નિત્યાનિત્ય વસ્તુવિવેક-નિત્યાનિત્યના વિવેકનું જ્ઞાન થશે એટલે શું થશે? જે અનિત્ય વસ્તુ છે એનો વિયોગ થશે અને જે નિત્ય વસ્તુ છે એનો સંયોગ થશે.
પ્રતીકાત્મક તસવીર
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઠાંસી-ઠાંસીને વેદાંત ભર્યું છે. કહેવાય છે કે વેદાંત સાંભળવા માટે ચાર વસ્તુની જરૂર છે. પહેલી વાત ‘નિત્યા નિત્ય વસ્તુવિવેક.’ વિવેકનો અર્થ છે જ્ઞાન. નિત્ય વસ્તુ શું છે, અનિત્ય વસ્તુ શું છે એનું જ્ઞાન. શરીર અનિત્ય છે અને આત્મા નિત્ય છે. સંસાર અનિત્ય છે અને પરમાત્મા નિત્ય છે. નિત્યાનિત્ય વસ્તુવિવેક-નિત્યાનિત્યના વિવેકનું જ્ઞાન થશે એટલે શું થશે? જે અનિત્ય વસ્તુ છે એનો વિયોગ થશે અને જે નિત્ય વસ્તુ છે એનો સંયોગ થશે.
આપણે ફસાઈએ છીએ અનિત્યમાં, આપણે નાતો જોયો છે શરીરમાં, સંસારમાં, દેહ પણ અનિત્ય છે. સંસાર પણ અનિત્ય છે. નાતો અનિત્ય સાથે જોડીએ છીએ અને નિત્ય શાંતિ, સુખ પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ. એ કેમ બને?
ADVERTISEMENT
બીજું - ઇહામૂત્રફલ ભોગ વિરાગઃ
ઇહ એટલે આ લોકનાં. અમૂત્ર એટલે પરલોકનાં, ફલ એટલે સુખ. મને સ્વર્ગનું સુખ અને મને આ લોકના સુખના ફળ ભોગવવાની ઇચ્છા ન રહે. કહેવાનો અર્થ દૃઢ વૈરાગ્ય-આ લોક અને પરલોકનાં સુખોને ભોગવવાની ઇચ્છાનો ત્યાગ. ઢઢ વૈરાગ્ય. સુખને ભોગવવાની ઇચ્છામાં જ દુઃખને ભોગવવાનું નિમંત્રણ છુપાયેલું છે, કારણ કે સુખ નિરવંધ્ય નથી.
ષડ્સંપત્તિ જેને દૈવી સંપત્તિ કહે છે ગીતા. ઇન્દ્રિયોનો સંયમ હોય, મનનો સંયમ હોય.
અને ચોથી વસ્તુ મુમુક્ષતા-મુક્તિ માટેની પ્યાસ. આ ચાર વસ્તુ હોય ત્યારે વેદાંત શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય છે. અહીં ભગવાન કૃપા કરીને અર્જુનને સંભળાવી રહ્યા છે.
અધિકારનો અર્થ છે યોગ્યતા. એનામાં યોગ્યતા નિર્માણ કરી રહ્યા છે. અર્જુન, જે રીતે શરીરમાં અવસ્થાઓ આવે છે એમ આત્મા આ શરીર ધારણ કરે છે અને છોડે છે. પાંચ વિષય - શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય. જ્યારે કાન સાંભળે છે ત્યારે ઇન્દ્રિય અને વિષયનો યોગ થાય છે. આ સંયોગથી સુખ-દુઃખ થાય છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના સંયોગથી ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ આ બધું ઉત્પત્તિ અને વિનાશશીલ છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છેઃ
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત।
આ બધા અનિત્ય છે. ઉત્પન્ન થાય છે અને વિનાશશીલ છે, એનો શોક ન કરાય. આ બધાં દ્વંદ્વો જે ઉદ્ભવે છે એને તું સહન કર. એના માટે હે અર્જુન! શોક ન કર. જે ધીર પુરુષને આ ઇન્દ્રિયોના પદાર્થોના વિયોગથી અળગા કરતા નથી તે જ મોક્ષને યોગ્ય છે.
ચંહિં ન વ્યથયજ્યેતે પુરુષ પુરુષર્ષભા
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
આમ ગુરુ અને ભગવદ્ સત્સંગથી વિવેકપ્રાપ્તિ થાય છે અને આવો વિવેક સન્માર્ગે દોરે છે. -ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

