પોતાની જાતની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરી દઈએ તો ઘણી તકલીફોમાંથી આપણે બહાર આવી શકીએ અને એ આપણને શીખવે છે સત્સંગ. સત્સંગ એટલે સારાનો સંગ.
પ્રતીકાત્મક તસવીર
વિજ્ઞાન અત્યારે કહે છે કે આપણા જેવા સાત લોકો આ પૃથ્વી પર છે. હોઈ શકે પરંતુ એ સાત લોકો ખાલી દેખાવમાં આપણા જેવા હોઈ શકે; સ્વભાવ, બુદ્ધિ, કુશળતા, કાર્ય, આ બધાંમાં એકસરખા ન હોય. એટલા માટે જરૂર એમ કહી શકાય કે મારા જેવું આ જગતમાં કોઈ નથી. પણ આ વાક્ય બોલતાં પહેલાં આપણા શબ્દોનું ચયન અને ધ્વનિ પર ખૂબ ભાર આપવો પડે, કારણ કે આ જ વાક્ય અહંકારના સંદર્ભમાં પણ બોલી શકાય, ભરોસાના સંદર્ભમાં પણ બોલી શકાય અને ભક્તિમાર્ગમાં પ્રપન્નતા એટલે કે શરણાગતિના સંદર્ભમાં પણ બોલી શકાય. જો આપણે આપણી જાતને કોઈના જેવા માનીએ છીએ તો એ સ્વાભાવિક સરખામણીનો ભાવ ઉત્પન્ન કરે, એ સરખામણી જો બીજા કરતાં હું ઘણો સારો છું એવા ભાવમાં આવી તો એ સહજ અહંકાર ઉત્પન્ન કરી શકે. જો કોઈ મારા કરતાં સારું છે એવા ભાવમાં આવે તો આપણે બીજાથી હીન છીએ એટલે કે સરેન્ડરની મેન્ટાલિટી ઉત્પન્ન કરી શકે.
આપણને કોઈ પણ રીતે આ સરખામણી નથી જોઈતી કારણ કે પરમાત્માએ આપણને બનાવ્યા છે, પછી આપણા જેવું બીજું કોઈ નથી બનાવ્યું. તો પોતાની સરખામણી બીજા સાથે શું કામ? એ સરખામણી તો ક્યાંક આપણાં સુખ-દુઃખનું કારણ નથીને એ પણ વિચારવાનું. એ સરખામણી મારો ખોટો કૉન્ફિડન્સ તો નથી વધારતી? મને અનવૉન્ટેડ, અનનેસેસરી ફિયર તો નથી આપતી? અથવા તો દ્વેષ, ઈર્ષા જેને આપણે ઇંગ્લિશમાં જેલસી કહીએ છીએ એ તો ઉત્પન્ન નથી કરાવતી? જો આ બધું ઉત્પન્ન થશે તો આપણું ચરિત્ર સકારાત્મક થવાને બદલે એટલે કે પૉઝિટિવ થવાને બદલે નકારાત્મક થતું જશે, નેગેટિવ થતું જશે અને નેગેટિવિટી એક ઘર બનાવશે પછી એમાંથી આપણને બહાર નીકળવું ઘણું અઘરું પડી જશે. આજે ભારતમાં બહુ જ દુઃખ સાથે એક વાત કહેવી પડે કે મનના રોગોના દરદીઓ દિવસે-દિવસે વધતા જાય છે. કોઈ કહેતું નથી કે હું મનનો રોગી છું. કારણ કે આપણી જોવાની પદ્ધતિ જરા વિચિત્ર છે, મનના રોગી વ્યક્તિને આપણે મેન્ટલી ચૅલેન્જ્ડ સમજી લઈએ છીએ જે સત્ય નથી. કોઈ ઘટના, સ્થિતિ, પરિસ્થિતિના આધારે કોઈ વિચાર જ્યારે મનમાં ઘર કરી જાય અને એ વિચારમાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળે ત્યારે દવાઓનો આશ્રય લેવો પડતો હોય છે. પરંતુ એ વ્યક્તિ મેન્ટલી ચૅલેન્જ્ડ છે એવું તો ન કહી શકાય. વીંછી કરડે છે એનો ઉપચાર આપણને મંજૂર છે પરંતુ એ ક્યાં છુપાયો છે એ જાણીને એને પકડીને બહાર ફેંકવાની આવડત આપણામાં નથી. એટલા માટે મનમાં ઘણાબધા વિચારો ઘર કરીને બેઠા છે. એમાં પણ વધારેમાં વધારે જો અત્યારે નકારાત્મકતા જોવા મળતી હોય તો આપણી જાતની બીજાની સાથે કમ્પૅરિઝન એટલે કે સરખામણી. જો આપણૉ આ સ્વભાવ હોય તો માત્ર ને માત્ર સરખામણી છોડી દો, પોતાની જાતની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરી દઈએ તો ઘણી તકલીફોમાંથી આપણે બહાર આવી શકીએ અને એ આપણને શીખવે છે સત્સંગ. સત્સંગ એટલે સારાનો સંગ.
ADVERTISEMENT
-આશિષ વ્યાસ

