સ્વરમાં એક પ્યૉર ક્લાસિકલ ગીત રેકૉર્ડ કરવાની વાત લઈને આવ્યા. પહેલાં તો હું ખૂબ ઉત્સાહમાં આવી ગયો. આ ગીત મારે હીરો માટે રેકૉર્ડ કરવાનું હતું જેમાં તે બીજા કલાકારને એક સ્પર્ધામાં હરાવી દે છે. એ બીજા કલાકાર માટે પંડિત ભીમસેન જોશી પ્લેબૅક આપવાના હતા. એ સાંભળી મારો ઉત્સાહ ઓગળી ગયો અને મનમાં ડર લાગવા લાગ્યો. એક એ કે જાણે-અજાણે મારી ગાયકીની સરખામણી પંડિતજીની ગાયકી સાથે થશે અને હું એમાં ઊણો ઊતરીશ. બીજું એ કે ભલે એ ફિલ્મનું દૃશ્ય હોય પરંતુ મારી ગાયકી તેમના કરતાં ચડિયાતી હોય એ વાત મને પોતાને જ ગળે નહોતી ઊતરતી. એટલે મેં આ ગીત ગાવાનો ઇનકાર કર્યો. ઘરે આવીને મેં સુલુ (પત્ની) સાથે વાત કરી અને કહ્યું આપણે થોડા દિવસ બહારગામ જતાં રહીએ. ત્યાં સુધીમાં પ્રોડ્યુસર બીજા કોઈ સિંગર પાસે ગીત રેકૉર્ડ કરાવી લેશે. તેણે કહ્યું, ‘આવી ભૂલ ન કરતા. આવો મોકો નસીબદારને જ મળે. તમે શાસ્ત્રીય સંગીત સારી રીતે જાણો છો, પછી શા માટે ડરવું જોઈએ? મજાની વાત એ છે કે ફિલ્મનો હીરો હરીફાઈમાં જીતી જાય છે એટલે એ વાત તમારી તરફેણમાં છે. જીવનમાં આવી તક વારંવાર નથી મળતી. કાલે જ પ્રોડ્યુસરને હા પાડી દો. તમારે માટે આ એક ચૅલેન્જ છે. મને પૂરી ખાતરી છે કે અંતે જીત તમારી જ થશે.’
‘સુલુએ જે મક્કમતાથી વાત કરી એટલે મારો વિશ્વાસ વધ્યો. મેં ગીત માટે હા પાડી. આમ ‘કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે’ રેકૉર્ડ થયું. રેકૉર્ડિંગ દરમ્યાન પંડિતજી મારી ગાયકીને દાદ દઈને પીઠ થપથપાવતા અને પોરસ ચડાવતા. મને કહે કે તમે શાસ્ત્રીય સંગીતમાં આગળ વધીને કારકિર્દી કેમ ન બનાવી? આ ગીત સાંભળી ઘણા ઉસ્તાદો અને પંડિતોએ મારી ગાયકીની ખૂબ પ્રશંસા કરી. સુલુને મારામાં જે વિશ્વાસ હતો એમાં હું ખરો ઊતર્યો એનો મને આનંદ છે.’
એક કલાકાર મહાન ત્યારે જ બને છે જયારે તે બીજા કલાકારની કાબેલિયતને દિલથી દાદ આપે. પંડિત ભીમસેન જોશી પ્લેબૅક સિંગર કિશોર કુમાર અને મન્ના ડે જેવા પ્લેબૅક સિંગરની ગાયકીને માણતા અને બિરદાવતા એ બહુ મોટી વાત છે.
ગઈ કાલે રાતે મિત્ર દંપતી સોનાલી અને રૂપકુમાર રાઠોડ સાથે ડિનર લેતાં પંડિત ભીમસેન જોશીની ‘સેન્સ ઑફ હ્યુમરનો એક મજેદાર કિસ્સો જાણવા મળ્યો. એક દિવસ ઉસ્તાદ અમજદલી ખાને પંડિતજીને આમંત્રણ આપ્યું કે તેમની સ્કૂલમાં આવીને સરોદ શીખતા વિદ્યાર્થીઓને મહત્ત્વની શીખ આપે. પંડિતજી ત્યાં પહોંચ્યા એટલે એક પછી એક વિદ્યાર્થી તેમના ચરણસ્પર્શ કરવા આવતા ગયા. પંડિતજી વાંકા વળેલા વિદ્યાર્થીઓને વચ્ચેથી જ રોકી લે અને કોઈને ચરણસ્પર્શ કરવાનો મોકો ન આપે. આ વસ્તુ બહુ સ્વાભાવિક હતી. ઘણા ગુણીજનો એમ માનતા હોય છે કે તેઓ આ સન્માનને પાત્ર નથી. આ જોઈ ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું, ‘પંડિતજી, ઇન લોગોં કો આપકા થોડા સ્પર્શ હો જાએગા તો આપકી થોડી-બહુત વિદ્યા ઉન્હેં પ્રાપ્ત હો જાએગી.’
