ગુજરાતી હોવાનો આપણે સૌ ગર્વ તો કરીએ છીએ પરંતુ જ્યારે વાત ભાષાની આવે છે ત્યારે આજકાલ એ ન બોલતાં આવડતી હોવામાં ગૌરવ અનુભવતા લોકો પણ નજરે ચડે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૪ ઑગસ્ટ એટલે આપણા વિખ્યાત કવિ નર્મદનો જન્મદિવસ છે જેને આપણે ‘ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઊજવીએ છીએ. કવિ વિનોદ જોશીએ ખૂબ સુંદર લખ્યું છે, ‘હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ-ગજ ફૂલે છાતી, હું એવો ગુજરાતી.’
ગુજરાતી હોવાનો આપણે સૌ ગર્વ તો કરીએ છીએ પરંતુ જ્યારે વાત ભાષાની આવે છે ત્યારે આજકાલ એ ન બોલતાં આવડતી હોવામાં ગૌરવ અનુભવતા લોકો પણ નજરે ચડે છે. વર્ષો પહેલાં મુંબઈમાં ‘ગુજરાતી બચાવો’ ઝુંબેશ ચાલી હતી. ગુજરાતી માધ્યમની શાળાઓ વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાને કારણે ટપોટપ બંધ થઈ રહી હતી. આ ઝુંબેશ કદાચ શાળાઓ બચાવવાની હતી કે ગુજરાતી વાંચતો વર્ગ ઓછો થઈ રહ્યો હતો એટલે સાહિત્ય બચાવવા માટેની ચળવળ હતી, પરંતુ હવે થોડા સમયથી સમજાય છે કે આ તો આપણી માતૃભાષાને ટકાવી રાખવાનો મુદ્દો હતો.
ADVERTISEMENT
આજે ગુજરાતી વિશ્વની સૌથી વ્યાપક ભાષાઓમાં છવ્વીસમા સ્થાને છે અને જ્યાં ભારતમાં હજારથી વધુ ભાષાઓ બોલાય છે ત્યાં એ છઠ્ઠા ક્રમાંક પર આવે છે. એ પછી પણ ‘મારા દીકરા કે દીકરીને તો ગુજરાતી વાંચતાં-લખતાં આવડતું જ નથી’ એવા શબ્દો ઘણા વાલીઓ અભિમાનપૂર્વક કહેતા જોવા મળે છે. અરે ભાઈ, ગુજરાતી હોવા છતાં પોતાની માતૃભાષા ન આવડે એમાં શેનું ગૌરવ લઈ રહ્યા છો? અંગ્રેજી માધ્યમમાં ભણવું એ સમયની માગ છે એમાં ખોટું નથી, પણ પોતાની માતૃભાષાની કિંમતે તો નહીં. શિક્ષણક્ષેત્રે હવે સરકારને પણ સમજાયું છે કે માતૃભાષામાં અભિવ્યક્તિ જ નહીં પરંતુ નવું જ્ઞાન પણ સરળતાથી ગ્રહણ થાય છે અને એટલે જ કદાચ નવી શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. બાળક સૌથી પહેલાં પોતાની માતૃભાષા બોલતાં શીખે છે, માતૃભાષામાં વિચારે છે અને માતૃભાષામાં અભિવ્યક્ત થાય છે. મા સાથે એ માતૃભાષા તેને સાચવે છે ને હવે આપણો વારો છે કે આપણે આપણી માતૃભાષાને સાચવીએ.
ફક્ત ભાષા દિવસ પૂરતાં જ એનાં ગુણગાન ગાવાને બદલે આપણી માતૃભાષા દ્વારા આપણી ઝળહળતી સંસ્કૃતિનો વારસો આપણી ભાવિ પેઢી સુધી પહોંચાડવો એ આપણું કર્તવ્ય છે. આજે દેશ-વિદેશમાં ઘણી સંસ્થાઓ ગુજરાતીના પ્રચાર અને પ્રસાર માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે, પરંતુ જરૂર છે માતૃભૂમિ માટે જેમ પ્રેમ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ એવી જ લાગણી પોતાની માતૃભાષા માટે અનુભવીએ. જોકે એ માટેની પહેલ ફક્ત સંસ્થાઓ નહીં પણ આપણા ઘરથી થવી જરૂરી છે.
-અનીતા ભાનુશાલી

