પેલા ભાઈએ પેન તો આપી પણ રતન તાતા એ પેન જોઈ રહ્યા કારણ કે એ સાવ સસ્તી પેન હતી
રતન તાતાની ફાઇલ તસવીર
તાતાની એક કંપનીમાં કામ કરતા એ ભાઈનું નસીબ ખીલ્યું એ દિવસે જે દિવસે રતન તાતાએ એક કાગળ પર નિશાની કરવા એમ જ તેમની પાસે પેન માગી. પેલા ભાઈએ પેન તો આપી પણ રતન તાતા એ પેન જોઈ રહ્યા કારણ કે એ સાવ સસ્તી પેન હતી. કામ પતાવીને પછી એને બરાબર નિહાળીને પાછી આપતાં બોલ્યા, ‘તું સાદો છે કે પછી સસ્તું શોધવાની ટેવ છે?’
પેલા ભાઈએ જવાબ આપ્યો કે ‘ના સર! એવું કંઈ જ નથી, પણ હકીકત એ છે કે હું અમુક બાબતે એકદમ ભુલકણો છું. ક્યારેક ટેબલ પર, ક્યારેક બેડ પર, ક્યારેક કોઈ બીજાની કૅબિનમાં હું પેનો ભૂલતો આવ્યો છું. મહિનામાં ત્રણ-ચાર વાર આવું બને છે એટલે...’
ADVERTISEMENT
હજી તેનો જવાબ પૂરો થાય એ પહેલાં જ રતન તાતાએ કહ્યું: ‘તું એક કામ કર, પાર્કરની પેન વાપરવાનું રાખ!’ પેલો કંઈ બોલે એ પહેલાં તો બૉસ ફરી બોલ્યા: ‘હું કહું એમ કરી જો!’ ત્રણેક મહિના પછી ફરી પાછા ફેસ-ટુ-ફેસ મળવાનું થતાં જ રતન તાતાએ પૂછ્યું: ‘તારી પેન ક્યાં છે?’ પેલા ભાઈએ પાર્કરની પેન કાઢીને બતાવતાં કહ્યું, ‘આ રહી!’ બૉસે પૂછ્યું: કેટલા વખતથી છે? પેલાએ જવાબ આપ્યો: પૂરા બે મહિનાથી! બૉસે કારણ સમજાવતાં કહ્યું: તું ભુલકણો છે એ કાંઈ સુધરી નથી ગયો, પણ તું જ્યારે પ્રોડક્ટની વૅલ્યુ સમજે છે ત્યારે અધિક કાળજી સહજ ઉમેરાય છે. ક્યારેક ઉદાહરણો ઘણાં જ બોલકાં હોય છે. રતન તાતાની આ વાત ઘણું કહી જાય છે. પૈસાના મુદ્દે કેટલાય સંબંધો તૂટે છે, વણસે છે અને નબળા-નજીવા બને છે ત્યારે સંપત્તિ અને સગપણ વચ્ચેની પસંદગીમાં થાપ ખાઈને ક્યારેક તો બન્ને ગુમાવવાનું બને છે. અર્થ સાથેનો અર્થપૂર્ણ સંબંધ કેટલાય અનર્થો સર્જે છે. પતિ-પત્ની વચ્ચે શરૂ થયેલો ઈગો ક્લૅશ જ્યારે સંબંધ વિચ્છેદમાં પરિણમે છે ત્યારે આ જ વાત હોય છે. અહં અને સંબંધ વચ્ચેની પસંદગીમાં માણસ થાપ ખાય છે. કોઈ વાતે જતું કરનારો ક્યારેય નબળો કે નમાલો ન ગણવો જોઈએ. એટલું જ કે તે પોતાના અહં કરતાં પોતાના સંબંધને વધુ ગુણાંક આપે છે. સંબંધોનું મૂલ્યાંકન કરતાં જેને આવડી ગયું તે એને સાચવવામાં, જાળવી રાખવામાં સફળ પુરવાર થાય છે. એક જ ઘરના ત્રણ મેમ્બરો પંદર મિનિટના ગાળામાં પોતપોતાની અલગ-અલગ ગાડીઓમાં જઈ શકે એ શ્રીમંતાઈની દૃઢતા છે પણ ભાઈ માટે પાંચ મિનિટ રાહ જોવાની તૈયારી એ સંબંધોની દૃઢતા છે. દરેક સંબંધ એક જવાબદારી છે. એને તક કે અવસર સમજવાની ભૂલ ન થઈ શકે. સામાજિક જીવનમાં પારિવારિક સંબંધો કરોડરજ્જુની ગરજ સારે છે. એનું મૂલ્યાંકન કરીશું તો એને જાળવી શકીશું. દસ, વીસ કે પચાસની કરન્સી નોટનું મૂલ્યાંકન લખેલું હોય એટલું જ થાય; જ્યારે માતા-પિતા, ભાઈ-બહેન કે કલ્યાણમિત્રનું મૂલ્યાંકન વ્યક્તિએ-વ્યક્તિએ અને સ્થિતિએ-સ્થિતિએ વધી જાય છે.


