જો તમારા ઘરમાં રેગ્યુલર વાર્ષિક ચેકઅપ થતું હોય તો ઉંમરને ધ્યાનમાં ન રાખતાં દરેક વ્યક્તિનો ડાયાબિટીઝ તો ચેક કરવો જ. ડાયાબિટીઝ ઘણો વ્યાપક છે અને વધુ ને વધુ દરદીઓ આ રોગ સાથે સામે આવી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
આમ તો ડાયાબિટીઝ એક સાયલન્ટ ડિસીઝ છે, પણ અમુક લક્ષણો ચોક્કસ છે જ જેના દ્વારા સમજી શકાય કે વ્યક્તિને કદાચ શુગર પ્રૉબ્લેમ હોઈ શકે છે. પણ અહીં એ વાત સમજવાની છે કે આ ચિહ્નો તો જ સમજી શકાય જો તમે તમારા શરીર અને એનાં લક્ષણો પ્રત્યે જાગૃત હો.પહેલું ચિહ્ન છે પાણી પીતા હોવા છતાં તમને સતત તરસ લાગ્યા કરે. ઘણી વખત એવું લાગે છે કે આપણે પાણી પીએ છીએ છતાં એમ લાગ્યા કરે છે કે હજી વધારે પીધા કરીએ. જો તમે હંમેશાં જેટલું પાણી પીતા હતા એના કરતાં અચાનક વધુ પીવા લાગો તો બને કે તમને ડાયાબિટીઝ હોય. બીજું ચિહ્ન એ છે કે વ્યક્તિને વારંવાર બાથરૂમ જવું પડે. જ્યારે પણ વ્યક્તિની શુગરમાં તકલીફ હોય છે ત્યારે એની પહેલી અસર યુરિન પર દેખાય છે. વારંવાર યુરિન પાસ કરવા માટે જવું પડતું હોય તો શુગર ચેક કરાવો. આ સિવાયનું એક ચિહ્ન છે એવો થાક જે અકારણ અને સતત લાગતો હોય તો ડાયાબિટીઝની ટેસ્ટ કરાવી જ લો. વળી જો તમને સતત ભૂખ લાગતી હોય તો પણ સાવધાન બનવું જોઈએ. ઘણી વાર એવું થાય છે કે વ્યક્તિને સતત ભૂખ લાગ્યા કરે છે. આ લક્ષણ ઘણી વાર નબળાઈનું પણ હોઈ શકે છે, પરંતુ જો તમે જમીને જ ઊઠ્યા હો અને એની ૧૦ મિનિટ પછી પણ તમને લાગે કે કંઈક ખાઈ લઉં તો આ ચિહ્ન અવગણવા જેવું તો નથી જ. આ સિવાય જો વગર કારણે વજન ઊતરવા લાગે તો ખુશ ન થઈ જાઓ. એક વાર શુગર પણ ચેક કરાવો. બીજું એ કે ઘા પર જલદી રૂઝ ન આવે એ ચિહન ડાયાબિટીઝનું ક્લાસિક ચિહન ગણાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટર પાસે જવું અને ટેસ્ટ કરાવવી. શુગર કન્ટ્રોલમાં આવે તો જ ઘા રૂઝાય છે. મહત્ત્વનું એ છે કે આ લક્ષણો માટે રાહ જોવાની નથી. રેગ્યુલર ચેકઅપ તો જરૂરી છે જ. એક સમય હતો જ્યારે અમે કહેતા કે ૫૦ વર્ષની ઉપરના લોકોએ રેગ્યુલર ટેસ્ટ કરાવવી. પછી ધીમે-ધીમે 3૫ વર્ષના લોકોને પણ કહેવા લાગ્યા કે ટેસ્ટ કરાવો. આજની તારીખે હું એટલું જ કહીશ કે હવે ઉંમરનો કોઈ બાધ રહ્યો જ નથી. ઊલટું આજકાલ તો બાળકો આ રોગનો ભોગ ન બને એની ચિંતા વધુ છે. તેમની પણ રેગ્યુલર ટેસ્ટ કરવી પડે એવો સમય આવી ગયો છે. જો તમારા ઘરમાં રેગ્યુલર વાર્ષિક ચેકઅપ થતું હોય તો ઉંમરને ધ્યાનમાં ન રાખતાં દરેક વ્યક્તિનો ડાયાબિટીઝ તો ચેક કરવો જ. ડાયાબિટીઝ ઘણો વ્યાપક છે અને વધુ ને વધુ દરદીઓ આ રોગ સાથે સામે આવી રહ્યા છે.

