આપણામાંથી લગભગ બધાને જ ખબર છે કે જન્ક ફૂડ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે કે કોલા ડ્રિન્ક્સ એક પ્રકારનું ઍસિડ છે જે આંતરડાને નુકસાન પહોંચાડે છે. પરંતુ જે રીતે આ સત્ય બધાને ખબર છે ભારતમાં તો બર્ગર અને કોલા ડ્રિન્ક્સનું વેચાણ બંધ થઈ જવું જોઈતું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આપણામાંથી લગભગ બધાને જ ખબર છે કે જન્ક ફૂડ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે કે કોલા ડ્રિન્ક્સ એક પ્રકારનું ઍસિડ છે જે આંતરડાને ખૂબ નુકસાન પહોંચાડે છે. પરંતુ જે રીતે આ સત્ય બધાને ખબર છે ભારતમાં તો બર્ગર અને કોલા ડ્રિન્ક્સનું વેચાણ બંધ થઈ જવું જોઈતું હતું. પરંતુ હકીકત એ છે કે આજે પણ દરેક દુકાને કોલા ડ્રિન્ક્સ વેચાય છે અને જન્ક ફૂડની રેસ્ટોરાં ધમધોકાર ચાલે છે. આવું શા માટે થાય છે કે હેલ્થ માટેની જાગૃતિ હોવા છતાં આપણે હેલ્થ માટે કંઈ કરતા નથી? એની સાઇકોલૉજી વિચારીએ તો વ્યક્તિ હંમેશાં અનુશાસનથી ભાગતી રહે છે કારણ કે એ રીતે જીવવું અઘરું છે. નિયમોનું પાલન કરવા માટે પોતાના પર અંકુશ રાખવો પડે છે, જે આજના લોકો માટે વધુ અઘરું છે. આજની બદલેલી સોસાયટીમાં ખોટી લાઇફ-સ્ટાઇલ જીવતા લોકો ઘણા વધારે છે અને તેમનો પ્રભાવ બીજા લોકો પર પડે છે. આ પ્રભાવથી બચવું મુશ્કેલ છે.
નીરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે આદર્શ રીતે ૧૭-૧૮ વર્ષથી જ હેલ્થની સંભાળ રાખવાનું શરૂ કરવું જોઈએ કારણ કે ત્યારે હૉર્મોન્સના ફેરફારો સાથે શરીરનું બંધારણ થઈ રહ્યું હોય છે. જો ત્યારથી વ્યક્તિ સાચી લાઇફ-સ્ટાઇલ અપનાવે, પોતાની ડાયટ પર ધ્યાન રાખે, ઊંઘ બરાબર લે અને ફિઝિકલી ઍક્ટિવ રહે તો હેલ્થને લગતી અનેક સમસ્યાઓને એ ટાળી શકે છે. પરંતુ જો એવું ન થાય તો કોઈ પણ વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં પોતાની હેલ્થ સારી રાખવી હોય તો ૩૨-૩૫ વર્ષની ઉંમરે જાગૃતિ આવી જ જવી જોઈએ કારણ કે મોટા ભાગે ૪૦ વર્ષે શરીરમાં આવતી તકલીફોની શરૂઆત ૩૫ વર્ષની ઉંમરથી જ થઈ જાય છે. આમ આ ઉંમર જાગ્રત થવા માટેની મૅક્સિમમ એજ છે કારણ કે શરીરનું એક વખત નુકસાન થવાનું શરૂ થઈ ગયું પછી વ્યક્તિ જાગૃત થાય તો પણ ખાસ ફરક પડતો નથી કારણ કે જે નુકસાન થઈ ગયું એને પાછું વાળી શકાતું નથી.
હેલ્થ માટે જાગૃત થવું એ કોઈ રૉકેટ સાયન્સ નથી. આપણી લાઇફ-સ્ટાઇલમાં થોડા જરૂરી ફેરફાર કરવામાં આવે તો હેલ્ધી જીવન જીવી શકાય છે. પ્રિઝર્વેટિવ્ઝવાળો ખોરાક, જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, આર્ટિફિશ્યલ ફ્લેવર્સવાળા ખોરાક ખાવાનું બંધ કરો. ઘરનું શુદ્ધ-સાત્ત્વિક ભોજન ખાઓ. દરરોજ ૧ કલાક કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો. રાત્રે ૮ વાગ્યા પછી જમો નહીં અને રાત્રે ૧૦-૧૧ વાગ્યે સૂઈ જ જાઓ. કુલ ૮ કલાકની ક્વૉલિટીવાળી ઊંઘ લો. સિગારેટ, આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહો. સાંભળવામાં અઘરી લાગતી લાઇફ-સ્ટાઇલને એક વખત જો આપણે અપનાવી લઈએ તો એના ફાયદાઓ જ એટલા મળશે કે આપણને આ લાઇફ-સ્ટાઇલ છોડવાનો વિચાર પણ નહીં આવે.

