ચરકસંહિતાથી લઈને અન્ય ઘણા આયુર્વેદ ગ્રંથોમાં રજસ્વલા પરિચર્યાની વાત આવે છે. મહિલાઓએ માસિક ચક્ર દરમ્યાન કરવા જેવી અને ન કરવા જેવી બાબતો શું છે અને એની પાછળનાં લૉજિકલ કારણો શું એ જાણીએ આજે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં લગભગ ૬૦થી ૮૦ ટકા મહિલાઓ કોઈ ને કોઈ પ્રકારના માસિક ચક્રને લગતા રોગોથી પીડાય છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અને એની સાથે આવતી આડઅસરો અનેક રીતે સ્ત્રીઓની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે. માસિક સ્રાવ દરમ્યાન અસહ્ય દુખાવો થવો, પિરિયડ્સ અનિયમિત રહેવા, વધુપડતો રક્તસ્રાવ થવો અથવા નજીવો રક્તસ્રાવ થવો જેવાં ઘણાં લક્ષણો માસિક ધર્મમાં આવતી અડચણોને સૂચવે છે. મૉડર્ન મેડિકલ સાયન્સની દૃષ્ટિએ બદલાયેલી જીવનશૈલી, સ્ટ્રેસ, ખોટી ડાયટ, ઊંઘમાં અનિયમિતતા, પ્લાસ્ટિક વગેરેના વપરાશથી શરીરમાં જઈ રહેલાં કેમિકલ્સનો ભરાવો જેવાં બધાં જ કારણો જવાબદાર છે. માસિક ધર્મ દરમ્યાન સ્ત્રીનું શરીર સંવેદનશીલ હોય છે અને તેને વિશેષ કાળજીની જરૂર હોય છે. આજે એના વિશે વિગતવાર વાતો કરીએ.
શું કામ મહત્ત્વનું?
ADVERTISEMENT
ચરકસંહિતા, અષ્ટાંગ હૃદયમ, સુશ્રુતસંહિતા જેવા ઘણા ગ્રંથો છે જેમાં પિરિયડ્સ દરમિયાન શું કરવું અને શું નહીં એની વાતો આવે છે. આ વાતોને લોકોએ આભડછેટ સમજીને એનો સદંતર વિરોધ કર્યો. જોકે કેટલાક નિયમો એ સમયની સ્ત્રીઓની અવસ્થાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા હતા જેમાંથી કેટલીક બાબતો કદાચ મૉડિફાય કરાઈ છે, પરંતુ દિનચર્યા અને આહારને લગતી વાતો તો આજે પણ એટલી જ સાપેક્ષ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનાં અસોસિએટ પ્રોફેસર વૈદ્ય હેતલ બારૈયા કહે છે, ‘આયુર્વેદમાં સ્ત્રીની આયુના મુખ્ય ત્રણ ભેદ બતાવેલા છે - બાલા, રજસ્વલા અને વૃદ્ધા. એમાં રજ:સ્વલા એ સૌથી મહત્ત્વનો તબક્કો છે જેનાથી તેને સ્ત્રી તરીકેનું સંપૂર્ણ સન્માન મળે છે. માસિકસ્રાવ સ્ત્રીઓના જીવનમાં એક વિશિષ્ટ ઘટના છે. એને સ્ત્રી પ્રજનન સ્વાસ્થ્યનો અરીસો માનવામાં આવે છે. રજસ્વલા શબ્દમાં રજનો અર્થ છે રક્તયુક્ત એટલે કે માસિક ધર્મમાંથી પસાર થતી સ્ત્રી. પરિચર્યા એટલે સેવા, કાળજી અથવા આચરણ. જોકે આ પ્રજનન વય દરમિયાન અનેક પ્રકારના સ્ત્રીરોગ થવાની સંભાવનાઓ રહેલી છે.’
આયુર્વેદનાં વૈદ્ય હેતલ બારૈયા
આદર્શ પિરિયડ્સ
સામાન્ય રીતે માસિક સ્રાવ નૉર્મલ ક્યારે ગણાય એનો જવાબ આપતાં વૈદ્ય હેતલ કહે છે, ‘આયુર્વેદ શાસ્ત્રોમાં શુદ્ધ આર્તવ એટલે કે કોઈ પણ પ્રકારના દોષ વિનાના માસિકસ્રાવનાં લક્ષણો બતાવેલાં છે. જેમ કે દર ૨૮-૩૨ દિવસે માસિક આવવું, દુખાવો કે બળતરા વિના આવવું, પાંચ રાત સુધી આવવું, ન બહુ વધારે કે ન બહુ ઓછું હોવું, ચણોઠી જેવો લાલ રંગ હોવો, લાલ કમળ અથવા તો ઇન્દ્રગોપ જંતુ સમાન રંગ હોવો, દુર્ગંધ વિનાનો હોવો વગેરે હેલ્ધી પિરિયડ્સનાં લક્ષણો છે. પહેલા પિરિયડ્સ ૧૧ વર્ષથી લઈને ૧૭ વર્ષની ઉંમર સુધી આવી શકે છે. શરૂઆતનાં બે વર્ષ સુધી માસિક ચક્ર અનિયમિત હોય છે. એક વાર હૉર્મોનલ ગ્રંથિઓ સારી રીતે સક્રિય થાય એ પછી નિયમિત થાય છે. માસિક સ્રાવ દરમિયાન પેડુમાં દુઃખાવો, કમરમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા થવા વગેરે સામાન્ય લક્ષણો જોવા મળતાં હોય છે. એનું પ્રમાણ વધુ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમને કન્ટ્રોલ કરવા માટે આયુર્વેદ શાસ્ત્રોમાં અપાયેલા રજસ્વલા પરિચર્યા કે એટલે માસિક ધર્મ સંબંધિત કાળજીને લગતા નિયમો ઉપયોગી સાબિત થઈ શકે છે.’
નિયમોમાં શું છે ખાસ?
પિરિયડ્સ દરમિયાન થતો રક્તસ્રાવ સ્ત્રીશરીરની એક પ્રાકૃતિક શોધન પ્રક્રિયા છે. વૈદ્ય હેતલ કહે છે, ‘શરીર જાતે જ પોતાની શુદ્ધિ કરી રહ્યું હોવાથી આ પાંચ દિવસ દરમિયાન ખોરાક પચાવવાની શરીરની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે. એટલે જ આયુર્વેદમાં ‘હવિષ્ય અન્ન’નો ઉલ્લેખ કરેલો છે. હવિષ્ય અન્ન એટલે દૂધ, શાલી ચોખા અને ઘીને પકાવીને અંજલિ પ્રમાણ એટલે કે હથેળીમાં સમાય એટલું ખાવું. પચે એવો અન્ય ખોરાક પણ ઓછી માત્રામાં ખાઈ શકાય. જેમ કે મગ, શાલી ચોખા, જવ વગેરે. પિરિયડ્સ દરમ્યાન તીખું, તળેલું, ગરમ, ખાટું, ખારું જેવું પચવામાં ભારે અન્ન ખાવું નહીં. ખાસ કરીને બહારના જન્ક ફૂડ, પૅકેજ્ડ ફૂડ, ઠંડાં પીણાં, વાસી ખોરાક ન ખાવાં જોઈએ. ભોજનની જેમ જ રહેણીકરણીના નિયમોમાં શાસ્ત્રીય રીતે દર્ભ અથવા કુશ નામના ઘાસની પથારી બનાવી સૂવાની સલાહ આપવામાં આવી છે જેથી પેડુમાં અને કમરમાં થતા દુખાવામાં રાહત થાય. આજના સમયમાં આ પ્રૅક્ટિસ કરવી અઘરી છે પણ સંશોધનો મુજબ એનાથી નકારાત્મક ઊર્જા અને ઝેરી કિરણોત્સર્ગથી બચી શકાય છે. આમ સૂવાથી ગ્રાઉન્ડિંગ ઇફેક્ટ વધવાથી પણ માસિક સ્રાવમાં સરળતા મળતી હોય છે. અત્યારના સમયમાં જમીન પર ગરમ બ્લૅન્કેટ પાથરીને સૂઈ શકાય. પિરિયડ્સ દરમ્યાન ઇમોશનલ ડિસ્ટ્રેસથી ખાસ બચવું. ચિંતા, ગુસ્સો આવે એવી ઘટનાઓથી દૂર રહેવું કારણ કે આ સમયે ઇમોશનલી સ્ત્રીઓ નબળી અવસ્થામાં હોય છે એટલે પૉઝિટિવિટી આપે એવા જ કાર્યમાં રત રહેવું. દિવસના સમયે ઊંઘવું નહીં, માલિશ વગેરે કરવું નહીં. ફિઝિકલ રિલેશન્સ પણ પિરિયડ્સ દરમ્યાન ન બાંધવા કારણ કે એનાથી પણ અપાન વાયુ ડિસ્ટર્બ થવાથી રક્તસ્રાવમાં ડિસ્ટર્બન્સ ઊભું થઈ શકે છે. વાતપ્રકોપથી બચી શકાય અને સાથે ચેપી રોગોથી પણ રક્ષણ મળતું હોય છે. વધુપડતું હસવું, રડવું, બોલવું, કસરત કરવી, મોટેથી મ્યુઝિક સાંભળવું વગેરે ક્રિયાઓથી વાયુનો પ્રકોપ થઈને શરીરમાં. કૉસ્મેટિક્સનો ઉપયોગ ટાળવો. માસિક દરમ્યાન શરીરનું ટેમ્પરેચર ચેન્જ થતું હોય છે એટલે પણ પિરિયડ્સ દરમ્યાન સ્નાન નહીં કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે એથી પણ પિરિયડ્સની સાઇકલમાં તકલીફ ઊભી થઈ શકે. માસિક ધર્મ દરમિયાન માનસિક સ્વાસ્થ્ય જળવાય રહે એ પણ અત્યંત જરૂરી છે જેથી અંતઃસ્રાવોનું પ્રમાણ જળવાઈ રહે. આ માટે પૂરતો આરામ કરવો, ગમતી પ્રવૃત્તિઓ કરવી તેમ જ બધાથી અલગ રહેવું સારું પરિણામ આપી શકે છે.’
અલગ રહેવાનાં કારણો?
આપણે ત્યાં ઘણા પરિવારોમાં જૂની પરંપરાના ભાગરૂપે મહિલાઓને અલગ રહેવાનું કહેવામાં આવે છે અને એને આભડછેટ સાથે જોડી દેવામાં આવ્યું છે. જોકે પિરિયડ્સ દરમ્યાન મહિલાઓને અલગ રાખવાનું લૉજિકલ કારણ જણાવતાં વૈદ્ય હેતલ કહે છે, ‘પ્રાચીન પરંપરામાં રજસ્વલા સ્ત્રીને ક્યાંય પણ ન જવાનું, રસોઈઘરમાં ન પ્રવેશવાનું કે પછી અન્ય જે પણ પ્રતિબંધ હતા એની પાછળનું સત્ય તે સ્ત્રીને સંપૂર્ણ આરામ મળી રહે એ હોઈ શકે, કારણ કે એ સમયમાં મહિલાઓ પર કૂવામાંથી પાણી લાવવું, ઘરમાં રહેલા ઓછામાં ઓછા પાંચથી આઠ સભ્યોની રસોઈ બનાવવી, શરીરને કષ્ટ પડે એવાં આકરાં ઘરકામ ઉપરાંત પતિની સંભોગની જરૂરિયાતોને પૂરી કરવા જેવી કેટલીયે જવાબદારીઓ હતી. એ સમયે દરેક વ્યક્તિ મહિલાઓની આ સમયગાળાની નબળી શારીરિક સ્થિતિને સમજી શકે એમ નહોતી. એ જોઈને વિદ્વાન ઋષિમુનિઓએ એને ધર્મ સાથે જોડી દીધી જેથી એનું પાલન કરાવવાનું આસાન બની ગયું. મૂળભૂત હેતુ પિરિયડ્સમાં રહેલી સ્ત્રીને સંપૂર્ણ આરામ મળે એ જ હતો, પરંતુ આગળ જતાં એ અંધવિશ્વાસ અને કટ્ટર રૂઢિ બની ગયા જેમાં હવે બદલાવો આવી રહ્યા છે.’
યાદ રાખજો આ સામાન્ય નિયમો
આયુર્વેદ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ. ભારે કામ, કસરત વગેરે ટાળવાં જોઈએ.
સરળતાથી પચી જાય એવો હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
મસાલેદાર, તળેલો, વાસી ખોરાક અને ભારે ભોજનથી દૂર રહેવું જોઈએ. દહીં, આથાવાળી વસ્તુઓ પણ ટાળવી.
પૂરતા પ્રમાણમાં હૂંફાળું પાણી પીવું જોઈએ.
તનાવ, ક્રોધ, શોક અને અન્ય નકારાત્મક લાગણીઓથી દૂર રહેવું જોઈએ. શાંત અને પ્રસન્ન વાતાવરણમાં રહેવું.
આ સમયગાળા દરમિયાન શારીરિક સંબંધો બાંધવાનું ટાળવું જોઈએ કારણ કે એ ચેપનું જોખમ વધારી શકે છે અને ગર્ભાશયને નુકસાન પહોંચાડી શકે છે.
દિવસ દરમિયાન ઊંઘ લેવાનું ટાળવું જોઈએ.
શુદ્ધ વસ્ત્રો પહેરવાં અને હાઇજીનનું ધ્યાન રાખવું.

