Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જલેબી રૉક્સઃ `અન્યો માટે જાત ઘસી નાખતી સ્ત્રીએ પોતાને માટે જીવવું જરૂરી છે`નો સંદેશ આપતી ફિલ્મ

જલેબી રૉક્સઃ `અન્યો માટે જાત ઘસી નાખતી સ્ત્રીએ પોતાને માટે જીવવું જરૂરી છે`નો સંદેશ આપતી ફિલ્મ

Published : 28 June, 2025 12:52 PM | Modified : 30 June, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ તાજેતરમાં જલેબી રૉક્સની ટીમ સાથે વાતચીત કરી અને તે ફિલ્મ વિશે જાણવાની, એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના અભિગમને જાણ્યો

જલેબી રૉક્સની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ કરી વાતચીત

જલેબી રૉક્સની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ કરી વાતચીત


જગન્નાથ રથયાત્રાના દિવસે ચિન્મય પુરોહિત દિગ્દર્શિત ફિલ્મ ‘જલેબી રૉક્સ’ રિલીઝ થઇ છે. આ ફિલ્મ સ્ત્રીની જિંદગીની એક એવી યાત્રાની વાત કરે છે જેમાં તે એકલી હોય છે અને જો તેને પરિવારનો સાથ ન મળે તો તે શારીરિક અને માનસિક દ્રષ્ટિએ રહેંસાઇ જાય છે. મેનૉપૉઝ એક એવી ઘટના જે દેખીતી રીતે સામાન્ય હોવા છતાં ય તેને વિશે વાત કરવાનું લોકો ટાળે છે એટલું ઓછું હોય તેમ લગભગ પાંચથી દસ વર્ષ સુધી ચાલી શકે એવા આ શારીરિક અને માનસિક ફેરફારને સમજવાનું ચૂકી જનારા પરિવાર ભાંગી પડે છે. ‘જલેબી રૉક્સ’માં વંદના પાઠક, માનવ ગોહિલ, નિમેષ દિલીપરાય, દીપક ઘીવાલા, માનસી રાચ્છ, ભાવિની જાની, ગૌરવ પાસવાલાએ અભિનય કર્યો છે. ફિલ્મ ડાયરેક્ટર કરી છે ચિન્મય પુરોહિતે અને તેને પ્રોડ્યુસ કરી છે બિનીતા ધર્મેશ શાહ અને અપૂર્વા શાહે. 


ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ તાજેતરમાં જલેબી રૉક્સની ટીમ સાથે વાતચીત કરી અને તે ફિલ્મ વિશે જાણવાની, એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના અભિગમને જાણ્યો. વંદના પાઠક થિએટર, ફિલ્મ અને ટેલિવિઝનનાં ધુંઆધાર અભિનેત્રી છે. તેમણે બહુ મજાની ગુજરાતી ફિલ્મો કરી છે. તેઓ કહે છે, ‘આ ફિલ્મ એક મુદ્દાની નહીં પણ એક મુદ્દાને કારણે કેટલાં લોકો પર, આખા પરિવાર પર તેની કેવી અસર થતી હોય છે તેની વાત કરે છે. લોકો આ ફિલ્મ જોઇને ચોક્કસ કંઇ શીખશે. આજે પણ આધુનિકતાની વાતો થાય છે પણ લોકો પિરિયડ્ઝની વાત કરતાં અચકાય છે.




