અમદાવાદમાં પ્રમોશન દરમ્યાન સાવ અનાયાસ જ અમે એક રેસ્ટોરાંમાં ગયા અને ટીમે પીત્ઝા ઑર્ડર કર્યા કે તરત મારા મોતિયા મરી ગયા
સંજય ગોરડિયા
આમ તો આપણી ફૂડ-ડ્રાઇવમાં આપણે મોટા ભાગે સ્ટ્રીટ-ફૂડનો સમાવેશ કરીએ છીએ, પણ તમને ખબર છે કે વારતહેવારે આપણે યુનિક રેસ્ટોરાંની પણ સફર કરતા રહીએ છીએ. આવી જ એક યુનિક કહેવાય એવી રેસ્ટોરાંમાં મને હમણાં જવા મળ્યું. બન્યું એવું કે મારી નવી ફિલ્મ ‘મહારાણી’ના પ્રમોશન માટે અમે અમદાવાદમાં હતા અને પ્રમોશન દરમ્યાન અમારી લીડ ઍક્ટ્રેસ માનસી પારેખને ભૂખ લાગી એટલે અમે નજીકમાં ક્યાંક જવાનું વિચારતા હતા અને ત્યાં જ અમારી સાથે જે PR ટીમના ભાઈ હતા તેણે કહ્યું કે તમને હું કે’ઝ ચારકોલમાં લઈ જાઉં, તમને મજા આવશે.
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી આ કે’ઝ ચારકોલ ઇટાલિયન ફૂડ માટે પૉપ્યુલર છે. અમે તો ગયા કે’ઝ ચારકોલમાં અને હું તો એનો વૉક-વે અને ઇન્ટીરિયર જોઈને જ આભો રહી ગયો. એમાં છે એવું કે અમદાવાદમાં જમીનના ભાવ સસ્તા એટલે મોટી અને સારી ઑફિસ કે શોરૂમ, રેસ્ટોરાં કરવાં હોય તો સહેલું પડે. એકદમ લૅવિશ રીતે બનેલી કે’ઝ ચારકોલમાં જઈને અમે તો સૌથી પહેલાં પીત્ઝા મગાવ્યા અને મારું દિલ ધક-ધક થવા માંડ્યું. મને થયું કે સાલ્લું જો ઇટાલિયન પીત્ઝાના નામે આપણા દેશી પીત્ઝા પકડાવી દીધા તો મરી ગયા. પણ મિત્રો, હું ખોટો પડ્યો.
ADVERTISEMENT
એકદમ ઑથેન્ટિક પીત્ઝા અને વુડ-ફાયર પર કોલસાની ભઠ્ઠી પર તૈયાર થયેલા પીત્ઝા. તમે ખાઈને જ ખુશ થઈ જાઓ. મને તો તરત મારી ઑસ્ટ્રેલિયાની છેલ્લી ટૂર દરમ્યાન મેં જે ઇટાલિયન રેસ્ટોરાંનો અનુભવ લીધો હતો એ યાદ આવી ગયું. આપણે ત્યાં ચીઝના નામે પીત્ઝા પર ઠઠારો કરી નાખવામાં આવે છે, પણ આ પીત્ઝામાં રીઝનેબલ લેવલ પર ચીઝ હતું અને એનો સ્વાદ પણ એકદમ ઑથેન્ટિક હતો. એ પછી તો અમે જાતજાતની વરાઇટી મગાવી અને બધેબધી વરાઇટી એક-એકથી ચડિયાતી. તમને થાય કે તમે સાચે જ ઇટલીની કોઈ રેસ્ટોરાંમાં આવી ગયા છો.
મારો આ અદ્ભુત અનુભવ લઈને હું તો બહાર આવ્યો પણ કે’ઝ ચારકોલ મારા મનમાંથી જાય નહીં. મને સતત થયા કરે કે હું આ ફૂડ-ડ્રાઇવ તમારી સાથે શૅર કરું એટલે મેં તો એના પર રિસર્ચ શરૂ કર્યું અને તમે માનશો નહીં, મારી આંખમાં અચરજ અંજાઈ ગયું.
આ જે કે’ઝ ચારકોલ છે એ ઓરિજિનલી સુરતની રેસ્ટોરાં છે. સુરતના કતારગામમાં શરૂ થઈ અને વુડ-ફાયરમાં એની માસ્ટરી. પછી તો આ રેસ્ટોરાં અમદાવાદ અને મુંબઈમાં પણ આવી ગઈ. મુંબઈમાં અત્યારે બોરીવલી વેસ્ટમાં સોડાવાલા લેનમાં છે.
મેં વધારે તપાસ કરી તો ખબર પડી કે એ લોકો ફ્રૅન્ચાઇઝી આપતાં પહેલાં આખી ટીમને સુરતની હેડ ઑફિસે બોલાવીને ટ્રેઇન કરે અને પછી સરપ્રાઇઝ ચેકિંગ પણ કરતા રહે જેથી ફૂડની ક્વૉલિટી કે પછી એના મેકિંગમાં સહેજ પણ બાંધછોડ ન થાય. તમે માનશો? અમે અમદાવાદની કે’ઝ ચારકોલમાં ગુરુવારે ગયા હતા અને ગુરુવારે સાંજે અમને અંદર બેસવાની જગ્યા નહોતી મળી. આ સારા ફૂડની નિશાની છે.
કે’ઝ ચારકોલની ઇટાલિયન ફૂડમાં માસ્ટરી છે. એકદમ ઑથેન્ટિક ઇટાલિયન ફૂડ અહીં મળે છે. ઘણી વાર આપણને ઑથેન્ટિક ફૂડના નામે સ્વાદમાં સાવ વિચિત્ર ફૂડ મળી જતું હોય છે. હું તમને કહીશ કે ક્યારેય ઑથેન્ટિક ચાઇનીઝ ટ્રાય ન કરવું, એમાં તમારી આંતરડી ઠરે જ નહીં, પણ ઇટાલિયન ફૂડમાં એવું નથી. એનો સ્વાદ અદ્ભુત છે અને હેલ્થ માટે પણ એ એવું નુકસાનકર્તા નથી અને એટલે જ કહું છું, કે’ઝ ચારકોલ બોરીવલીમાં જ છે. એક વાર ચક્કર મારી આવો, તમને જલસો પડી જશે એ ગૅરન્ટી મારી.

