સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ પ્રમાણે સમોસા-જલેબી જેવી તેલ અને સાકર ધરાવતી આઇટમોની બાજુમાં વૉર્નિંગ લેબલ લગાડવાં પડશે એવા સમાચારે ચકચાર મચાવી હતી
પ્રતીકાત્મક તસવીર
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ પ્રમાણે સમોસા-જલેબી જેવી તેલ અને સાકર ધરાવતી આઇટમોની બાજુમાં વૉર્નિંગ લેબલ લગાડવાં પડશે એવા સમાચારે ચકચાર મચાવી હતી. જોકે ગઈ કાલે સરકારે સ્પષ્ટ કર્યું કે વૉર્નિંગ લેબલ નહીં પણ તેલ-સાકરના પ્રમાણની માહિતી સાથે ઍડ્વાઇઝ આપતાં બોર્ડ મૂકવાની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે. સરકારે વૉર્નિંગ નહીં પણ ઍડ્વાઇઝ આપી છે. જોકે આ પ્રકારની વાનગીઓથી થતા શારીરિક નુકસાનમાં કોઈ મીનમેખ નથી જ. આંખ મીંચીને જલેબી, સમોસા, વડાપાંઉ જેવી મેંદો, સાકર અને તેલથી લથપથ આઇટમો કેટલી જોખમી છે એ વિશે આજે કેટલાક હેલ્થ-એક્સપર્ટ પાસેથી જાણી લો
તાજેતરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે સમોસા, જલેબી જેવી તળેલી અને ભરપૂર સાકર હોય એવી આઇટમો વેચનારાઓએ એ આઇટમમાં સાકર અને તેલનું પ્રમાણ કેટલું છે એની સ્પષ્ટતા કરતું બોર્ડ પણ લગાવવું પડશે એવા સમાચાર ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે મીડિયામાં એ સમાચાર સરકારની વૉર્નિંગ તરીકે વહેતા થયા હતા અને ગઈ કાલે સાંજે ભારત સરકારના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી સરકારે એની સ્પષ્ટતા પણ કરી કે વૉર્નિંગ-લેબલ નહીં પણ ઍડ્વાઇઝ આપતા બોર્ડની જાહેરાત સરકારે કરી છે. ખેર, વૉર્નિંગ હોય કે ઍડ્વાઇઝ, મહત્ત્વની વાત એ છે કે ભારતીયોના આહારમાં વધેલા ચરબીયુક્ત ભોજનથી વધુ ને વધુ લોકો બીમાર પડી રહ્યા છે. ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ અને મેદસ્વિતા સાથે સંકળાયેલા હૃદયરોગ, ડાયાબિટીઝ, બ્રેઇન-સ્ટ્રોક, કૅન્સર જેવા જીવલેણ લાઇફસ્ટાઇલ ડિસીઝનું પ્રમાણ વધતું ચાલ્યું છે. આજે શહેરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર છે. હેલ્થ-એક્સપર્ટ સ્વીકારે છે કે મેદસ્વિતા સાથે જ ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, અમુક પ્રકારનાં કૅન્સર થાય છે અને વ્યક્તિની ઓવરઑલ ક્વૉલિટી લાઇફ ડિસ્ટર્બ થવાની સંભાવના વધે છે. જોકે તેલ અને શુગરયુક્ત આહાર ઓછા કરવા માટે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી લેવાયેલા સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્ણયનો વળતો જવાબ આપતાં જાણીતી ડાયટિશ્યન ઋજુતા દિવેકરે એમ કહ્યું કે સમોસા અને જલેબીને બદલે તેલમાં તળાયેલી ચિપ્સ, કોલ્ડ ડ્રિન્ક, કુકીઝ વગેરે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હેલ્થ માટે વધુ જોખમી છે અને સરકારે એના પર હાઈ ટેક્સ લગાવીને એનાથી થતા નુકસાન પર વૉર્નિંગ કમ્પલ્સરી લખાય એવા પ્રયાસ કરવા જોઈએ.