એ સાંભળી મસ્તીભરા ટોનમાં પંડિતજી બોલ્યા, ‘પર અગર ઉલ્ટા હુઆ તો ઉનકી સભી કમઝોરિયાં મુઝમેં આ જાએગી ઉસકા ક્યા?’
અને બન્ને ખડખડાટ હસી પડ્યા.
પંડિતજીએ કિશોરકુમારની ગાયકીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે જો કિશોરકુમારે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હોત તો ભલભલા ઉસ્તાદોની છુટ્ટી કરી નાખી હોત. વાત સાચી છે. પરંતુ હકીકત એ છે કે તેઓ ખુદ ફિલ્મો માટે ક્લાસિકલ ગાવાની વાત આવે ત્યારે મના કરી દેતા. ફિલ્મ ‘નમકહલાલ’ના ‘કે પગ ઘુંઘરૂ બાંધ મીરા નાચી’માં જે સરગમનો પાર્ટ છે એ પંડિત સત્યનારાયણ મિશ્રાના સ્વરમાં રેકૉર્ડ થયો છે. કિશોરકુમારને શાસ્ત્રીય સંગીત ગાવામાં જે ડર લાગતો હતો એનું સાચું નિરૂપણ કરતું એક ગીત છે ફિલ્મ ‘મિસ મૅરી’નું. ‘ગાના ન આયા, બજાના ન આયા’ સાંભળીએ ત્યારે એમ જ લાગે કે કિશોરકુમાર પોતાના દિલની વાત કરી રહ્યા છે. ભલે આડવાત છે પણ કિશોરકુમારની વાત નીકળી છે તો બે કિસ્સા યાદ આવે છે જે મન્ના ડેએ મારી સાથે શૅર કર્યા હતા, ‘કિશોર ભલે શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોથી દૂર ભાગતો હોય પરંતુ તેની એક યુનિક સ્ટાઇલ છે. તેની ગાયકીથી અમારા જેવા ટ્રેઇન્ડ સિંગર પણ થાપ ખાઈ જાય છે. ‘પડોસન’ના ‘એક ચતુર નાર’ માટે કિશોરકુમારને ત્યાં અમે સૌ સિટિંગ માટે ભેગા થયા હતા. સાત-આઠ-દસ કલાક રિહર્સલ બાદ લાગ્યું કે આ ગીતનું રેકૉર્ડિંગ સહેલું નથી. કિશોરકુમાર વારંવાર એટલું ઇમ્પ્રોવાઇઝેશન કરે કે વાત ન પૂછો. રેકૉર્ડિંગ ચાલતું હતું અને મારે ગાવાનું હતું, ‘નાચ ન જાને આંગન ટેઢા, ટે....ઢા, ટે....ઢા’ હું મૂરકી લઈને ગાતો હતો ત્યાં વચ્ચે કિશોરકુમારે ‘એ ટેઢે સીધે હો જા રે, સીધે હો જા રે’ ગાવાનું શરૂ કર્યું. અમે સૌ ચોંકી ગયા. ગીતમાં આ શબ્દો હતા જ નહીં. મેં પંચમ સામે જોયું. મને એમ કે તે ‘કટ-કટ’ કહીને રેકૉર્ડિંગ અટકાવી દેશે પણ તેણે ઇશારો કરીને કહ્યું કે ચલને દો. મને હતું કે હું મારી ક્લાસિકલ ગાયકીથી કિશોર પર હાવી થઈ જઈશ પણ કિશોરકુમાર મેદાન મારી ગયા.’
એક તરફ પંડિત ભીમસેન જોશી, ઉસ્તાદ બડે ગુલામઅલી ખાં, ઉસ્તાદ આમિર ખાં, ઉસ્તાદ રાશીદ ખાન અને બીજા ગાયક કલાકારોએ ફિલ્મોમાં પ્લેબૅક આપ્યું છે તો બીજી તરફ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં (શહનાઈ), પંડિત સામતા પ્રસાદ (તબલા), પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (બાંસુરી), પંડિત શિવકુમાર શર્મા (સંતૂર) અને બીજા અનેક દિગ્ગજ વાદક કલાકારોએ પોતાનાં વાદ્યો દ્વારા ફિલ્મી ગીતોને સજાવ્યાં છે. આ સરસ્વતી પુત્રોએ ફિલ્મી ગીતોને અમર બનાવ્યાં એનું મુખ્ય કારણ એ કે એ ગીતોના રાગમાં સાધારણ જ ફેરફાર કરીને સંગીતકારોએ કર્ણપ્રિય બનાવ્યાં.
કોઈ પણ ગીત સ્વરબધ્ધ થતું હોય ત્યારે એના પાયામાં કોઈ રાગ તો હોય જ પરંતુ એમાં પોતાનો નાજુક સ્પર્શ આપીને એક નવી બંદિશની રચના કેમ કરવી એ વીતેલા યુગના સંગીતકારોની માસ્ટરી હતી. લતા મંગેશકર, મોહમ્મદ રફી, મન્ના ડે અને અન્ય સિદ્ધહસ્ત પ્લેબૅક સિંગર્સની સાથે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોએ ફિલ્મ સંગીતને અમરત્વ આપ્યું એ બદલ આપણે સૌ તેમના ઋણી રહીશું.

