અરે, હું ડૉક્ટર છું. માન મારું, આ લક્ષણોનાં ઘણાં કારણો હોય : સૉરી સર, પણ ગૂગલ સાથે તમારું ડાયગ્નૉસિસ મૅચ નથી થતું
પ્રતીકાત્મક તસવીર
૧૩ વર્ષથી ૨૭ વર્ષના યુવાનો જ્યારે દરદી બનીને કન્સલ્ટેશન માટે આવે ત્યારે તેમને કઈ રીતે હૅન્ડલ કરવા એ જ આજના ડૉક્ટરોનો સૌથી મોટો પડકાર બનતો જાય છે. જેન-ઝીને કારણે આજના ડૉક્ટરોએ બદલાવું પડ્યું છે. કઈ રીતે તેઓ આ સ્માર્ટનેસ અને ડમ્બનેસ વચ્ચે ઝોલાં ખાતી નવી પેઢીને ટૅકલ કરે છે એ જાણીએ
શું કરું, તેમના પરના પ્રેશરને સમજવા આખરે મારે ઇન્સ્ટાગ્રામ પર આવવું જ પડ્યું : સોનલ જાની, સાઇકોલૉજિસ્ટ
ADVERTISEMENT
કૉલેજના વિદ્યાર્થીઓનું બે વર્ષ સુધી કાઉન્સેલિંગ કરનારાં અને જેન-ઝી એટલે કે ૧૯૯૭ પછી જન્મેલી પેઢીને કાઉન્સેલ કરનારાં અને નિયમિતપણે આ પેઢીના યુવાવર્ગને કાઉન્સેલ કરતાં સોનલ જાનીએ છેલ્લાં ત્રણેક વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવીને એને ઑબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું છે. સોનલબહેન કહે છે, ‘મારી પાસે એનો કોઈ પર્યાય જ નહોતો. પર્સનલી મને સોશ્યલ મીડિયા પર રહેવું જરાય ન ગમે, પણ આજની પેઢીના માનસને સમજવા માટે એ જરૂરી લાગ્યું. મારી પાસે ઘણા એવા પેશન્ટ આવે જેમને લાઇક્સ ઓછી આવી હોય અને ઍન્ગ્ઝાયટી અટૅક આવે. પર્સનલ ફ્રન્ટ પર ઘણાને એવું લાગે કે એમાં શું મોટી વાત છે? જોકે જેન-ઝી માટે એ મોટી વાત છે. પ્લસ તમે તેમને ડાયરેક્ટ્લી કોઈ સલાહ આપો એ તેઓ ક્યારેય નહીં સ્વીકારે. તેઓ સ્માર્ટ છે. તેમને શીખવવાનો, સમજાવવાનો તરીકો પણ જુદો છે. તેમનામાં સોશ્યલ સ્કિલ નબળી છે. તેમના જીવનની અપડેટ્સ ડિજિટલ થઈ રહી છે. તેમને પોતાની આસપાસ સાથે કોઈ નિસબત નથી. તેમના જીવનની દિશા તેમના ફેવરિટ ઇન્ફ્લુઅન્સરના આધારે નક્કી થાય છે અને એમાં જ તેમનાં સુખદુઃખ પણ સમાયેલાં છે. એટલે જેન-ઝીને સમજવા માટે સોશ્યલ મીડિયાનું વિશ્વ સમજવું આજના ડૉક્ટર, કાઉન્સેલર્સ માટે અનિવાર્ય થઈ પડ્યું છે.’
બીજા એક મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરતાં સોનલબહેન કહે છે, ‘આ પેઢી પાસે ધીરજ છે જ નહીં. ઓછી છે એવું કહેવું યોગ્ય નહીં ગણાય. ધીરજ નથી એટલે કાઉન્સેલિંગ પ્રોસેસ સ્લો છે. જ્યારે સાઇકોથેરપી ચાલતી હોય ત્યારે સાઇકોલૉજિસ્ટનો ગોલ હોય કે એ વ્યક્તિને એમ્પાવર કરો કે તેની મેન્ટલ ક્લૅરિટી વધે અને તે પોતાનાં સોલ્યુશન પણ જાતે ગોતે. જોકે એ જર્ની પાર નથી કરી શકતા એ લોકો કારણ કે માંડ બે સેશનમાં જ તેમની ધીરજ ખૂટી ગઈ હોય. તેમને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. એ એક બહુ જ મોટો પડકાર છે. સ્ટ્રેસ, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, પૅનિકનેસ, ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ, આઇસોલેશન જેવી ઘણી સાઇકોલૉજિકલ સમસ્યાઓ છે જેની સામે જેન-ઝી ઝઝૂમી રહી છે. જોકે એમાંથી બહાર લાવવા માટે તમે તેમની મદદ કરવા ઇચ્છો તો પણ એટલી રાહ જોઈ શકે એવી ધીરજ તેમનામાં નથી. બીજા નંબરે, તેમના પોતાના હીલિંગના ફન્ડા છે. તેમને હીલ કરનારા તેમના આદર્શો સોશ્યલ મીડિયા પર છે. એવામાં તમારો સપોર્ટ સ્વીકારવા માટે તેમને સમય લાગે છે.’
જેન-ઝીને જો તમે કહેશો તો નહીં પરંતુ માર્ગદર્શન આપશો તો જ તમારું માનશેઃ યોગિતા ગોરડિયા, ડાયટિશ્યન
‘જેન-ઝી પેશન્ટ તરીકે આવે તો તેમને ટૅકલ કરવાનું કામ પડકારજનક લાગે?’ સ્વાલ પૂછતાં જ પચીસ વર્ષથી ડાયટિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતાં યોગિતા ગોરડિયાના મનની વાત બહાર આવે છે. તેઓ વાતની શરૂઆત કરતાં જ કહે છે, ‘અરે તમે તો મારા દિલની વાત કરી લીધી. આ વિષય પર તો હું બે કલાક સુધી બોલી શકું એમ છું. આ નવી પેઢીના જ પોતાના પડકારો છે એટલે સ્વાભાવિક રીતે તેમની સાથે ટ્રીટમેન્ટની દૃષ્ટિએ ડીલ કરતા હોઈએ તો કેટલીક ચૅલેન્જિસ હોવાની જ. આજે વીસથી પચીસ ટકા દરદીઓ મારી પાસે પચીસ વર્ષથી નાની ઉંમરના આવે છે. એક વર્ગ એવો છે જેઓ ક્યાંક ને ક્યાંક પોતાની જાતથી ખુશ નથી. તેઓ અંતર્મુખી બની ગયા છે અને એકલા રહીને સોશ્યલ મીડિયામાં પોતાને ખોઈ રહ્યા છે. બીજો વર્ગ છે જે હાઇલી કૉન્ફિડન્ટ અને હાઇલી ઍરોગન્ટ છે. મોટા ભાગે આવા એક્સ્ટ્રીમ જ તમને જોવા મળે. મારી પાસે આવતા દરદીઓની સામાન્ય ફરિયાદ હોય વજન ઘટાડવું અથવા તો વધારવું, હેર અથવા સ્કિન ઇશ્યુ હોય, પિમ્પલ્સ થતાં હોય. કેટલાક એવા છે જેમને ખૂબ સારા જ દેખાવું છે અને કેટલાક એવા કૅરફ્રી છે કે તેમને કેવા લાગે છે એનાથી ફરક જ નથી પડતો. તેમના ગોલ્સ એ રીતે હેલ્થને લઈને ક્લિયર હોય છે. તેઓ મોટા ભાગનું રિસર્ચ કરીને જ આવ્યા હોય છે. એટલે તમે તેને ડાયટનું ભાષણ આપો કે ફલાણું ખાવું અને ન ખાવું કે ઓવરઑલ ડાયટના મહત્ત્વની ચર્ચાઓ કરશો તો નહીં સાંભળે. તેમનો ફંડા ક્લિયર છે, જલદી કહો હું શું ખાઉં. તમે તેમને કહેશોને કે પાંચ દિવસ નકોરડા ઉપવાસ અને પછી કારેલાના જૂસ પર રહેવાનું તો એ પણ તેઓ કરશે. તેઓ રિઝલ્ટ-ઓરિયેન્ટેડ ડિસિપ્લિનમાં માને છે. તેમને જોઈતા પરિણામ માટે તેઓ ડેડિકેટેડ હોય છે. ધારો કે કોઈ એક પાર્ટી માટે તેમણે વજન ઘટાડવાનું નક્કી કર્યું હોય કે કોઈ પ્રસંગમાં ફલાણો ડ્રેસ પહેરી શકે એ માટે તેઓ ડાયટ કરવા માગતા હોય તો ત્યાં સુધી તેઓ આકરામાં આકરી વસ્તુઓ પણ એક દિવસના ખાડા વિના કરી આપશે, પરંતુ પછી હતા ત્યાંના ત્યાં. તેમને તમારે સાથે લઈને ચાલવું પડે.’
ઇન્ટરનેટ પર તેઓ જે વાંચે એને જ સાચું માને અને એ સૌથી મોટો પડકાર છે : ડૉ. કેયૂર દવે, નેફ્રોલૉજિસ્ટ
અંધેરીમાં ક્લિનિક ધરાવતા નેફ્રોલૉજિસ્ટ અને કિડની અસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડૉ. કેયૂર દવે એ વાત સ્વીકારે છે કે જેન-ઝી સાથે ડીલ કરવાનું કામ અઘરું છે અને દરેકના બસની વાત નથી. ડૉ. કેયૂર કહે છે, ‘જેન-ઝીને તમે કહો એ પહેલાંથી જ બધી ખબર છે કે તેને શું થયું છે. તે પોતાના ડાયગ્નૉસિસ સાથે જ તમારા ક્લિનિકમાં પગ મૂકતા હોય છે. તેઓ તો પહેલાં તમારી પરીક્ષા લેતા હોય છે અને તેમણે ઇન્ટરનેટ પર મેળવેલી અધકચરી માહિતીને સાચી માનીને જ તેઓ તમારા શબ્દોને જજ કરતા હોય છે. એટલે યસ, ડૉક્ટર તરીકે કહીશ કે નવી પેઢીના એ ઍટિટ્યુડ સામે તેમને સમજાવવા અને સાચા રસ્તે વાળવાનું કામ ચૅલેન્જિંગ છે. બધા ડૉક્ટરો એ કરી પણ નથી શકતા કારણ કે એ સમય માગી લેતી વાત છે. ઘણી વાર એવું બને કે કોઈ જેન-ઝી પેશન્ટને કન્સલ્ટ કરતો હોઉં ત્યારે વિચાર આવે કે કિડનીનો ડૉક્ટર હું છું કે આ ભાઈ છે? ઇન્ટરનેટ તેમનો ભગવાન હોવાથી હવે ડૉક્ટરોએ પણ અધકચરી માહિતીઓના મારા વચ્ચે સાચી માહિતી સાથે ઇન્ટરનેટ પર આવવું જરૂરી બન્યું છે. સાવ મામૂલી બાબતમાં પણ તેઓ ગંભીર બીમારી સમજીને દોડતા આવે અને પછી તમે કહો કે નેટ પર ભલે હોય, પણ રિયલિટીમાં આટલાં લક્ષણો બીજી તકલીફનાં પણ હોઈ શકે અને એ સામાન્ય પ્રૉબ્લેમ છે તો તે ન માને. બીજી બાજુ, આ પેઢીની લાઇફસ્ટાઇલ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમને કિડનીને લગતા પ્રૉબ્લેમ્સ પણ વધ્યા છે. બાર-તેર વર્ષની દીકરીના ચાર-પાંચ બોયફ્રેન્ડ અને બધા સાથે જ ફિઝિકલ રિલેશન હોય; બાર-તેર વર્ષની ઉંમરે દારૂ, વેપિંગ વગેરે કરી રહ્યા હોય; કૅફીનયુક્ત ડ્રિન્કનું પાણીની જગ્યાએ સેવન કરનારાઓ પણ છે જેણે તેમની હેલ્થને ખરાબ કરવાનું કામ કર્યું છે; પરંતુ તેમને સૉલ્યુશન આપવામાં તમારે ધીરજ રાખવાની છે, કારણ કે તેમનામાં ધીરજ નથી પણ પોતાને તેઓ અડધા ડૉક્ટર જ સમજે છે.’
એક દાખલો આપતાં યોગિતાબહેન કહે છે, ‘મારી પાસે ૧૩ વર્ષનો છોકરો ડાયટ માટે આવે છે. દર ૧૦ દિવસે આવવાનું એટલું મેં તેને કહ્યું છે. તારે શું ખાવું એ હું તને નહીં કહું, તું નક્કી કર; એમાં જરૂરી ચેન્જિસ હું તને કરી આપીશ આવું કહ્યું એ પછી તેણે ડાયટ શરૂ કરી. તેમને જ પૂછો. તેમને પૂછી-પૂછીને તેમની પાસેથી જાણો અને પછી તેમને સલાહ ન લાગે એ રીતે સ્માર્ટ્લી તેમની જ પાસે તેમની સમસ્યાનું સૉલ્યુશન લખાવો કારણ કે ઍડ્વાઇઝ અને થોપી બેસાડવામાં આવેલી વાતો તેઓ અનુસરવાના જ નથી. તેઓ અતિશય સ્ટ્રેટફૉર્વર્ડ છે. તેમની સાથે સ્પષ્ટ રહેવાની તમારી તૈયારી હશે તો તેમને ટ્રીટ કરવાનું પણ ઈઝી થશે.’

