આજે લોકો જાગ્રત થયા છે એટલે જ વ્યક્તિને જો છાતીમાં પેઇન થાય તો તે તરત ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવડાવે છે
પ્રતીકાત્મક તસવીર
આજે લોકો જાગ્રત થયા છે એટલે જ વ્યક્તિને જો છાતીમાં પેઇન થાય તો તે તરત ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવડાવે છે, પરંતુ ઘણી વાર હાર્ટમાં તકલીફ હોવા છતાં એ ECGમાં પકડાતું નથી. ECG નૉર્મલ આવે એટલે વ્યક્તિને લાગે છે કે હવે તેને કશું નથી. આ કઈ પરિસ્થિતિ છે જેમાં ECG નૉર્મલ આવી શકે અને આવું થાય ત્યારે શું કરવું એ આજે જાણી લો
૩૯ વર્ષના હિમાંશુભાઈ જિમમાં હતા. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ એક્સરસાઇઝમાં રેગ્યુલર થઈ ગયા હતા. દરરોજ જિમ જવાનું રૂટીન તેમણે જાળવી રાખેલું. છેલ્લાં પાંચ વર્ષમાં દસેક વાર તેમણે લોકોને હાર્ટ-અટૅકના શિકાર થતા જોયા હતા. બે-ત્રણ કિસ્સા તો જિમમાં જ બન્યા હતા કે ટ્રેડમિલ પર દોડતા-દોડતા લોકો ફસડાઈ પડ્યા હોય. બાકી પોતે ૩૦ વર્ષના હતા ત્યારે પપ્પાને આવેલો હાર્ટ-અટૅક અને એને લઈને થયેલા કૉમ્પ્લીકેશને તેમને ખૂબ ડરાવી દીધેલા. એટલે જ તેમણે યુવાન વયે પોતાનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. ડાયટ એકદમ યોગ્ય કરી હતી. એક્સરસાઇઝનું રૂટીન બનાવ્યું હતું. ઘરમાં જ હાર્ટ-અટૅક થયો હોવાને કારણે ઘણીબધી પ્રોસીજર તેમને ખબર જ હતી. કઈ ટેસ્ટ કરાવવી જોઈએ, કઈ રીતે હાર્ટને હેલ્ધી રાખવું જોઈએ, કયાં ચિહ્નો હોય તો ચેતવું આ બધા પર તેમનું પોતાનું રિસર્ચ હતું અને જાણકારી પણ. વચ્ચે તો એવું થયું હતું કે કોઈના ઘરમાં હાર્ટ-અટૅક આવે તો લોકો હિમાંશુભાઈની સલાહ લેતા કે હવે શું કરવું. એક દિવસ સવારથી જ થોડું અનઈઝી લાગતું હોવા છતાં રૂટીન જાળવવા માટે તેઓ જિમ તો ગયા. જિમમાં એવું થયું કે એક્સરસાઇઝ કરતી વખતે તેમને એકદમ જ દુખાવો ઊપડ્યો. છાતીમાં સહી ન શકાય એવો દુખાવો. તે એકદમ બેસી ગયા. પરસેવો વળી ગયો. બે મિનિટ તેમની હાલત ખરાબ થઈ ગયેલી એવું તેમને લાગ્યું. બેઠા, પાણી પીધું અને થોડી મિનિટોમાં કળ વળી એટલે ઊભા થયા. તેમને લાગ્યું કે કાલે જે છોલે-ભટુરે ખાધા હતા એને કારણે થયું હશે. ટ્રેઇનરે તેમને રેસ્ટ કરવાનું કહ્યું એટલે ઘરે ગયા. ઘરેથી તૈયાર થઈને ઑફિસ જતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે આ દુખાવો હાર્ટ-સંબંધિત તો નથીને? જ્યારે તેમણે પત્નીને ફોન કરી પૂછ્યું તો તેણે કહ્યું કે તમે વધુપડતું જ વિચારો છો, આટલી ચિંતા ન કરો. છતાં મન ન માન્યું એટલે એક સેન્ટર પર કાર પાર્ક કરી તેમણે ECG કઢાવ્યો. જેણે ECG કાઢ્યો હતો એ સેન્ટરવાળાને જ તેણે પૂછ્યું કે ECG કેમ છે? ECG એકદમ નૉર્મલ આવ્યો. ECG નૉર્મલ જોઈને તેમને હાશકારો થયો અને તે કામ પર લાગી ગયા. આ એપિસોડના ૨૦ દિવસની અંદર હિમાંશુભાઈને હાર્ટ-અટૅક આવ્યો. સારી વાત એ હતી કે માઇનર હતો, મેજર નહોતો. આ આખા કેસમાં આટલા જાગ્રત હોવા છતાં હિમાંશુભાઈની શું ભૂલ હતી એ આજે સમજવાની કોશિશ કરીએ.
ADVERTISEMENT
હાર્ટ-અટૅક અને એનો ડર
જે પ્રમાણે ભારતમાં હાર્ટ-ડિસીઝ ફેલાયેલો છે અને યુવાન વયે પણ આ રોગ થઈ રહ્યો છે ત્યારે એના વિશે જાગૃતિ હોય એ સહજ છે. હોવી જ જોઈએ. જ્યારે પણ આપણે સાંભળીએ કે એક યુવાન વ્યક્તિને હાર્ટ-અટૅક આવી ગયો ત્યારે એક ડર કે ગભરામણ આપણી અંદર ઘર કરે એ સહજ છે. એમાં પણ જેમના ઘરમાં હાર્ટ-ડિસીઝ છે તેમને એ ડર વધુ સતાવે છે. હાર્ટ-અટૅક આવતા પહેલાં શરીર અમુક ચિહ્નો દર્શાવે છે એ બાબતે જાગૃતિ હોવી જરૂરી છે એવું ડૉક્ટર્સ કહેતા હોય છે. એમાં મુખ્ય ચિહ્ન છાતી, પીઠ, હાથમાં ઊઠતું અસહ્ય દર્દ છે. આવું થાય ત્યારે ડૉક્ટર્સ કહે છે કે તમે તાત્કાલિક ECG કરાવી લો. આ સલાહને સમજાવતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલ, પરેલના કાર્ડિયોલૉજી વિભાગના ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘હાર્ટ બ્લૉકેજિસને કારણે જરા પણ અસરગ્રસ્ત થાય તો અમુક ચિહ્નો દર્શાવે છે. એમાં એક મુખ્ય ચિહ્ન છે આ પ્રકારનું એકદમ જ ઊઠતું પેઇન, જે થોડી ક્ષણોમાં શમી જાય છે. વધુમાં એક કે બે મિનિટ જેટલું આ પેઇન હોય છે. પણ એ એટલી વારમાં જ વ્યક્તિને એકદમ તમ્મર આવી જાય એવું બને કારણ કે એ પેઇનની તીવ્રતા વધારે હોય છે. આવું ચિહ્ન જો તમારી સામે આવે તો તાત્કાલિક ECG કરાવવાનું સૂચન અમે લોકોને આપીએ છીએ.’
લિમિટેશન
પરંતુ પ્રૅક્ટિકલી થાય છે શું, આવાં જ લક્ષણ હાર્ટ-અટૅક વખતે પણ હોય છે. જ્યારે વ્યક્તિને અટૅક હોય ત્યારે એ પેઇન લાંબું ચાલે અને તેને તાત્કાલિક હૉસ્પિટલ જઈને ECG કરાવીએ એટલે ખબર પડે કે વ્યક્તિને હાર્ટ-અટૅક આવ્યો છે. પરંતુ જ્યારે તમને હાર્ટ-અટૅક નથી, ફક્ત એનું ચિહ્ન દેખાય છે ત્યારે એવું થતું નથી એ સમજાવતાં ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘જ્યારે એના ચિહ્નરૂપી પેઇન દેખાય ત્યારે એ ચિહ્ન થોડી ક્ષણો માટે જ રહે છે. એ સમયે તાત્કાલિક વ્યક્તિ ECG માટે ભાગી શકતી જ નથી. એના પછી તે થોડી મિનિટ આરામ કરે એટલે સારું લાગે છે. પછી તેના મગજમાં એવું આવે છે કે હવે કંઈ નથી. જો તમે એટલા જાગ્રત હો અને લાગે કે કંઈક તો વધુ પેઇન હતું એટલે લાવ, ચેક કરાવું. એમ કરીને જો ECG કઢાવવા જાઓ તો કશું ન આવે અને ECG એકદમ નૉર્મલ આવે એવું બને કારણ કે પેઇન ચાલુ હોય ત્યારે જો તમે ECG કઢાવો તો જ એમાં ખરાબી પકડાય. એક વખત એકદમ નૉર્મલ થઈ ગયા પછી ECG કઢાવો તો એમાં કોઈ ખરાબી પકડાય નહીં એવું પણ બની શકે છે. આ એ ટેસ્ટનું લિમિટેશન છે.’
ડૉક્ટરને મળવું જરૂરી
તો કરવું શું એ બાબત સમજાવતાં ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘જ્યારે પેઇન ઊઠે એટલે જેટલું જલદી જઈ શકાય એટલું જલદી ECG કઢાવવો. જો એમાં કંઈ ખરાબી આવે તો-તો ડૉક્ટર પાસે જવાનું જ છે, પરંતુ જો ન પણ આવે તો પણ એક વખત ડૉક્ટરને મળવું જરૂરી છે. જે પ્રકારનું ચિહ્ન તમે અનુભવ્યું એને લઈને એક વખત તમારા કાર્ડિયોલૉજિસ્ટ સાથે વાત કરો. તેમને તમારો કઢાવેલો ECG પણ બતાવો. ક્લિનિકલી ચેક કરીને તમારા ડૉક્ટરને જરૂર લાગશે તો તે તમને CT ઍન્જિયોગ્રાફી કે બીજી જરૂરી ટેસ્ટ કરવાનું સૂચવશે. અહીં ભૂલ એ જ છે કે લોકો પોતે ECG કઢાવીને પૂછી લે છે કે ECG બરાબર આવ્યો કે નહીં. એવું ૧૦૦ ટકા ઘણા કેસમાં બનતું હોય છે કે ECG નૉર્મલ હોય, કારણ કે એ શરીરની નૉર્મલ અવસ્થા વખતે લેવામાં આવ્યો છે. જો બ્લૉકેજને પહેલાં પકડવાં હોય, હાર્ટ-અટૅકથી બચવું હોય તો પેઇન થાય એ પછી ફક્ત ECG કરાવવાથી પતતું નથી. ECG નૉર્મલ હોય એમ છતાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે એ સમજવું.’
ECG - ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
આ ટેસ્ટ હાર્ટની ઇલેક્ટ્રિક ઍક્ટિવિટીની નોંધ લે છે જેના દ્વારા હૃદયના ધબકારા અને એ ધબકારાની ગતિ એટલે કે એના રિધમ વિશે માહિતી મળે છે. હાર્ટની પરિસ્થિતિ જાણવા માટે કરવામાં આવતી આ એક તદ્દન બેઝિક ટેસ્ટ છે. એ જ્યારે કરાવો ત્યારે એ સમયના હાર્ટની પરિસ્થિતિ સૂચવે છે. હાર્ટ-અટૅક આવવા પહેલાંની પરિસ્થિતિમાં અમુક સમયે જ હાર્ટ પર બ્લૉકેજિસની અસર દેખાતી હોય છે. એ અસર કાયમી બને તો અટૅક આવે. જ્યારે એ અસર ન હોય ત્યારે જો ECG કર્યો તો એ નૉર્મલ આવે છે. એનો અર્થ એ નથી કે તમારા હાર્ટમાં કોઈ તકલીફ છે જ નહીં, તમને બ્લૉકેજિસ છે જ નહીં. એનો અર્થ ફક્ત એ છે કે તમારું હૃદય જ્યારે ટેસ્ટ કરાવી ત્યારે યોગ્ય રીતે ચાલી રહ્યું છે.

