Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રોટલી માટેનો લોટ રોજ તાજો જ બાંધવો જોઈએ

રોટલી માટેનો લોટ રોજ તાજો જ બાંધવો જોઈએ

Published : 25 June, 2025 01:56 PM | Modified : 26 June, 2025 07:00 AM | IST | Mumbai
Rajul Bhanushali

આજકાલ બે-ચાર દિવસ માટે લોટ બાંધીને ફ્રિજમાં મૂકી રાખવાનું ચલણ વધતું જાય છે ત્યારે આવું શા માટે ન કરવું જોઈએ એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં રસોઈ કરવાના, ખાવા-પીવાના અમુક નિયમો છે જે આપણી દાદીઓ-નાનીઓ ફૉલો કરતી. તેમણે પોતાની આગળની જનરેશનને એ પાસ કર્યા. જેમ કે ગુવારના શાકમાં અજમાથી વઘાર નાખવાનો હોય જેથી એ વાયડું ન પડે, ઢોકળાં કે આથાવાળી બીજી વસ્તુઓ સવારના ભાગમાં ખાવાની હોય, કેરી ખાતાં પહેલાં દસેક મિનિટ ઠંડા પાણીમાં બોળી રાખવાની, લોટ બાંધીને એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવાનો.


અગાઉ રસોડાની આવી ઘણી બેઝિક બાબતો/વાતો/નિયમો આપણે ફૉલો કરતા. પરંતુ હવે આજકાલના ફાસ્ટ જમાનામાં બધાને બહુ બધી ઉતાવળ હોય છે. કરંડિયામાંથી કેરી કાઢીને તરત ખાઈ લઈએ, ઢોકળાંને આથવાને બદલે ખાવાનો સોડા અથવા ઈનો નાખીને ઉતારી લેવાં, એવી જ રીતે લોટને રેસ્ટ આપવાનું પણ ઑલમોસ્ટ ભુલાતું જાય છે. અહીં લોટ બાંધ્યો નથી અને અહીં રોટલી ઉતારી નથી. આ ઓછું હોય એમ બે-ચાર દિવસનો લોટ એકસાથે ફ્રિજમાં બાંધીને મૂકી દેવાય છે. રોટલીનો લોટ બાંધવો એ પણ એક કળા છે. કુશળ ગૃહિણીના હાથે જો લોટ બંધાયો હોય તો રોટલી માખણ જેવી નરમ અને સ્વાદિષ્ટ તો બને જ છે અને સાથે અમુક વસ્તુઓ ઉમેરવાથી વધુ સુપાચ્ય અને વધુ પૌષ્ટિક પણ ગણાય છે. 



આ વિશે અમે ક્લાઉડ કિચનનાં કૃપા મહેતા જોડે વાત કરી. કૃપાબહેન કહે છે, ‘અગાઉ વર્ષમાં એક જ વાર ઉનાળામાં વેકેશનમાં આપણે ઘઉં ભરાવતા. નવા ઘઉંને તડકામાં સૂકવી, એમાં એરંડિયું લગાવીને ભરાતા. એ એરંડિયું ઘઉંની સાથે દળાઈને પેટમાં જતું. હવે મુંબઈ જેવા શહેરમાં મોટા ભાગનાં ઘરોમાં રેડીમેડ લોટ વપરાય છે. બે-ચાર દિવસનો લોટ એકસાથે બાંધીને ફ્રિજમાં સ્ટોર કરી લેવાય, જે જરા પણ યોગ્ય નથી. રોટલી માટેનો લોટ રોજ તાજો જ બંધાવો જોઈએ. આગળથી બાંધીને ફ્રિજમાં સ્ટોર કરેલા લોટમાંથી બનતી રોટલીમાં પોષક તત્ત્વો જેવું કશું જ બાકી નથી રહેતું, ઊલટાનું એવી રોટલી ગટ-હેલ્થને નુકસાન કરે છે.’


લગભગ દોઢ દાયકાથી વધુનો રસોઈનો અનુભવ ધરાવતાં રૂપા જોશી આ વિશે વધુ માહિતી આપતાં કહે છે, ‘લોટ સરખો બંધાયો ન હોય તો રોટલી સારી બનતી નથી. સૌપ્રથમ લોટ લઈ એમાં મોણ નાખી અને કોરેકોરો લોટ એ મોણ સાથે સરખી રીતે ભેળવી લેવો. પછી થોડું-થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું. બધો જ લોટ ગંઠાઈ જાય ત્યાર બાદ ચમચી-ચમચી પાણી નાખતાં-નાખતાં એને મસળવો અને છેલ્લે તેલ અને પાણીનો હાથ દઈને એના પર ભીનું મલમલનું કપડું ઢાંકી રેસ્ટ કરવા રાખવો. આ રીતે બાંધેલા લોટની રોટલી એટલી સૉફ્ટ બને છે કે સાવ નાના બાળક અને વડીલો પણ સરળતાથી ખાઈ શકે. લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે. એના કારણે રોટલી નરમ તો બને જ છે અને સાથે એના સ્વાદમાં પણ વધારો થાય છે. તેમ જ સુપાચ્ય પણ બને છે. આ તો થઈ એક રીત. તમને ટિપ આપું. રોટલીના લોટને દહીં નાખીને બાંધવો. ઇચ્છો તો સાથે મીઠું કે અડધી ચમચી સાકર પણ નાખી શકાય. દહીંથી લોટ બાંધીને એને રેસ્ટ કરવા મૂકવો. થોડી વારમાં લોટમાં ખમીર ઊઠશે. આ લોટની રોટલી જો ફાવે તો હાથેથી વણવી અને જો ન ફાવે તો વેલણથી પણ વણી શકાય. આ રોટલી અનેકગણી વધારે પૌષ્ટિક બને છે. બીજું, તમે પ્રવાસમાં જતા હો અને પરોઠા કે ભાખરી બનાવવી હોય તો એ લોટ દૂધમાં બાંધવો. બે-ત્રણ દિવસ સુધી આ દૂધમાં બાંધેલા લોટની રોટલી, પરોઠા કે ભાખરી એકદમ ફ્રેશ અને સૉફ્ટ રહે છે. કોઈને ગૅસ્ટ્રિક ટ્રબલ હોય તો રોટલીનો લોટ બાંધતી વખતે એમાં હાથેથી ક્રશ કરીને થોડોક અજમો નાખી દેવો. આજકાલ એકસાથે ઘણોબધો લોટ બાંધીને ફ્રિજમાં મૂકી દેવામાં આવે છે. બીજા દિવસે એ લોટ કાળો પડી જાય છે. એ ખાવાલાયક ગણવામાં નથી આવતો. બીજું, લોટ જૂનો થાય એટલે રબર જેવો થતો જાય. એની રોટલી પણ સરખી રીતે વણાતી નથી અને એ પચવામાં પણ તકલીફ આપે છે. મારો વર્ષોનો અનુભવ કહે છે કે ફ્રિજમાં રખાયેલા લોટની રોટલી વણતાં અને શેકતાં ઘણો વધુ સમય લાગે છે. એના કરતાં તમે ફ્રેશ લોટ વણીને રોટલી કરશો તો ઘણો ઓછો સમય થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 07:00 AM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK