બાળપણમાં ચાલી નહોતા શકતા, પુત્રના મૃત્યુ પછી ૮૯ વર્ષની ઉંમર બાદ દોડવાનું શરૂ કર્યું, ૧૦૦ વર્ષની ઉંમરે ફુલ મૅરથૉન પૂરી કરનારા સૌથી મોટી ઉંમરના દોડવીર બન્યા, ૧૦૧ વર્ષની ઉંમરે વર્લ્ડ-રેકૉર્ડ બનાવ્યો
ફૌજા સિંહ
વિશ્વવિખ્યાત મૅરથૉન-રનર ૧૧૪ વર્ષના ફૌજા સિંહનું સોમવારે પંજાબના જાલંધર જિલ્લામાં માર્ગ-અકસ્માતમાં અવસાન થયું હતું. તેઓ સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે તેમના ગામ બિયાસમાં ફરવા નીકળ્યા હતા ત્યારે રસ્તો ક્રૉસ કરતી વખતે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓને કારણે તેમને જાલંધરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સાંજે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેની હજી સુધી ઓળખ થઈ નથી.
ફૌજા સિંહ પર ‘ધ ટર્બન્ડ ટૉર્નેડો’ પુસ્તક લખનારા લેખક ખુશવંત સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ખુશવંત સિંહે સોશ્યલ મીડિયા પર ફૌજા સિંહના મૃત્યુ પર શોક વ્યક્ત કરીને લખ્યું હતું કે મારો પગડીવાળો ટૉર્નેડો હવે રહ્યો નથી.
ADVERTISEMENT
ફૌજા સિંહ કોણ છે?
ફૌજા સિંહ પાઘડીધારી ઝંઝાવાત તરીકે વિશ્વભરમાં જાણીતા હતા. તેઓ ૧૯૧૧માં પંજાબના એક નાના ગામમાં જન્મ્યા હતા. તેઓ પાંચ વર્ષની ઉંમર સુધી ચાલી શકતા નહોતા. બ્રિટનમાં સ્થાયી થતાં પહેલાં તેઓ ભારતમાં ખેડૂત તરીકે કામ કરતા હતા. વર્ષો સુધી બ્રિટનમાં રહ્યા પછી પણ તેઓ હિન્દી કે અંગ્રેજીને બદલે ફક્ત પંજાબી બોલતા હતા. તેમને અફસોસ હતો કે તેઓ અંગ્રેજી બોલી કે લખી શકતા નથી. તેઓ આ ઉંમરે પણ માત્ર સક્રિય નહોતા, યુવાનો માટે પ્રેરણાસ્રોત પણ રહ્યા હતા. તેમના મૃત્યુ સાથે દેશે માત્ર એક મૅરથૉન-રનર જ નહીં, પરંતુ એક જીવંત પ્રેરણાસ્રોત ગુમાવ્યો છે.
ફૌજા સિંહનાં શૂઝ - એક પર લખ્યું છે ફૌજા અને બીજા પર સિંહ.
અનેક વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા
ફૌજા સિંહે વિવિધ વયશ્રેણીઓમાં અનેક વિશ્વવિક્રમો તોડ્યા છે. લંડન મૅરથૉન (૨૦૦૩) માટે તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ સમય છ કલાક બે મિનિટનો છે અને ૯૦ વર્ષથી વધુ વયજૂથ માટેનો તેમનો શ્રેષ્ઠ સમય ૨૦૦૩ ટૉરોન્ટો વૉટરફ્રન્ટ મૅરથૉનમાં પાંચ કલાક ૪૦ મિનિટનો છે જે ૯૨ વર્ષની ઉંમરે તેમણે બનાવ્યો હતો. ફૌજા સિંહને વિશ્વભરમાં ટર્બન્ડ ટૉર્નેડો, રનિંગ બાબા, સિખ સુપરમૅન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કહેતા હતા કે આનંદનો પીછો કરવામાં, હેતુ સાથે સાજા થવામાં અને દંતકથા બનવામાં ક્યારેય મોડું થતું નથી.
પુત્રના મૃત્યુના પગલે દોડવાનું શરૂ કર્યું
૮૯ વર્ષની ઉંમરે તેમના પુત્રના મૃત્યુના શોકમાં તેમણે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માટે દોડવાનું શરૂ કર્યું અને દુઃખ અને ધૈર્ય વચ્ચે ક્યાંક તેમને મહાનતા મળી. ૧૦૦ વર્ષની ઉંમરે તેઓ પૂર્ણ મૅરથૉન પૂરી કરનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા હતા. ૧૦૧ વર્ષની ઉંમરે તેમણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો અને વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપ્યા પછી નિવૃત્ત થયા હતા. બાળપણમાં ચાલી ન શકતા હોવાથી લઈને શતાબ્દી સુધી ૧૦ મૅરથૉન દોડવા સુધી ફૌજા સિંહની સફર આપણને યાદ અપાવે છે કે એ તમારા જીવનનાં વર્ષો નથી, પરંતુ તમારાં વર્ષોમાં જીવન છે. ફૌજા સિંહે લંડન, ટૉરોન્ટો, ન્યુ યૉર્ક, મુંબઈ અને હૉન્ગકૉન્ગમાં મૅરથૉન દોડી હતી.

