મોટું સુંદર સિંહાસન મૂકેલું છે, ઉત્તમ વસ્ત્રો અને સુંદર આભૂષણો ધારણ કરીને મહારાજ જનક બિરાજમાન છે, તેમની ચારે બાજુ દાસ અને દાસીઓ છે. બધી જ સગવડો હાજર છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મહાપ્રતાપી પિતાએ તેના મહાજ્ઞાની પુત્રને આજ્ઞા કરી, ‘રાજર્ષિની પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે તમે જાઓ.’ પિતા છે મહર્ષિ વેદવ્યાસ અને પુત્ર છે શુકદેવજી મહારાજ. વેદવ્યાસજી શુકદેવજીને કોની પાસે મોકલે છે? જનક પાસે. તે રાજર્ષિ છે. વ્યાસજી કહે, ‘બેટા! તમે તેમની પાસે જાઓ અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો.’ આ કર્મયોગ છે. પિતાની આજ્ઞા માથે ચડાવીને શુકદેવજી મિથિલા નગરીમાં રાજા જનકજી પાસે જવા નીકળ્યા. તેમણે તો મનમાં વિચાર્યું હતું કે જનકજી નદીને કિનારે આશ્રમ બનાવી, માથા પર જટા ધારણ કરી પથ્થરની શિલા પર બિરાજમાન હશે. મૃગચર્મનું આસન પાથર્યું હશે અથવા દર્ભાસન પર બિરાજતા હશે. પરંતુ શુકદેવજીની બધી ધારણા તેઓ મિથિલા પહોંચ્યા ત્યારે ઊંધી વળેલી જણાઈ. તેમણે જોયું તો જનકજીનો વિશાળ રાજમહેલ છે. મોટું સુંદર સિંહાસન મૂકેલું છે, ઉત્તમ વસ્ત્રો અને સુંદર આભૂષણો ધારણ કરીને મહારાજ જનક બિરાજમાન છે, તેમની ચારે બાજુ દાસ અને દાસીઓ છે. બધી જ સગવડો હાજર છે.
શુકદેવજીને આશ્ચર્ય થયું કારણ કે પિતાએ તેમને જ્ઞાનપ્રાપ્તિ માટે મોકલ્યા છે અને જે પરમ જ્ઞાની ગણાય છે તેવા જનકજી તો વૈભવ વચ્ચે જીવતા જણાય છે. છતાં શુકદેવજીને થયું કે પિતાએ મોકલ્યો છે તો સમજી-વિચારીને જ મોકલ્યો હશેને! ‘જનક મહારાજ! હું આપને પ્રણામ કરું છું. મારા પિતાશ્રીએ કહ્યું છે કે આપ રાજર્ષિ છો. હું આપની પાસે આવીને જ્ઞાનનો ઉપદેશ લેવા માગું છું, પણ માફ કરજો. હું જોઉં છું કે તમે તો ગળાડૂબ ભોગમાં ૫ડ્યા છો. સંસારનાં આટલાં બધાં સુખ-સગવડો વચ્ચે તમે રહો છો અને આવા વાતાવરણમાં રહીને તમે નિત્ય જ્ઞાનમાં સ્થિત કઈ રીતે છો? મને માર્ગદર્શન આપો અને આવા વૈભવી વાતાવરણમાં પણ તમે જ્ઞાનમાં સ્થિત હો તો એ યુક્તિ મને પણ શીખવાડો.’ જનકજી કહે, ‘તમારા પિતાએ મોકલ્યા છે તો જરૂર બતાવીશ. ઋષિપુત્ર, આવો તમારું સ્વાગત છે, પણ એક કામ કરો. મારા શિષ્ય બનવા માટે તમારે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે અને એ માટે તમારે એક વિધિમાંથી પસાર થવું પડશે.’ જનક મહારાજે દૂધનો ભરેલો કટોરો મગાવી એ શુકદેવજીના હાથમાં મૂક્યો, ‘મિથિલાની પ્રદક્ષિણા કરી આવો, પણ કટોરામાંથી એક ટીપું દૂધ નીચે પડવું ન જોઈએ.’ તેજસ્વી વ્યાસપુત્ર શુકદેવ હાથમાં દૂધ ભરેલો કટોરો લઈ મિથિલા નગરીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. પછી શું થયું એની વાત પછી કરીશું પણ એક વાત અત્યારે કહેવાની, જ્ઞાનપ્રાપ્તિ માટે ક્યારેય બાહ્ય રૂપ પર આધારિત રહેવું નહીં કારણ કે જ્ઞાનનો સ્વભાવ છે, એ લાયકાત જોઈને રોકાય.
ADVERTISEMENT
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

