Golden Temple Receives Bomb Threat: અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલને RDX વડે ઉડાવી દેવાની ધમકી; શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને સતત ત્રીજા દિવસે મળી ધમકી; મંદિર પરિસરમાં ડોગ સ્ક્વોડ તૈનાત; સુરક્ષામાં વધારો
અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલની ફાઈલ તસવીર
પંજાબ (Punjab)ના અમ્રિતસર (Amritsar)માં સ્થિત પ્રખ્યાત સુવર્ણ મંદિર (Golden Temple)ને સતત ત્રીજા દિવસે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી (Golden Temple Receives Bomb Threat) મળી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ને ત્રીજીવાર ધમકી મળી છે. મંદિર વહીવટીતંત્ર સતર્ક છે. સુરક્ષા તપાસ માટે સુવર્ણ મંદિર પરિસરમાં ડોગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. મંદિરમાં સુરક્ષા વધારવામાં આવી છે.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ને મળેલી આ ત્રીજી ધમકી છે. આ ધમકી SGPCના ઈમેલ પર આવી છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુવર્ણ મંદિરની અંદર RDX ભરેલી પાઈપોને બ્લાસ્ટ કરવામાં આવશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સચિવ પ્રતાપ સિંહે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સુરક્ષાના કારણોસર અધિકારીઓએ ધમકીભર્યા સંદેશની ચોક્કસ સામગ્રી જાહેર કરી નથી. સઘન તપાસ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) અને સ્નિફર ડોગ્સ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. SGPC અને અમ્રિતસર પોલીસ (Amritsar Police) બંને હાઈ એલર્ટ પર છે. સુવર્ણ મંદિર સંકુલની આસપાસ પોલીસ કર્મચારીઓ અને કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે વિસ્તારમાં પ્રવેશતા કે બહાર નીકળતા દરેક વ્યક્તિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સુવર્ણ મંદિર અને તેની આસપાસ બીએસએફ (BSF)ના જવાનો અને પોલીસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.
અગાઉ, સોમવાર અને મંગળવારે પણ અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી (Golden Temple Receives Bomb Threat)ઓ મળી હતી.
અહેવાલો અનુસાર, અમ્રિતસરના કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે પોલીસને એક ઈમેલ દ્વારા સુવર્ણ મંદિરમાં વિસ્ફોટની ધમકી મળી હતી.
સોમવારે, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને સુવર્ણ મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો. ત્યારબાદ, અધિકારીઓએ ગુરુદ્વારાની આસપાસ પોલીસ તૈનાત વધારી દીધી. અમ્રિતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે ઈમેલ દ્વારા મળેલી ધમકીની પુષ્ટિ કરી અને કહ્યું કે SGPCની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. આ ધમકી કોણે મોકલી તે હજી સુધી જાણી શકાયું નથી.
ભુલ્લરે વધુમાં કહ્યું કે, પંજાબ પોલીસ (Punjab Police)ની સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Cyber Crime Branch) અને અન્ય ટીમો બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલનારને શોધવા માટે તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ઈમેલ ધમકીના સ્ત્રોતને શોધવા માટે તપાસ ચાલુ છે. આ સાથે જ અધિકારીઓએ જનતાને ખાતરી આપી છે કે સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.
દરમિયાન, અમ્રિતસરના સાંસદ ગુરજીત સિંહ ઔજલા (Gurjeet Singh Aujla)એ આ કેસમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.