મેનોપૉઝ પણ સાહજિક પરિવર્તન છે, લોકો હોર્મોનલ ચેન્જિઝ વિશે વાત કરવાનું ટાળે છે. સ્ત્રીઓના શરીર, મન દરેકેમાં આવતા ફેરફાર, હોર્મોન્સની ઊંચ-નીચ એ બધું જોઈને આસપાસના લોકો તેને માત્ર એમ કહી દે છે કે તું પહેલાં આવી નહોતી પણ કોઈ એ શોધવાનો પ્રયાસ નથી કરતું કે તેનામાં આ ફેરફાર શેને લીધે આવ્યાં છે. આ માટે જ આ ફિલ્મ બહુ અનિવાર્ય છે, દરેક સ્ત્રીએ અને તે સ્ત્રીની જિંદગીની દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જરૂરી છે.’  માનસી રાચ્છ આ ફિલ્મમાં વંદના પાઠકની પિતરાઇ બહેનનું પાત્ર ભજવે છે. તે કહે છે, ‘સ્ત્રીઓ આપણી વસ્તીનો અડધો ભાગ છે, તે તમામ આ સ્થિતિમાંથી પસાર થવાની જ છે તો પછી આ મુદ્દાને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. આપણે રિંકલ અને પિંપલની વાતો નહીં કરીએ તો ચાલશે પણ મેનોપૉઝની વાત કરવી અનિવાર્ય છે, લોકોએ તેમાં માર્કેટિંગ વેલ્યુ ન શોધવી જોઇએ પણ તેની સાથે જોડાયેલા પ્રશ્નોને સંબોધવા જરૂરી છે.’

ચિન્મય પુરોહિતે આ વિષય પર ફિલ્મ બનાવી કારણકે તેમણે પોતાની આસપાસની સ્ત્રીઓમાં ફેરફારો જોયા અને તેમને આ બાબત સમજવાની ઉત્સુકતા થઇ અને જ્યારે તે મુદ્દો સમજાયો ત્યારે તેમને આ વિષયની વાત કરવું જરૂરી લાગ્યું. તેમણે ફિલ્મના એક પ્રિવ્યુ શોનો અનુભવ શૅર કરતાં કહ્યું, “મારા એક મિત્રએ મને વહેલી સવારે ફોન કરીને જગાડ્યો અને કહ્યું કે આ ફિલ્મ જોયા પછી હું અને મારી પત્ની લોંગ ડ્રાઇવ પર ચાલ્યા ગયાં કારણકે મને પણ સમજાયું કે ક્યાંક હું તેને આ સફરમાં એકલી ન મુકું અને અમને બંન્નેને એકબીજાના સાથની જરૂર છે. આ ફિલ્મનું પાત્ર કઈ રીતે પોતાની જાતને પાછળ છોડી દે છે પણ તો પોતાની જાતને શોધવાનું નક્કી કરીને આખરે એ મુકામે પહોંચે છે. હું જ્યારે ફિલ્મ લખતો હતો ત્યારે મારા મનમાં વંદના પાઠક જ અભિનેતા તરીકે ગોઠવાયાં હતાં અને તેમણે પાત્રને બહુ જ સરસ ન્યાય આપ્યો છે. ભલે એક જ દિવસ બચ્યો હોય જિંદગીનો પણ જીવી લેવું છેની વાત આ ફિલ્મમાં કરાઇ છે.”


પ્રોડ્યુસર બિનિતા શાહનું કહેવું છે કે, ‘અમે ચિન્મનયભાઈની પહેલાંની ફિલ્મ જોઈ હતી, અમને ગુજરાતી ભાષામાં સારું કામ થાય તેમાં રસ હતો અને માટે અમે તેમનો સંપર્ક કર્યો અને ફિલ્મ જલેબી રૉક્સના પ્રોજેક્ટ વિષે ખબર પડી તો અમે નક્કી કર્યું કે આ વિષય સાથે ચોક્કસ જોડાવું છે. વંદના પાઠક જેવા કલાકારો હોય ત્યારે આ પ્રકારનું કામ હંમેશા બહેતર ગુણવત્તાનું જ થાય તે સ્વાભાવિક છે. વળી એક સ્ત્રી તરીકે મારું દરેકને કહેવું છે કે અન્યો માટે જીવતાં જીવતાં જાતને ખોઈ ન બેસશો, તમારી જાતને ઓળખો, તેને શોધો અને સતત પ્રવૃત્ત રહો. સ્ત્રીઓ દીકરી, બહેન, માતા, પત્ની તરીકે જીવે છે પણ તેમણે પોતાની જાતને જીવવાની જરૂર છે અને એ જ વાત આ ફિલ્મમાં બહુ જ સારી રીતે દર્શાવાઇ છે.’

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK