ભોજનનો સ્વાદ વધારતું ઘી આંતરિક સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે ત્યારે સૌંદર્યને વધારવા એનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદથી લઈને આધુનિક બ્યુટી-કૅરમાં ઘીના ઉપયોગને ચમત્કારિક માનવામાં આવ્યું છે. પાચનતંત્ર સુધારવાથી લઈને ડીટૉક્સ પ્રક્રિયામાં સહાય કરનારું ઘી ત્વચાના તેજને વધારીને એની ડલનેસને દૂર કરે છે. એમાંથી મળતાં વિટામિન A, D, E અને K શરીરના આંતરિક સ્વાસ્થ્ય માટે જેટલાં ફાયદાકારક છે એટલાં જ સ્કિન અને હેર માટે ગુણકારી છે.
બેનિફિટ્સ
ADVERTISEMENT
ઘીને ચહેરા પર લગાવવાથી એમાં રહેલાં ફૅટી ઍસિડ્સ ત્વચાને અંદરથી નરિશ કરે છે અને ડ્રાયનેસને દૂર કરીને નૅચરલ મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે. આ સાથે એ એજિંગ-પ્રોસેસને સ્લો કરીને ત્વચાને યંગ રાખવામાં પણ એ મદદ કરે છે. ઘીના ઉપયોગથી ત્વચાનું બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે જેને લીધે ત્વચા પર ચમક દેખાય છે. બારેમાસ હોઠ અને એડી ફાટવાની સમસ્યા ધરાવતા લોકો પણ નિયમિત રીતે ઘીનો મસાજ કરશે તો ઠીક થઈ જશે. ઘીમાં રહેલી હીલિંગ પ્રૉપર્ટીઝ ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે સૌથી વધુ કારગત છે. આ ઉપરાંત ખંજવાળ કે એક્ઝિમા જેવી સમસ્યામાં પણ સહાય કરે છે. ઘીને ચણાના લોટ અને હળદરમાં મિક્સ કરીને ફેસપૅક લગાવવાથી ચહેરાને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે. એનો ઉપયોગ લિપબામ તરીકે પણ કરી શકાય. ત્વચાની સાથે વાળ માટે પણ ઘી ફાયદાકારક છે. સ્કૅલ્પમાં ઘીનો મસાજ કરવાથી વાળના ફૉલિકલ્સને મજબૂત બનાવીને હેરગ્રોથ પ્રમોટ કરે છે અને ડૅન્ડ્રફને કન્ટ્રોલ કરીને નૅચરલ શાઇન વધારે છે. ઘી અને નારિયેળ તેલને મિક્સ કરીને હેરમાસ્ક બનાવીને લગાવવાથી વાળ સૉફ્ટ, મજબૂત અને સિલ્કી બને છે.

