ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ વગેરે ધર્મોને મુખ્ય ગણીએ છીએ ત્યારે આ આંકડો લગભગ ૭૫ ટકાએ પહોંચી જાય છે. શેષ ૨૦-૨૫ ટકામાં ધર્મની ગણતરી કરવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
દુનિયાની વસ્તીનો આંકડો આઠ અબજને આંબી ગયો છે. આ આઠ અબજના આંકડાનો માણસ કેટલા ધર્મની સંખ્યાને પહોંચ્યો છે એની ચોક્કસ ગણતરી આપણને મળી નથી. માણસ પાર વિનાના આંકડાને, પશુ-પંખીથી માંડીને બૅક્ટેરિયા સુધીના આંકડાને પહોંચી શક્યો છે પણ ધર્મના આંકડાનો સંબંધ છે ત્યાં સુધી માણસ ‘લગભગ’ અથવા અંદાજિત એવા શબ્દો સાથે દસ હજારનો આંકડો આપે છે. આ દસ હજારમાં જગતના મુખ્ય ધર્મો તો પાંચ-સાત જ છે અને શેષ વગેરે વગેરેમાં ગણવામાં આવે છે. માણસ પાસે બીજું બધું છે પણ ધર્મની સંખ્યા નથી અને જે છે એ સાચી નથી. ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ વગેરે ધર્મોને મુખ્ય ગણીએ છીએ ત્યારે આ આંકડો લગભગ ૭૫ ટકાએ પહોંચી જાય છે. શેષ ૨૦-૨૫ ટકામાં ધર્મની ગણતરી કરવામાં આવે છે.
માણસ પાસે આદિકાળમાં ધર્મ નહોતો, હોઈ શકે પણ નહીં. માણસને પોતાના જીવતરમાં કશુંક ખૂટે છે એવું લાગ્યું. એમાં કશુંક શું એની શોધમાં કંઈક ધર્મ નામના જીવતરની લગોલગ પહોંચી જાય છે. આ ધર્મ ખરેખર તો તેમના જીવનની ઊંચી સપાટીએ પહોંચવા માટે હતો. જે જિવાતું હતું એના કરતાં બહેતર જીવન ક્યાં બની શકે એની શોધ એટલે ધર્મ. દુનિયાના તમામ ધર્મો બહેતર જીવન માટે છે અને આમ છતાં આજે જે સ્વરૂપે આપણી સામે આ ધર્મ ફેલાયેલો છે એ આપણને બીજી જ દિશામાં લઈ જાય છે. માણસે પહેલી વાર ધર્મ કોણે અને ક્યારે શોધ્યો એ આપણે જાણતા નથી પણ આ વિશ્વમાં જો ઊંડા ઊતરીએ તો એવું દેખાય છે કે દુનિયાના બધા જ ધર્મો એક પછી એક પેદા થતા ગયા અને દરેક ધર્મ પોતાને ઉત્તમ માનતો ગયો. કહે છે કે યહૂદીઓમાંથી ખ્રિસ્તીઓ પેદા થયા અને ખ્રિસ્તીઓમાંથી ઇસ્લામ ધર્મનો આરંભ થયો. ઇસ્લામ ધર્મે પોતાના એક અલગ મિજાજ સાથે જ માનવ શાંતિની શોધ કરવા માંડી અને આ શોધ આજે આપણે જોઈએ છીએ કે જબરદસ્ત અશાંતિમાં ફેલાયેલી છે.
ADVERTISEMENT
ધર્મને શું જોઈએ છે?
ઉપર દસ હજારનો જે આંકડો ગણતરીમાં લીધો છે એમાં સંખ્યાબંધ નાના-મોટા કહેવાતા ધર્મોનો સમાવેશ થાય છે. દરેક ધર્મના અનુયાયીઓ પોતાને બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ માને છે. વાત એક જ હોય છે પણ દરેકની માન્યતા પોતાનો ધર્મ જ સાચા રસ્તા પર છે એવું ખાતરીપૂર્વક માને છે. તેમની આ માન્યતા તેમના પૂરતી જ મર્યાદિત રહી હોત તો આજે દુનિયામાં જે અશાંતિ છે એ કદાચ થઈ જ ન હોત. આ ધર્મ પાસે એટલાબધા પેટા સંપ્રદાયો છે કે એની ગણતરી સુધ્ધાં કરી શકાય એવી નથી. દૂરના ધર્મની વાત ન કરીએ અને આપણા ધર્મ પૂરતી મર્યાદિત વાત કરીએ તો જોઈ શકાશે કે આસારામથી માંડીને રામરહીમ સુધીના ઢગલાબંધ સાંપ્રદાયિકોએ અનુયાયીઓનાં ટોળાં પેદા કર્યાં છે. આ અનુયાયીઓની સંખ્યા નાનીસૂની પણ નથી હોતી. જેવું આપણે ત્યાં છે એવું જ ખ્રિસ્તીઓ, મુસલમાનો અને બીજા