Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સાડી કાંજીવરમ છે કે બનારસી એ કઈ રીતે ઓળખશો?

સાડી કાંજીવરમ છે કે બનારસી એ કઈ રીતે ઓળખશો?

Published : 18 July, 2025 12:47 PM | Modified : 19 July, 2025 07:42 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ભારતીય વણાટકામ કરેલી પરંપરાગત સાડી કઈ છે એ ઓળખવામાં મુશ્કેલી થતી હોય એવા લોકો માટે આ રહી ક્વિક ગાઇડ

કાંજીવરમ સાડી, બનારસી સાડી, પૈઠણી સાડી, ચંદેરી સાડી

કાંજીવરમ સાડી, બનારસી સાડી, પૈઠણી સાડી, ચંદેરી સાડી


સાડીની દુકાનમાં જઈને વર્કવાળી સાડી જોઈએ ત્યારે કઈ સાડી બનારસી છે અને કઈ કાંજીવરમ એની મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ. દરેક ટ્રેડિશનલ સાડી પોતપોતાની ખાસિયતને કારણે વખણાય છે ત્યારે સાડી કયા પ્રકારની છે એ ઓળખવા માટે તમને ફૅબ્રિક, વણાટ, જરીવર્કની ઓળખ હોવી જરૂરી છે. ભારતીય વણાટકામ કરેલી પરંપરાગત સાડીની વિશેષતાઓને સરળતાથી સમજશો તો સહેલાઈથી ઓળખી શકશો કે આ સાડી કઈ છે.


બનારસી સાડી



મૂળ ઉત્તર પ્રદેશની વખણાતી બનારસી સાડી પ્યૉર સિલ્ક અથવા કૉટન-સિલ્કના બ્લેન્ડથી બનેલી હોય છે. એમાં સોના કે ચાંદી જેવી દેખાતી જરીથી બ્રૉકેડ વર્ક કરેલું હોય છે. એટલે તમે સાડીને હાથ લગાવશો તો એ વર્ક એમ્બૉસ થયેલું ફીલ થશે. હાથવણાટની આ સાડીનો પાલવ ભરેલો અને બૉર્ડર પણ જાડી હોય છે. એમાં મુગલ મોટિફ્સ એટલે કે આંબા, જાળી અને ફૂલની ડિઝાઇન જોવા મળે છે. જો તમને એક સાડીમાં આ ચીજો દેખાય તો સમજી લેવું કે તમે બનારસી સાડી જોઈ રહ્યા છો.


કાંજીવરમ સાડી

તામિલનાડુમાં બનતી મલબેરી સિલ્ક ફૅબ્રિકની સાડીમાં મુખ્યત્વે પાલવ અને બૉર્ડર કૉન્ટ્રાસ્ટ રંગનાં જોવા મળે છે. એમાં મંદિરના ગુંબજ અને પિલર જેવી ડિઝાઇન, મોર, હાથી અને ફૂલોની ડિઝાઇન હોય છે. આ દક્ષિણ ભારતીય સાડીમાં ફક્ત ગોલ્ડન જરી વણાટકામ જ કરેલું હોય છે જે ઝીણું અને ઘટ્ટ હોય છે. આવી વિશેષતા જો કોઈ સાડીમાં દેખાય તો એ કાંજીવરમ સાડી હોઈ શકે છે. એને કાંચીપુરમ સાડી પણ કહેવાય છે.


ચંદેરી સાડી

રેશમ અને કૉટનના બ્લેન્ડથી બનેલા ચંદેરી ફૅબ્રિકની સાડી બહુ જ લાઇટવેઇટ હોય છે. એમાં ઝીણું જરીકામ હોય છે. દેખાવમાં પારદર્શક અને સૉફ્ટ હોય છે. ઘણી વાર લોકો એને શિફૉન સમજી લે છે, કારણ કે થોડીક શાઇન પણ હોય છે. નાજુક જરીના કામ સાથે મિનિમલ બુટ્ટા ધરાવતી પેસ્ટલ શેડ્સની સાડી જુઓ તો સમજી જવું કે આ સાડી ચંદેરી છે.

પૈઠણી

ઘણા લોકોને પૈઠણી અને કાંજીવરમ સાડીમાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે, કારણ કે બન્ને સાડી સિલ્ક મટીરિયલની બનેલી હોય છે, પણ પૈઠણી સાડીના પાલવમાં મોર અથવા કમ‍ળના બુટ્ટા જોવા મળે છે અને જરીવર્કના વણાટકામવાળી આ સાડી મોટા ભાગે ગોલ્ડન, લીલા અને મોરપીંછ કલરમાં બને છે. પૈઠણી સાડી એમાં રહેલી મોરની ડિઝાઇન અને કલરફુલ પાલવને કારણે વધુ વખણાય છે. એ વજનમાં ભારે હોય છે, પણ ફૅબ્રિક બહુ જ સૉફ્ટ હોય છે. જો તમે આવી કોઈ સાડી જુઓ તો સમજવું કે આ પૈઠણી સાડી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2025 07:42 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK