જો કોઈ તકલીફ ન હોય તો પણ ૩૦ વર્ષની ઉપરની દરેક વ્યક્તિ આ ફેરફારોને ધ્યાનમાં રાખશે તો ભવિષ્યમાં આવનારા સાંધાના પ્રૉબ્લેમ માટે ઘણા ફાયદામાં રહેશે.
પ્રતીકાત્મક તસવીર
જે પણ વ્યક્તિને સાંધા, સ્નાયુ કે હાડકાંની તકલીફ છે, એ નબળાં પડ્યાં છે કે એમાં સોજો આવી જાય છે કે પછી સતત દુખ્યા કરે છે તેમને ફક્ત દવા કે સપ્લિમેન્ટ્સ લેવાથી ફાયદો નહીં થાય. એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે અને સાથે-સાથે તમારી ડાયટમાં જરૂરી ફેરફાર પણ જરૂરી છે. જો કોઈ તકલીફ ન હોય તો પણ ૩૦ વર્ષની ઉપરની દરેક વ્યક્તિ આ ફેરફારોને ધ્યાનમાં રાખશે તો ભવિષ્યમાં આવનારા સાંધાના પ્રૉબ્લેમ માટે ઘણા ફાયદામાં રહેશે.
દરેક પ્રકારનાં બીજ જેમ કે અળસીનાં બીજ, તલનાં બીજ, કોળાનાં બીજ, તખમરિયાં, ચિયાનાં બીજ, તરબૂચનાં બીજ, પોપી બીજ, સૂર્યમુખીનાં બીજ વગેરે જાતજાતનાં બીજ બજારમાં મળે છે. એને શેકીને એક ડબ્બામાં ભરી લો. જ્યારે ફ્રૂટ્સ ખાઓ ત્યારે સમારેલાં ફ્રૂટ્સ પર એક ચમચી બીજ છાંટીને ખાઈ શકાય છે. આ બીજને સવારમાં ઊઠતાંની સાથે પણ એક ચમચી લઈ શકાય છે. આખા દિવસમાં બે ચમચી આ બીજ ખાઈ લેવાં. દહીં જ્યારે જમાવેલું હોય ત્યારે એમાંથી થોડું દહીં ચમચીથી કાઢો ત્યારે એ દહીનું પાણી છૂટું પડે છે. આ પાણીમાં ભરપૂર પોષણ રહે છે. આ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ સિવાય વિટામિન B, વિટામિન C, સોડિયમ સારી માત્રામાં હોય છે. આ પાણી દિવસમાં ૫૦ મિલી. જેટલું પીવું. ફક્ત આ જ પાણી પીવું. એની છાશ બનાવીને પીશો તો એમાં પાણી પડશે અને એની અસર ઓછી થઈ જશે.
ADVERTISEMENT
ભીંડા જૉઇન્ટ પેઇનમાં ઘણા અસરકારક સાબિત થાય છે. જમ્યા પહેલાં બપોરે એક કાચો ભીંડો ખાઈ જવો. કાચો ભીંડો ઘણો ફાયદો કરે છે અને એક જ નંગ પણ બસ થઈ જશે. દરરોજ જમ્યા પહેલાં ભીંડો ખાવાથી ઘસારામાં ઘણો લાભ થાય છે. સ્ત્રીઓએ ૫૦ વર્ષની ઉંમર પછી કૅલ્શિયમની વધુપડતી કમીને પહોંચી વળવા માટે દરરોજની ડાયટમાં દૂધ અને દૂધની બનાવટો લઈ શકાય. આ સિવાય એક ચમચી તલ આખી રાત પલાળીને સવારે ખાઈ શકાય. સોયાબીનનો ઉપયોગ પણ મદદરૂપ થાય છે. પાલકમાં પણ સારી માત્રામાં કૅલ્શિયમ મળે છે. આ સિવાય છોલેમાં કૅલ્શિયમની માત્રા ઘણી સારી છે. જ્યારે સ્નાયુ અને હાડકાં નબળાં હોય ત્યારે ડાયટમાં પ્રોટીનની માત્રા પણ વધારવી જોઈએ. ખાસ કરીને શાકાહારી લોકો ફક્ત બપોરે એક ટંક દાળ ખાય છે. બાકીના સમયમાં પ્રોટીન જતું જ નથી. પ્રોટીનના નામે એક જ વાટકી દાળ ઘણી ઓછી પડે છે અને આ જ કારણ છે હાડકાં અને સ્નાયુઓ નબળાં પડવાનું. સવારે ઊઠીને નટ્સ, નાસ્તામાં સ્પ્રાઉટ્સ, બપોરે દાળ કે કઠોળ, રાત્રે પનીર કે દૂધ એવી રીતે દરેક ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો. એ તાકાત માટે જરૂરી છે.
-ધ્વનિ શાહ

