નોકિયાના જૂના ફોનના પગલે ખબર પડી કે આમિર ખાન નામની આ વ્યક્તિનું ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ થયું હશે, ઘરમાંથી ડીમોનેટાઇઝ થયેલી કરન્સી નોટો મળી આવી
હૈદરાબાદમાં વર્ષોથી બંધ ઘરમાં ક્રિકેટનો બૉલ શોધવા જતાં હાડપિંજર મળી આવ્યું
તેલંગણની રાજધાની હૈદરાબાદના વ્યસ્ત એવા નામપલ્લી વિસ્તારમાં આશરે ૭ વર્ષથી બંધ રહેલા ઘરમાંથી માનવ-હાડપિંજર મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. એક સ્થાનિક વ્યક્તિ આ ઘરમાં પડેલો ક્રિકેટ બૉલ લેવા માટે ગઈ ત્યારે તેણે કથિત રીતે હાડપિંજર જોયું હતું અને એનો વિડિયો ઉતારીને ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો હતો. પોલીસની એક વિશેષ ટીમે ઘરની મુલાકાત લીધી હતી અને વધુ તપાસ માટે ફૉરેન્સિક નમૂનાઓ એકઠા કર્યા હતા.
આ હાડપિંજર શોધી કાઢનારી વ્યક્તિએ તૈયાર કરેલા વિડિયોમાં ઘરના રસોડાના ફ્લોર પર હાડપિંજર નીચે મોં કરીને પડેલું જોઈ શકાય છે. એની આસપાસ ઘણાં વાસણો પડેલાં જોઈ શકાય છે.
ADVERTISEMENT
આ કેસ સંદર્ભમાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP) કિશન કુમારે જણાવ્યું હતું કે ‘આ ઘર મુનીર ખાન નામની વ્યક્તિનું હતું, જેને ૧૦ બાળકો હતાં. તેમનો ચોથો પુત્ર આમિર ખાન અહીં રહેતો હોવાનું કહેવાય છે, જ્યારે બાકીના અન્યત્ર રહેવા ગયા હતા. આમિર ખાન કદાચ ૫૦ વર્ષનો હતો. તે એકલો રહેતો હતો અને કદાચ માનસિક રીતે અસ્વસ્થ હતો. તે થોડાં વર્ષોથી મૃત્યુ પામ્યો છે. તેનાં હાડકાં પણ તૂટેલી અવસ્થામાં મળી આવ્યાં છે. ઘરમાંથી નોકિયાનો જૂનો ફોન મળી આવ્યો છે જે હાડપિંજરની ઓળખ કરવામાં સહાયભૂત થઈ શકે છે. આમિરના પિતા મુનીરની જૂની અને રદ કરાયેલી ચલણી નોટો પણ મળી આવી હતી. અમને સંઘર્ષનાં કોઈ ચિહનો કે લોહીનાં નિશાન મળ્યાં નથી. આ કુદરતી મૃત્યુ હોઈ શકે છે. હવે અમે વધુ જાણવા માટે સંબંધીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

