જે ધર્મ કનિષ્ઠ વ્યવસ્થા આપતો હોય તે પ્રજા દુખી થતી હોય. આને ઊલટાવીને પણ માપી શકાય, જોઈ શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
માણસ તથા પ્રજાને એક નિશ્ચિત પ્રકારની જીવનવ્યવસ્થા આપવાનું કામ ધર્મવ્યવસ્થા કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે એ વ્યવસ્થામાં ગુણ-દોષ ન હોય, હોઈ જ શકે છે. જે ધર્મ સૌથી ઉત્તમ જીવનવ્યવસ્થા આપતો હોય, એને પાળનારી પ્રજા સુખી થતી હોય. જે ધર્મ કનિષ્ઠ વ્યવસ્થા આપતો હોય તે પ્રજા દુખી થતી હોય. આને ઊલટાવીને પણ માપી શકાય, જોઈ શકાય છે.
જે પ્રજા સુખી હોય છે તે ઉચ્ચ ધર્મની વ્યવસ્થાથી જીવન જીવતી હોય છે પણ જે પ્રજા દુખી હોય છે તે મોટા ભાગે કનિષ્ઠ ધર્મવ્યવસ્થાથી જીવન જીવતી હોય છે. ધર્મ પોતે જ તેમનાં દુ:ખો વધારવામાં કારણ બનતો હોય છે. ધર્મના દ્વારા પ્રેરિત જીવનવ્યવસ્થામાં અનેક બાબતોની સાથે જોવાનું કે તે કુદરતસહજ જીવનનો સ્વીકાર કરે છે કે કુદરતવિરોધી જીવનનો સ્વીકાર કરે છે? જો તે કુદરતસહજ જીવનવ્યવસ્થા સ્વીકારતો હશે તો તેના ઘણા પ્રશ્નો સ્વયં કુદરત જ ઉકેલી આપશે પણ જો તે કુદરતવિરોધી જીવનવ્યવસ્થાનું જીવન જીવતો હશે તો સ્વયં કુદરત જ તેને દંડાત્મક દુઃખ આપશે.
ADVERTISEMENT
કુદરતસહજ વ્યવસ્થામાં સર્વપ્રથમ નર-નારીની રચના છે. આ બન્ને એકબીજાનાં પૂરક અને એકબીજા માટે અનિવાર્ય રૂપે બનાવાયાં છે. વૈદિક ધર્મ સહિત વિશ્વના અનેક ધર્મોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે તત્ત્વોનો સ્વીકાર કરીને કામ અને અર્થ બન્નેની વ્યવસ્થા કરી છે અને બન્નેનો સ્વીકાર કર્યો છે પણ બીજા એવા કેટલાક ધર્મો થયા છે જેમણે આ બન્નેને પાપરૂપ માનીને એનો ત્યાગ કરવા પર ભારે ભાર મૂક્યો છે. એથી નર-નારીના કુદરતસહજ જીવનનો વિરોધ થયો છે. આના અતિપ્રચારથી બે ભાગ થયા છે.
પહેલો, પત્નીનો ત્યાગ કરનારા મોક્ષમાર્ગી પુરુષો અને બીજો, પત્નીજીવનનો સ્વીકાર કર્યા વિના પ્રથમથી જ પત્નીરહિત જીવન જીવનારા મોક્ષમાર્ગી પુરુષો. જોકે આવું ઊલટી રીતે ખાસ થયું નથી. અર્થાત્ પુરુષોનો ત્યાગ કરનારી મોક્ષમાર્ગી સ્ત્રીઓ અથવા પ્રથમથી જ પુરુષોનો સ્વીકાર ન કરીને મોક્ષમાર્ગી સ્ત્રીઓનું પ્રમાણ ખાસ જોવા મળ્યું નથી, જેની પાછળ સંભવતઃ પુરુષપ્રધાન દેશની માનસિકતા કામ કરતી હશે એવું ધારી શકાય.
સ્ત્રીત્યાગને લક્ષ્મીના ત્યાગ કરતાં પણ વધુ મહત્ત્વ અપાયું છે. જો એ મહત્ત્વનું હોય તો પ્રથમથી જ સ્ત્રીનો સ્વીકાર કર્યા વિના સીધા જ મોક્ષમાર્ગ તરફ વળી ગયેલા પુરુષો છે તેમના માટે શું કહેવાનું? જેમને સુશીલ પતિવ્રતા પત્ની મળી અને એમ છતાં તેમનો ત્યાગ કરીને મોક્ષમાર્ગે આગળ વધેલા લોકો માટે શું કહેવું? આ બન્ને પ્રથા પછી પણ જો મોક્ષ સંભવ હોય તો વાત આવે છે વ્યક્તિના માનસિક ચરિત્ર પર અને સ્વચ્છ માનસિક ચરિત્રથી આગળ કશું હોય નહીં.

