‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર પર અનેક આરોપ મૂકનારી જેનિફર મિસ્ત્રીએ વાઇરલ વિડિયોના મામલે પોતાની પ્રતિક્રિયા આપી
જેનિફર મિસ્ત્રીએ શું કહ્યું?
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણી સહિત અનેક આરોપો લગાવ્યા છે. આ દરમ્યાન શોમાં દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે અસિત કુમાર મોદીને રાખડી બાંધતી જોવા મળી રહી છે. જેનિફરે હવે આ વિડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેનિફરે કહ્યું છે કે ‘જો દિશા વાકાણી અને અસિત કુમાર મોદી વચ્ચે લાંબા સમયથી રાખડી બાંધવાના સંબંધો છે તો રક્ષાબંધન ઊજવતા વિડિયોને શૅર કરવામાં ૧૭ વર્ષ કેમ લાગ્યાં? આજે ૧૭ વર્ષ થઈ ગયાં. આજ સુધી એક પણ ફોટો નથી આવ્યો જેમાં દિશા રક્ષાબંધન નિમિત્તે અસિત કુમાર મોદીને રાખડી બાંધી રહી હોય. આ વખતે વિડિયો મૂકવામાં આવ્યો છે. આ ઇમેજને કેવી રીતે ક્લિયર કરશે? કહેવામાં આવે છે કે દિશા ગઈ હતી અસિતજીના ઘરે, પણ અસિતજી અને નીલાજી દિશાના ઘરે ગયાં. આ વિડિયોમાં દેખાતું હતું કે દિશા ખૂબ અસહજ છે અને તે સ્માઇલ પણ નથી કરી રહી.’

