તેલ લગાડેલી સ્ટીમરની થાળી લો અને એમાં તૈયાર કરેલાં મૂઠિયાં ગોઠવી દો. સ્ટીમરમાં આ થાળીને મૂકી આશરે ૧૫ મિનિટ સુધી સ્ટીમ થવા દો. મૂઠિયાં સ્ટીમ થયા પછી એને બહાર કાઢી ઠંડાં થવા દો
મલ્ટિગ્રેન લોટનાં અળવીનાં પાનનાં મૂઠિયાં
મૂઠિયા માટેની સામગ્રી: ૪ અળવીનાં પાન, પા કપ બાજરીનો લોટ, પા કપ બેસન, ૧/૮ કપ ચોખાનો લોટ, પા કપ રાગીનો લોટ, ૨ ટીસ્પૂન ઘઉંનો લોટ, પા કપ ઓટ્સ, ૨ ટીસ્પૂન લીલાં મરચાં, આદું અને લસણની પેસ્ટ, ૧ ટીસ્પૂન સફેદ તલ, ૧/૮ ટીસ્પૂન બેકિંગ સોડા, અડધી ટીસ્પૂન લાલ મરચું, પા ટીસ્પૂન હળદર
અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર, પા ટીસ્પૂન હિંગ, ૩/૪ ટીસ્પૂન મીઠું, ૧ ટીસ્પૂન તેલ, જરૂર મુજબ પાણી
ADVERTISEMENT
વઘાર માટેની સામગ્રી: ૩ ટીસ્પૂન શિંગતેલ, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, ૨ સૂકાં લાલ મરચાં , થોડાં મીઠા લીમડાનાં પાન, ૧/૮ ટીસ્પૂન હિંગ, ૧ ટીસ્પૂન સફેદ તલ, ૧/૮ ટીસ્પૂન હળદર, પા ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન મીઠું, દોઢ ટીસ્પૂન ખાંડ, અડધું લીંબુ
બનાવવાની રીત : સૌપ્રથમ અળવીનાં પાનને સારી રીતે ધોઈ લો અને એની ઉપરની જાડી જેવી મોટી નસોને કાઢી નાખો. હવે પાનને રોલ કરીને એકદમ ઝીણા ટુકડામાં સમારી લો. એક બાઉલ લો અને એમાં સમારેલાં અળવીનાં પાન ઉમેરો. હવે એમાં બાજરીનો લોટ, બેસન, ચોખાનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ અને ઓટ્સ ઉમેરો. ત્યાર બાદ આદું-લીલાં મરચાં-લસણની પેસ્ટ, સફેદ તલ, બેકિંગ સોડા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, હિંગ અને મીઠું ઉમેરી બધું સારી રીતે મિક્સ કરો. હવે એમાં ૧ ટીસ્પૂન તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરીને મસળીને લોટ બાંધો જે ન તો બહુ કઠણ હોય અને ન તો બહુ ઢીલો. હાથમાં થોડું તેલ લગાવી આ લોટમાંથી નાની સાઇઝનાં મૂઠિયાં બનાવી લો. તેલ લગાડેલી સ્ટીમરની થાળી લો અને એમાં તૈયાર કરેલાં મૂઠિયાં ગોઠવી દો. સ્ટીમરમાં આ થાળીને મૂકી આશરે ૧૫ મિનિટ સુધી સ્ટીમ થવા દો. મૂઠિયાં સ્ટીમ થયા પછી એને બહાર કાઢી ઠંડાં થવા દો. ઠંડાં થયા બાદ મૂઠિયાંના ટુકડા કરી લો. વઘાર માટેની રીત એક પૅન ગરમ કરો અને એમાં ૩ ટીસ્પૂન શિંગતેલ ઉમેરો. હવે એમાં રાઈ, જીરું, બે સૂકાં લાલ મરચાં, મીઠા લીમડાનાં પાન, હિંગ, તલ અને હળદર ઉમેરો. વઘાર થવા લાગે પછી એમાં મૂઠિયાંના ટુકડા ઉમેરો અને હલાવતા રહો. હવે એમાં લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે અળવીના પાનનાં મૂઠિયાં.
-શીતલ હરસોરા
કિચન ટિપ્સ
પાંદડાંવાળી ભાજીને લાંબા સમય સુધી કેવી રીતે સાચવશો?
કોથમીર, પાલક, મેથી અને ફુદીના જેવી ભાજીને સારી રીતે ધોઈને સાફ કરીને એક ટુવાલ પર પાથરી દો. પાંદડાં સાવ સૂકાં થયા બાદ એને કાચના ઍરટાઇટ કન્ટેનરમાં પૅક કરીને ફ્રિજમાં રાખશો તો અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે.
પાંદડાંવાળી ભાજીને ડીપ ફ્રીઝ પણ કરી શકાય. ભાજી સાફ કરીને ઉકાળેલા પાણીમાં એક મિનિટ માટે રાખો, પછી તરત જ ઠંડા પાણીમાં ડુબાડીને બહાર કાઢો. પાણી ટપકી જાય પછી નાના પાઉચમાં ભરીને ફ્રીઝરમાં રાખી દો. જેમ જોઈએ એ હિસાબે રાંધતી વખતે ફ્રીઝરમાંથી વાપરો, પણ એક વાતનું ધ્યાન રાખવું કે ફ્રીઝરમાંથી કાઢીને બહાર રહેવા દેવી નહીં, ડાયરેક્ટ રાંધવામાં વાપરવી.
કોથમીરની શેલ્ફલાઇફ વધારવી હોય તો એનાં મૂળ કાપ્યા વિના કપડામાં લપેટીને પણ સ્ટોર કરી શકાય.

