ગણેશજી વિઘ્નહર્તા તો છે પરંતુ તેમની સાચી રીત એ નથી કે આપણા અવરોધ તરત જ દૂર થઈ જાય, પણ એ છે કે આપણે અંદરથી બદલાઈએ
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની દરેક સંસ્કૃતિમાં મુશ્કેલ સમયને પાર પાડવાનું કોઈ ને કોઈ પ્રતીક હોય જ છે. ક્યાંક એ પ્રકૃતિની શક્તિ હોય છે તો ક્યાંક શૂરવીરોની પ્રેરણાદાયક વાર્તાઓ. પરંતુ આપણા માટે તો એ પ્રતીક છે આપણા સહુના લાડકા ગણપતિબાપ્પા, જેમને આપણે સહુ વિઘ્નહર્તાના નામે પણ બોલાવીએ છીએ. પરંતુ જો ઊંડાણથી નિહાળીએ તો તેમનું કાર્ય માત્ર વિઘ્નો દૂર કરવાનું નથી પણ આપણને સમજદારીપૂર્વક, ધીરજથી અને દૃઢતા સાથે એ વિઘ્નોનો સામનો કેવી રીતે કરવો એ શીખવવાનું છે.
આજના ઝડપી જીવનમાં વિઘ્નો બદલાઈ ગયાં છે. તનાવ, સ્પર્ધા, નિષ્ફળતાનો ડર, તૂટેલા સંબંધો, પર્યાવરણ સંકટ... ખાસ કરીને યુવા પેઢી ઘણી વાર અપેક્ષાઓ અને અનિશ્ચિતતાના ભાર નીચે દબાઈ જાય છે. આવી ઘડીએ ગણપતિબાપ્પાની મૂર્તિ આપણને સમયાતીત માર્ગદર્શન અને હિંમત આપે છે. તેમનું મોટું માથું આપણને એ શીખવે છે કે બુદ્ધિ વિશાળ હોવી જોઈએ. નાની-નાની વાતોમાં અટવાઈ જવાને બદલે પરિસ્થિતિ તરફ મોટા દૃષ્ટિકોણથી જોવું એમાં જ સાચી સમજદારી છે. નાની આંખો શીખવે છે કે ફોકસ રાખવું. જ્યારે સમસ્યા પહાડ જેવી લાગે ત્યારે સમગ્ર ભાર તરફ જોવાની જગ્યાએ એક પગલા પર ધ્યાન આપવું વધુ ફાયદાકારક છે. મોટા કાન સંભળવાનું મહત્ત્વ જણાવે છે, કારણ કે ઘણી વખત વિઘ્નો માત્ર શાંતિથી સાંભળવાથી જ દૂર થઈ જાય છે. અને એમનું ઉંદરરૂપ વાહન આપણને એ સમજાવે છે કે સાધન નાનું હોય કે મોટું, જો એનો યોગ્ય ઉપયોગ કરીએ તો કોઈ પણ અવરોધ પાર કરી શકાય.
ADVERTISEMENT
ગણેશજી વિઘ્નહર્તા તો છે પરંતુ તેમની સાચી રીત એ નથી કે આપણા અવરોધ તરત જ દૂર થઈ જાય, પણ એ છે કે આપણે અંદરથી બદલાઈએ. શક્ય છે કે સમસ્યા હજી પણ હાજર હોય પણ આપણે જો વધુ શક્તિશાળી, શાંત અને સ્પષ્ટ થઈએ તો સમસ્યા પણ ગૌણ બની જશે. એ માટે જ દરેક શુભ શરૂઆત પહેલાં ગણપતિની પૂજા થાય છે, કારણ કે તેમની મૂર્તિ આપણને સચોટ દૃષ્ટિકોણ આપે છે જે જીવનનો કોઈ પણ માર્ગ ધૈર્ય અને સમતોલતા સાથે પાર કરવામાં આપણને મદદ કરે છે.
હાલ ચાલી રહેલા અનિશ્ચિત સમયમાં જ્યારે આપણે સહુ ગણેશોત્સવ ઊજવી રહ્યા છીએ ત્યારે ચાલો એ યાદ રાખીએ કે વિઘ્નો અવરોધ નથી, એ તો પ્રગતિ માટેનાં પગથિયાં છે. અને જો ગણપતિબાપ્પાની શીખવેલી રીત આપણે અપનાવીશું તો કોઈ પણ પહાડ ઊંચો નથી અને કોઈ રસ્તો અંધકારમય નથી.
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