ADVERTISEMENT
ડૉ. અમી સંઘવી, ડાયબેટોલૉજિસ્ટ
ચર્ચા થઈ એ સારી વાત
સાકર, સૉલ્ટ અને તેલ અત્યારે લોકોની ડાયટમાં અકલ્પનીય રીતે વધી રહ્યાં છે અને આજે ડાયાબિટીઝના વધતા પેશન્ટમાં એનો રોલ ચોક્કસ છે. ૧૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં કન્સલ્ટન્ટ ડાયબેટોલૉજિસ્ટ ડૉ. અમી સંઘવી કહે છે, ‘જલેબી અને સમોસાનાં નામ આવ્યાં એટલે લોકો ચોંક્યા અને આ ચર્ચા શરૂ થઈ. અહીં માત્ર આ બે જ વસ્તુની વાત નથી પરંતુ ડીપ ફ્રાય થતી, શુગરનું મબલક પ્રમાણ ધરાવતી દરેક આઇટમની વાત છે. યસ, આ બધાનો જ અતિરેક લોકોની હેલ્થને જીવલેણ બીમારીઓ તરફ ધકેલી રહ્યો છે. આજે અમારી પાસે આવતા દરદીઓમાંથી મોટા ભાગના લોકોની લાઇફસ્ટાઇલ અને ખાસ કરીને ઈટિંગ હૅબિટ્સ એવી હતી જે તેમને ડાયાબિટીઝ તરફ ધકેલી ગઈ. સારી વાત એ છે કે હવે લોકો ડાયટ તરફ વળ્યા છે. હવે માત્ર ફૅટ નહીં પણ પ્રોટીન-ઇન્ટેકમાં શાકાહારી તરીકે શું ખાઈ શકાય એવું પૂછતા થયા છે. હું દરેકને એ જ કહીશ કે ધારો કે ક્યારેક તમે પંદર દિવસે એક વાર સમોસું ખાઈ લીધું તો એને કૉમ્પેન્સેટ કરતાં શીખો. દિવસના બીજા મીલમાં સિમ્પલ પ્રોટીનની માત્રા વધારે હોય એવું ફૂડ ખાઓ. મને લાગે છે કે સરકારના આ નિર્ણયથી લોકો હવે બેફામ ખાતાં તો અટકશે, કારણ કે એ તો દેખીતી વાત છે કે જો ઑઇલ અને શુગરવાળી વસ્તુઓ નિરંતર તમારી ડાયટનો હિસ્સો છે તો ડાયાબિટીઝ ઉપરાંત, હાર્ટ-અટૅક, પૅરૅલિસિસ, લિવરને લગતી બીમારીઓ આવી શકે. ડાયાબિટીઝની લાંબા ગાળે આંખો, કિડની પર અસર પડે અને જીવનભર માટે તમે એ વિશિયસ સર્કલમાં ફસાઈ જતા હો છો.’
ડૉ. ચેતન શાહ, કાર્ડિયોલૉજિસ્ટ
મુંબઈના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચેતન શાહ પણ આ વાત સાથે સહમત થાય છે. તેઓ કહે છે, ‘જો તમને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર છે અને તમે સમોસા વગેરે ખાઓ છો તો તમારી આર્ટરી એમાંથી મળતી ફૅટને ઍટ્રૅક્ટ કરશે. તમારા શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ વધશે અને ધીમે-ધીમે હૃદયની ધમનીઓની દીવાલ પર જમાવડો થવાથી ક્યારેક પણ હાર્ટ-અટૅક લાવશે. પહેલાં લોકો ખાતા ત્યારે હવા-પાણી જુદાં હતાં. આજ જેવું સ્ટ્રેસ-લેવલ નહોતું. આજ જેવી ભોજનમાં ભેળસેળ નહોતી. એટલે અમારા દાદા ખાતા અને તેમને તો કંઈ ન થયું એવું કહીને તમે ખાતા હો તો તમારી હેલ્થ સામે જોખમ જ ઊભું કરી રહ્યા છો.’
સુમન અગ્રવાલ, ડાયટિશ્યન
બન્ને વર્સ્ટ ફૂડ
મીઠાઈઓમાં ક્યારેય ન ખાવી જોઈએ એવી કોઈ મીઠાઈ હોય તો એમાં હું જલેબીનું નામ લઈશ અને ફરસાણમાં સમોસા પણ હેલ્થનું કચ્ચરઘાણ વળે એ જ રીતે બને છે... સેલિબ્રિટી ડાયટિશ્યન સુમન અગ્રવાલ ખૂબ જ સ્પષ્ટતા સાથે પોતાની વાતને આગળ વધારતાં કહે છે, ‘ભારતીયોની ડાયટ-પૅટર્ન ખરાબ થઈ ગઈ છે એટલે જ આજે રોગીઓનું પ્રમાણ પણ આપણે ત્યાં વધી રહ્યું છે. ડાયાબિટીઝ કૅપિટલ એમ ને એમ તો ભારત નહીં બની રહ્યું હોય. આપણે ત્યાં પ્રોટીન-ઇન્ટેકનો કન્સેપ્ટ ભુલાઈ ગયો છે. પહેલાં જે લક્ઝરી ફૂડ ગણાતું એ હવે રૂટીન ફૂડ બની ગયું છે. માન્યું કે સમોસા, જલેબી સદીઓથી ખવાય છે પરંતુ ત્યારના સંજોગો વિશે વિચારોને. એ જમાનામાં લોકો મહેનત પુષ્કળ કરતા અને ત્યારે લગ્નપ્રસંગોમાં જ આવી આઇટમ બનતી. એ સિવાય લોકો સિમ્પલ રોટલો અને શાક ખાતા. સમોસા ફૅટ અને કૉલેસ્ટરોલની દૃષ્ટિએ નહીં પણ ઓવરઑલ હેલ્થની દૃષ્ટિએ, હાઇજીનની દૃષ્ટિએ પણ જોખમી છે. મેંદાને વારંવાર ગરમ થયેલા ઊકળતા તેલમાં કડક ન થાય ત્યાં સુધી ફ્રાય કરો. એમાં આવતા બટાટા જેની શેલ્ફ-લાઇફ ઓછી હોય અને ખૂબ જલદી જેના પર બૅક્ટેરિયલ ગ્રોથ લાગતો હોય એનું સ્ટફિંગ હોય. સવારના બનેલા સમોસા તમે સાંજે ખાઓ ત્યારે એ નુકસાન ન કરે તો શું કરે? એક સમોસામાં લગભગ ૨૫૦ કૅલરી હોય જેને બર્ન કરવા માટે તમારે એક કલાક દોડવું પડે. એવી જ રીતે ૧૦૦ ગ્રામ જલેબીમાં ત્રણસોથી સાડાત્રણસો કૅલરી હોય. જલેબી તો વર્સ્ટ ફૂડ કહીશ હું, કારણ કે મેંદા અને જરાક ચણાના લોટને આથો લાવીને તેલમાં તળાય, એમાં કલર નખાય અને પછી ભયંકર શુગર ધરાવતી ચાસણીમાં ઉમેરાય. જલેબી ન જ ખવાય અને એમાં કોઈ એક્સક્યુઝ પણ નથી. સમોસા હજીયે કોઈક વાર ઘરમાં બનાવીને ફ્રેશ ખાઈ લો, એને શેકીને ખાઓ પણ જલેબી તો હું સાવ ના પાડીશ.’
ડૉ. રામાવતાર શર્મા આયુર્વેદનિષ્ણાત
ભારતીયોના આહારમાં પ્રોટીનની માત્રા ઓછી છે એ વાતને સ્વીકારતાં સુમન અગ્રવાલ કહે છે, ‘વર્ષોથી ખવાય છે એટલે જન્ક ફૂડ ન હોય એ માન્યતામાંથી બહાર આવવું જોઈએ. આ પણ જન્ક ફૂડ જ છે. એ જમાનાનું જન્ક ફૂડ. જન્ક ફૂડ કોઈક દિવસ સ્વાદ માટે ખવાય, એનાથી પેટ ન ભરાય. ધારો કે બાળકો આવું જ કંઈક માગતાં હોય તો ઑલ્ટરનેટ ગોતો. એના સ્ટફિંગમાં દાળ, વટાણા જેવી આઇટમ બટાટાની તુલનાએ વધારો. ડીપ ફ્રાયને બદલે ઍરફ્રાય કે બેક કરીને ખાઓ. ગળપણ ભાવતું હોય તો આપણે ત્યાં તો ઘણી હેલ્ધી મીઠાઈઓ છે. ખજૂરપાક, અંજીરપાક, બદામપાક, બેસનના લાડુ જેવું કેટલુંય છે જે જલેબી કરતાં ઘણા અંશે હેલ્ધી છે. તમારી ચૉઇસિસ બદલવાનો સમય આવી ગયો છે.’
આયુર્વેદની દૃષ્ટિએ?
ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના અસોસિએટ પ્રોફેસર અને રિસર્ચર ડૉ. રામાવતાર શર્મા આયુર્વેદનો દૃષ્ટિકોણ સમજાવતાં કહે છે, ‘આયુર્વેદમાં પાચન જ સર્વોપરી છે. ઋતુ પ્રમાણે વ્યક્તિની પાચનશક્તિમાં ફેરફાર આવે અને એ મુજબ આહાર પણ બદલાય. એ દૃષ્ટિએ સમોસા કે જલેબી જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે બિલકુલ એટલે બિલકુલ જ ન ખવાય. એ વિષ સમાન આહાર ગણાય. આયુર્વેદની દૃષ્ટિએ કોઈ પણ વસ્તુ પચે નહીં ત્યારે એ આમ ઉત્પન્ન કરે અને આમ શરીરમાં વિષની જેમ કામ કરતો હોય છે. હાઈ કૉલેસ્ટરોલ, હૃદયરોગ, મેદસ્વિતા વગેરે રોગો પચવામાં અઘરો કહેવાય એવા આહારના અપચાથી થઈ શકે છે. પેટનું સ્વાસ્થ્ય બગડે અને પછી ધીમે-ધીમે ઓવરઑલ લાઇફસ્ટાઇલ પણ બગડે. એમાં પણ અત્યારે વર્ષાઋતુમાં તો હેલ્ધી હોય એવા લોકોનો જઠરાગ્નિ પણ મંદ હોય છે. એટલે આ ઋતુમાં ગરમાગરમ ભજિયાં જેવી પચવામાં ભારે વસ્તુઓ સદંતર ટાળવી એવું આયુર્વેદ કહે છે. આપણી પરંપરામાં પણ આ ઋતુમાં શ્રાવણ માસ જેવા તહેવારો આવે છે, જે ઉપવાસ કરવા પ્રેરે છે એ સંપૂર્ણ વૈજ્ઞાનિક બાબત છે. આ સીઝન ખાવાની નહીં, પણ ઉપવાસ કરવાની છે.’

