મુલુંડનું આ મંદિર એવાં દિવ્ય સ્થાનોમાંથી એક છે જ્યાં માત્ર ભક્તિ જ નહીં, ઇતિહાસ અને આસ્થાનું જોડાણ અનુભવાય છે
સાંજના સમયે લાઇટિંગને લીધે બહારથી મંદિર ઝગમગતું દેખાય છે. તસવીરો: અતુલ કાંબળે
શ્રાવણ મહિનો દેવાધિદેવ મહાદેવનો મહિનો કહેવાય છે અને મહાદેવના મંદિરમાં ભક્તોનો જમાવડો થાય છે ત્યારે મુલુંડ-વેસ્ટમાં એલ.બી.એસ. રોડની લગોલગ આવેલું ૐ શ્રી બાલરાજેશ્વર મહાદેવ મંદિર મુલુંડવાસીઓની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. દરરોજ સેંકડો ભક્તો ભોળાનાથનાં દર્શને આવે છે ત્યારે આ મંદિર ભક્તોમાં આટલું લોકપ્રિય કઈ રીતે બન્યું એની તથા મંદિરના ઇતિહાસ અને એની સાથે સંકળાયેલી અન્ય રોચક માહિતી આ મંદિરને વધુ સ્પેશ્યલ બનાવે છે.
ગેટની અંદર પ્રવેશતાંની સાથે મુખ્ય મંદિર આવું દેખાય છે.
રસપ્રદ ઇતિહાસ
એવું કહેવાય છે કે જ્યારે મુલુંડનો વિકાસ નહોતો થયો એટલે કે જંગલ હતું ત્યારથી આ મંદિર અસ્તિત્વમાં છે. આ મંદિર પાછળનો ઇતિહાસ જણાવતાં મંદિરના મુખ્ય પૂજારી નિખિલ મહારાજ કહે છે, ‘બાલરાજેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન ધરોહર છે. આ મંદિરનું નિર્માણ મૂળ કચ્છના ગોવર્ધનદાસ ખટાઉ દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે તેમને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી ત્યારે તેમના આરાધ્યદેવ એટલે કે શંકર ભગવાનનું લિંગ એક વિશેષ સ્થાન પર હોવાનાં એંધાણ પ્રાપ્ત થયાં હતાં. એ જગ્યાએ ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું. જે જગ્યાએ શિવલિંગ મળ્યું એ જ જગ્યાએ એની સ્થાપના કરીને તેમણે નાનું મંદિર બનાવડાવ્યું. તેમની ઇચ્છાપૂર્તિ થતાં ભગવાન પરનો ભરોસો અને શ્રદ્ધા વધ્યાં અને પછી ગણપતિદાદા તથા હનુમાનદાદાની મૂર્તિ સ્થાપિત કરી. ધીરે-ધીરે આ મંદિર ભક્તિ અને આસ્થાનું સરનામું બન્યું. મુલુંડના વિકાસની સાથે-સાથે મંદિરમાં પણ નાના-નાના ફેરફાર થતા ગયા. મુલુંડવાસીઓની અનોખી ભક્તિને લીધે બાલરાજેશ્વરને મુલુંડના દાતા તરીકે પણ પૂજવામાં આવે છે. કહેવાય છે કે આજથી ૧૨૫ વર્ષ પૂર્વે ભાદરવા સુદ છઠના દિવસે મંદિર અસ્તિત્વમાં આવ્યું અને આ વર્ષે એ ૧૨૬મા વર્ષમાં પ્રવેશ કરશે.’
બાલરાજેશ્વર બાપ્પાને કરેલો શણગાર.
પૌરાણિક આર્કિટેક્ચર
આ મંદિરની ઊર્જા અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. મંદિરમાં પ્રવેશતાંની સાથે મન એકદમ શાંત થઈ જાય છે અને જે પણ આ મંદિરની મુલાકાતે આવે છે તેમને ફરી પાછું આવવાનું મન થાય છે. દોડધામભર્યા જીવનમાં મુલુંડના બાલરાજેશ્વર મહાદેવ મંદિરમાં શાંતિ સાથે સકારાત્મક ઊર્જા ફીલ થાય છે. મંદિરના આર્કિટેક્ચર વિશે જણાવતાં નિખિલ મહારાજ કહે છે, ‘મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ તમને મુખ્ય મંદિરનાં દર્શન થશે. છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓની બાંધણી જે પથ્થરથી થઈ હતી એ પથ્થરથી આ મંદિરનું નિર્માણ થયું છે. એ જ પથ્થરમાંથી આખું મંદિર બનાવાયું છે. સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર કોતરણી કરીને ગોળ અને ચૂનાના મિશ્રણથી એને ચોંટાડવામાં આવ્યા છે. નાનાં-મોટાં રિનોવેશનનાં કામ થાય છે, પણ મુખ્ય મંદિરના આર્કિટેક્ચરને હજી સુધી હાથ લગાવવામાં આવ્યો નથી. મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં ગણપતિની મૂર્તિ છે એ પણ પથ્થરની કોતરણી કરીને જ બનાવાઈ છે. ગર્ભગૃહમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હોવાથી તેમને પણ શિવલિંગની પૂજાનો લહાવો મળે એ હેતુથી મુખ્ય મંદિરની બાજુમાં નાનું શિવમંદિર બનાવવામાં આવ્યું છે. એની બાજુમાં આવેલું વધુ એક નાનું મંદિર નાગદેવતાઓનું મંદિર માનવામાં આવે છે. ખોદકામ દરમ્યાન શિવલિંગની સાથે નાગદેવતાઓની શિલાઓ મળી હતી એને ત્યાં સ્થાપિત કરવામાં આવી છે.’
ખોદકામ દરમિયાન નાગદેવતાઓની મળી આવેલી શિલાઓને અહીં સ્થાપિત કરી છે.
પૂજારીની ચોથી પેઢી
મંદિરના પૂજારી ચાર પેઢીથી અહીં સેવા આપે છે. મંદિર જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી મહાદેવની પૂજા-અર્ચના અને મંદિરના સંચાલનની જવાબદારી ઉપાધ્યાય પરિવાર સંભાળે છે. આ સંદર્ભે મંદિરના વર્તમાન પૂજારી નિખિલ મહારાજ કહે છે, ‘જ્યારથી મંદિર અસ્તિત્વમાં આવ્યું ત્યારે મહાદેવની પૂજા-અર્ચના અને મંદિરની સંભાળ રાખવાનું કામ મારા પરદાદા સ્વ. આંબાલાલ કાશીલાલ ઉપાધ્યાય મહારાજ કરતા હતા, પછી તેમના પુત્ર એટલે કે સ્વ. મહેશ મહારાજે તેમના પિતાનો વારસો સંભાળ્યો. એ પછી મારા પિતા હરીશ મહારાજે પણ આ મંદિરમાં સેવા આપ્યા બાદ મને તેમના વારસાને આગળ વધારવામાં રસ જાગ્યો હોવાથી છેલ્લાં ૬ વર્ષથી હું મંદિરના મુખ્ય પૂજારી તરીકેનો કારભાર સંભાળું છું. મંદિરનું મૅનેજમેન્ટ કરતા ક્રિષ્ના સિંહ પણ તેમના પરિવારની ચોથી પેઢી છે. તેમનો પરિવાર પણ આ મંદિર સાથે લાંબા સમયથી જોડાયેલો છે.’ નિખિલ મહારાજે બૅચલર ઇન માસ મીડિયાની ડિગ્રી મેળવી છે અને થોડો સમય જર્નલિસ્ટ તરીકે કામ કર્યા બાદ તેમના દાદાનું અવસાન થતાં પિતા એકલા હાથે મંદિરની જવાબદારી ઉપાડી શકે એમ ન હોવાથી પોતાનું ફીલ્ડ છોડીને પરિવારના વારસાને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આ સંદર્ભે તેઓ કહે છે, ‘અત્યારના યંગસ્ટર્સમાં ભક્તિ ઓછી જોવા મળે છે, પણ મારો ઉછેર જ બાલરાજેશ્વરના આંગણે થયો હોવાથી મારું ભગવાન પ્રત્યે કનેક્શન ડેવલપ થયું હતું, આવું જ કનેક્શન બાકીના યંગસ્ટર્સમાં ડેવલપ થાય એ હેતુથી મેં પૂજારીની જવાબદારી સંભાળી છે અને મને લાગે છે કે હું એમાં સફળ પણ થઈ રહ્યો છું.’
મુખ્ય મંદિરની બાજુમાં બનાવવામાં આવેલા શિવમંદિરમાં સ્ત્રીઓ પણ મુક્તપણે પૂજા કરી શકે છે.
ઇચ્છાપૂર્તિનું સ્થાન
બાલરાજેશ્વર મહાદેવ ઇચ્છાઓની પૂર્તિ કરનારા દેવ છે એવું ઘણા લોકો માને છે. આ મામલે નિખિલ મહારાજ કહે છે, ‘પહેલાં એવું કહેવાતું કે જે દંપતીને સંતાનપ્રાપ્તિ નહોતી થતી ત્યારે તેઓ લોકો અહીં આવીને માનતા કરતા અને એ લોકોને ફળતી પણ ખરી. એથી અહીંના મહાદેવ બાલરાજેશ્વરના નામે પૂજાય છે. ઘણા લોકો અહીં નાની-મોટી માનતા કરતા હોય છે અને મહાદેવ તેમની ઇચ્છાઓની પૂર્તિ કરે છે.’
મંદિરના મુખ્ય પૂજારી નિખિલ મહારાજ તેમના પિતા હરીશ મહારાજ સાથે.
શ્રાવણ-શિવરાત્રિ છે ખાસ
બાલરાજેશ્વર મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચના થાય છે. મંગળવારથી શનિવાર દરમ્યાન મંદિરનાં દ્વાર વહેલી સવારે ૩ વાગ્યે ખૂલી જાય છે અને પહેલી આરતી ૪ વાગ્યે થાય છે. સાંજે ૬ વાગ્યે સંધ્યા આરતી પણ ખાસ રીતે થાય છે. આમ તો દરરોજ સવાર-સાંજ ભોળાનાથને વિવિધ શણગાર થાય છે, પણ સોમવારનું અનેરું મહત્ત્વ છે. એ દિવસે રાતે અઢી વાગ્યે મંદિર ખૂલી જાય છે. દરરોજ કરતાં થોડું અલગ અને સ્પેશ્યલ રીતે મંદિરને શણગારવામાં આવે છે. શ્રાવણ મહિના દરમ્યાન દરરોજ સાંજે ડમરુ-ઢોલ અને ઘૂઘરાના નાદે શિવનાં ભજન થાય છે અને અલગ જ પ્રકારની એનર્જી ક્રીએટ થાય છે. આ ઉપરાંત શિવભક્તો માટે ડાયરા અને ભજનના વિવિધ કાર્યક્રમો થતા રહે છે. શ્રાવણ માસની જેમ જ મહાશિવરાત્રિનો પર્વ પણ બહુ ધામધૂમથી ઊજવાય છે. મોડી રાતે શિવજીનો વરઘોડો નીકળે છે અને એમાં આખું મુલુંડ સહભાગી થાય છે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને આ દિવસે સ્ત્રીઓને ગર્ભગૃહમાં જવાની અને શિવલિંગને સ્પર્શ કરવાની અનુમતિ આપવામાં આવતી હોવાથી પુરુષો કરતાં મહિલા ભક્તોની સંખ્યા વધી જાય છે.
ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર પથ્થરમાંથી કોતરણી કરીને બાપ્પાની મૂર્તિ બનાવવામાં આવી છે.
બાબા બર્ફાની
હોળી પછીના અઠવાડિયામાં છેલ્લાં ૧૪ વર્ષથી બાલરાજેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં બરફનું શિવલિંગ બનાવીને ભવ્ય શિવોત્સવ ઊજવાય છે. ૨૦૧૨માં પહેલી વખત ૨૧ ફુટ ઊંચું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું શિવલિંગ હોવાનો દાવો મંદિરના આયોજકોએ કર્યો હતો. આ શિવલિંગ ૩૦,૦૦૦ કિલો બરફમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં ૧૮૦ જેટલા વિશાળ બરફના ટુકડાનો ઉપયોગ થાય છે. એક બરફના ટુકડાનું વજન આશરે ૧૬૬ કિલો હોય છે. આ બર્ફાની બાબાની ખાસિયત એ પણ છે કે નિયમિત ધૂપ-દીપ અને આરતી થતી હોવા છતાં બરફ જલદી પીગળતો નથી. બાબા બર્ફાનીનાં દર્શન કરવા કલ્યાણ-ડોમ્બિવલી, અંબરનાથ, બદલાપુર અને નવી મુંબઈથી ભક્તો આવે છે.

