પોતાના જ નહીં, સંબંધીઓ પાસેથી લીધેલા પૈસા પણ સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના પંચાવન વર્ષના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરને શૅરમાર્કેટમાં ટ્રેડિંગ કરીને ટૂંક સમયમાં ૮૦૦ ટકા નફો આપવાની લાલચ આપીને ૭૧,૩૮,૪૯૦ રૂપિયા સાઇબર છેતરપિંડીમાં પડાવી લેવામાં આવ્યા છે. કલ્યાણ-વેસ્ટમાં રહેતા આ એન્જિનિયરની ફરિયાદ ગઈ કાલે મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. એન્જિનિયરે વધારે પ્રૉફિટની લાલચમાં સતત બે મહિના સુધી સાઇબર ગઠિયાઓએ આપેલા બૅન્ક-ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. પોતાની પાસે પૈસા પૂરા થઈ જતાં તેણે પોતાના સંબંધીઓ પાસેથી પૈસા લઈને સાઇબર ગઠિયાને આપ્યા હતા. દરમ્યાન પોતાના પૈસા પાછા મેળવવા જતાં સાઇબર છેતરપિંડીનો ખુલાસો થયો હતો.
મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સોપાન નાંગ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MSEDCLના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરને એપ્રિલ મહિનાના અંતમાં વૉટ્સઍપ પર રિયા નામની યુવતીનો મેસેજ આવ્યો હતો જેમાં ટૂંક સમયમાં વધુ પ્રૉફિટ કમાવા વિશેની લાલચ આપવામાં આવી હતી. એની વધુ માહિતી મેળવવા માટે સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે રિયા દ્વારા વૉટ્સઍપ પર આવેલી લિન્ક પર ક્લિક કરતાં તેઓ તાતા કૅપિટલ મનીફાઇ નામના વૉટ્સઍપ-ગ્રુપમાં જૉઇન થયા હતા. એ ગ્રુપમાં બીજા મેમ્બરો દ્વારા રોજ ટૂંક સમયમાં ૧૦૦૦થી ૧૨૦૦ ટકાનો નફો થયો હોવાની માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી. દરમ્યાન ઍડ્મિન પાસેથી માહિતી લેતાં તેણે રોકાણ પાછળ ઓછામાં ઓછો ૮૦૦ ટકાનો નફો થતો હોવાની જાણકારી આપી હતી. એ જોતાં લાલચમાં આવેલા સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે ૧૦ મેથી ૬ જુલાઈ સુધીમાં વિવિધ બૅન્ક-ખાતાંઓમાં આશરે પચાસ લાખ રૂપિયા ૨૯ ટ્રાન્ઝૅક્શનમાં મોકલી દીધા હતા. ત્યાર બાદ સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે પોતાના પૈસા અને પ્રૉફિટના પૈસા પાછા મેળવવા જતાં તેમને સર્વિસટૅક્સ ભરવા માટેનું કહીને બીજા ૨૧,૩૮,૪૯૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. એમ ૭૧,૩૮,૪૯૦ રૂપિયા ભર્યા બાદ પણ એક રૂપિયો પણ પાછો ન મળતાં છેતરપિંડીનો ખુલાસો થતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયરે મોટા પ્રૉફિટની લાલચમાં મોટા ભાગની રકમ તેના સંબંધીઓ પાસેથી લીધી હોવાની માહિતી તેણે અમને આપી છે.’