નાના-મોટા ધર્મમાં પણ છે જ. હજી ગઈ કાલે જ જેમણે દેખા દીધી છે એવા સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ આજે જુદા-જુદા પાંચ-છ પેટા સંપ્રદાય છે જ. માત્ર શ્રી કૃષ્ણને જ પરમાત્મા માનતા વૈષ્ણવોને પણ રાધે રાધે સંપ્રદાયથી માંડીને પ્રણામી સુધીના પાર વિનાના ધાર્મિકો છે. આ ધાર્મિકો પોતા પૂરતા એવા ચુસ્ત હોય છે કે બીજા કોઈ સંપ્રદાયના વડાનું નામ સુધ્ધાં લેતા નથી. માનવ જીવનની ધર્મના નામે આ ભારે મોટી ગેરસમજ છે. બીજા ધર્મમાં પણ આનાથી વધારે કંઈ સારી પરિસ્થિતિ નથી. ખ્રિસ્તીઓ કે મુસલમાનોમાં પણ જે પેટા સંપ્રદાયો પરસ્પરને તિરસ્કારે છે એ જાણતા આપણને એવું જ લાગે કે આને કઈ રીતે ધર્મ કહી શકાય? શ્રેષ્ઠત્વની હુંસાતુંસી જ્યારે શરૂ થાય છે ત્યારે શાંતિની શોધ કોઈ રીતે ઉપલબ્ધ થતી નથી. ધર્મને અને શ્રેષ્ઠત્વને કશો જ સંબંધ નથી. ધર્મ માત્ર બહેતર જીવનની એક કેડી છે. આ કેડીને સુખરૂપ સાચવવા માટે માણસે મથામણ કરી પણ આ મથામણ એને અહંકાર નામના એક તત્ત્વને કારણે જુદી દિશામાં ઘસડી ગઈ. અહંકાર માનવ જન્મ સાથે જ પેદા થયેલું તત્ત્વ છે. આ તત્ત્વ માણસને ધર્મના નામે એક એવી દિશામાં લઈ ગયું છે કે એમાં ક્યાંય શાંતિ નામનો મૂળ પદાર્થ સચવાયો નથી.
ધર્મ એક આચાર
માણસ પાસે આદિકાળમાં આચરણ નહોતું અને આચરણના અભાવે એનું જીવતર એક શૂન્યાવકાશ તરફ ઘસડાઈ જતું હતું. આ શૂન્યાવકાશથી બચવા માણસ એક પછી એક પગલા ભરતો ગયો અને આ પગલા ધર્મ બનીને એને ચોક્કસ દિશામાં લઈ જવા માંડ્યા. બન્યું એવું કે સ્થળ, કાળ અને અહંકાર આ ત્રણ તત્ત્વોએ એની આ દિશા સાવ ફેરવી નાખી. દરેક માણસ પોતાને ધાર્મિક માને છે અને પોતે પોતાના ધર્મનું સાચા અર્થમાં આચરણ કરે છે એવી માન્યતા ધરાવે છે. સોમવારે કે શનિવારે શિવ મંદિર કે હનુમાન મંદિરમાં દર્શનાર્થે લાંબી-લાંબી લાઇનો લાગે છે અને કલાકો સુધી પ્રસાદ પુષ્પો આદિ હાથમાં લઈને ઊભેલા માણસોની સંખ્યા ભારે મોટી હોય છે. એ જ રીતે દિવસમાં પાંચ વાર નમાજ પઢતા શુક્રવારે જાહેર માર્ગો ઉપર અડિંગો જમાવીને અલ્લાહની ઇબાદત કરતા મુસલમાનો પણ પોતાનું આ પગલું પાક માને છે. રવિવારે અચૂક ચર્ચમાં પ્રેયર માટે જતા ખ્રિસ્તીઓની સંખ્યા પણ કોઈ નાનીસૂની હોતી નથી. આ સહુને ધર્મના નામ સાથે વળગણ છે પણ ધર્મનું આચરણ ક્યાંય દેખાતું નથી. કથા વાર્તા કે ઉપદેશ સભાઓમાં હજારો નહીં પણ લાખો માણસો કલાકો સુધી બેસે છે પણ એ કલાકોમાં સમય ગયા સિવાય કે પોતાને ધાર્મિક તરીકે દેખાડો કર્યા સિવાય કશું ઉપલબ્ધ થતું નથી. આનો અર્થ એવો નથી કે બધા જ એવું કરે છે, પણ મોટા ભાગે આ પરિસ્થિતિનું જ દર્શન થાય છે.
સ્વીકાર સમજદારી સાથે કરીએ
માણસને ધર્મનો સ્વીકાર કર્યા વિના ચાલશે નહીં. ધર્મના નામે જે ધજાગરા ઊડે છે એને પણ ચલાવી લેવાય નહીં. સમજદારી ધર્મનો સ્વીકાર કરવામાં છે પણ આ સ્વીકાર આપણને કઈ દિશામાં લઈ જાય છે એ ભૂલવા જેવું નથી. જ્યારે આ ભુલાઈ જાય છે ત્યારે ધર્મ સ્વયં અધર્મ બની જાય છે અને ધર્મના નામે આપણે અધર્મનો જયજયકાર કરીએ છીએ.

