પ્રકૃતિ તરફ પાછા વળવાના માર્ગ તરીકે જાણીતી ઉપચાર પદ્ધતિ નેચરોપથીમાં દવા પણ કુદરત જ છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ફેવરિટ અને આજકાલ લોકોમાં રિજુવિનેશન થેરપી તરીકે આકર્ષણ જમાવી રહેલી આ ઉપચાર પદ્ધતિની ખાસંખાસ વાતો જાણીએ
પ્રતીકાત્મક તસવીર
મહાત્મા ગાંધી નેચરોપથીના પ્રબળ હિમાયતી હતા. તેઓ માનતા કે શરીર પોતે જ સ્વસ્થ થવાની શક્તિ ધરાવે છે અને પ્રકૃતિની મદદથી આ શક્તિ વધુ મજબૂત બની શકે છે. આજના સમયમાં ફરી એક વાર નેચરોપથીનું મહત્ત્વ વધી રહ્યું છે. લોકો નેચરક્યૉર સેન્ટરોમાં જઈને ડીટૉક્સ કરે છે, જીવનશૈલી સુધારે છે અને શરીરને રિજુવિનેટ કરવાનું પ્રિફર કરી રહ્યા છે. આજે નેચરોપથી ડે છે ત્યારે જાણીએ કે ફરી એક વાર પ્રકૃતિ સાથે જોડાવાની તક આપતી આ ઉપચાર પદ્ધતિ શું છે અને કઈ રીતે કામ કરે છે.
કઈ રીતે ખાસ?
ADVERTISEMENT
નેચરોપથી હકીકતમાં કોઈ ચમત્કારી ઇલાજ નથી; એ શરીર, મન અને જીવનશૈલીને પ્રકૃતિ સાથે સંતુલિત રાખવાનો એક સરળ સિદ્ધાંત છે એમ જણાવીને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપથીના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. કે. સત્યલક્ષ્મી કહે છે, ‘નેચરોપથીમાં પ્રકૃતિએ જે આપ્યું છે એને એના મૂળ સ્વરૂપે ઉપયોગમાં લેવું. નેચરોપથી એટલે નૅચરલ વે ઑફ લાઇફ. તમને કોઈ હેલ્થ ઇશ્યુઝ હોય તો પ્રકૃતિ જેનાથી બની છે એ પંચ તત્ત્વોના ઉપયોગથી જ સારવાર અપાય જેમાં સર્જરી કે કેમિકલનો ઉપયોગ નથી થતો હોતો. પ્રોસેસ થયેલી વસ્તુઓનો ઉપયોગ નથી થતો હોતો. શરીરને પ્રકૃતિ સાથે જોડીને સેલ્ફ-રીસ્ટોરેશન એટલે કે જાતે સાજા થવાની તક આપવી એ નેચરોપથી છે. એમાં જે સારવાર સમાયેલી છે જેને નેચરક્યૉર કહી શકો. હજી સરળ ભાષામાં કહેવું હોય તો એક જ કહીશ કે તમે તમારા શરીરને સાંભળો. ભૂખ લાગે ત્યારે ખાઓ. તરસ લાગે ત્યારે પાણી પીઓ. થાક લાગે ત્યારે આરામ કરો. જ્યારે શરીરને સાંભળવાનું શરૂ કરશો ત્યારે ઘણુંબધું રીલર્ન એટલે કે ફરીથી શીખવું પડશે અને ઘણુંબધું અનલર્ન પણ કરવું પડશે.’
શું કામ પૉપ્યુલર?
નેચરોપથીની વધી રહેલી લોકપ્રિયતા પાછળનું કારણ જણાવતાં ડૉ. સત્યલક્ષ્મી કહે છે, ‘આધુનિક જીવન ઝડપભર્યું છે. તનાવ, અનિયમિત ખોરાક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ શરીર પર બોજ મૂકે છે. લોકો હવે એવું કંઈક શોધી રહ્યા છે જે સરળ પણ અસરકારક હોય. નેચરોપથીમાં દવાઓ પર અત્યંત આધાર રાખ્યા વગર, શરીરનું સ્વાભાવિક સંતુલન પાછું લાવવા પર ભાર છે. બીજું એ છે કે નેચરક્યૉર સેન્ટરોમાં રહેવાની રીત વ્યક્તિને પોતાના શરીર સાથે ફરી જોડે છે. ડિજિટલ બ્રેક, સ્વચ્છ આહાર, સવારે વહેલી સવારમાં ચાલવું, નૅચરલ ઉપચાર – આ બધાથી શરીર હળવું અને મન તાજું લાગે છે.’
જરાય અઘરું નથી
નેચરોપથી કોઈ ટ્રેન્ડ નથી, એ પ્રકૃતિ પર આધારિત જૂની જીવનશૈલી છે. જો આપણે પ્રકૃતિ સાથે થોડું વધારે જોડાઈએ તો રોજિંદા જીવનમાં પણ ઘણો ફેર આવે છે. શરીર હળવું બને છે, મન શાંત થાય છે અને જીવન થોડું વધુ સરળ લાગે છે. જોકે પ્રકૃતિના રસ્તે ચાલવું અઘરું છે એવું ઘણા કહેતા હોય છે પરંતુ એ હકીકત નથી. ડૉ. કે. સત્યલક્ષ્મી ઉમેરે છે, ‘નેચરોપથી અઘરું નથી. બન્યું છે એ કે હવે આપણે કૃત્રિમ જીવનશૈલીના બંધાણી બની ગયા છીએ કે આપણને નેચરલ જીવવું અઘરું લાગવા માંડ્યું છે. નેચરોપથી ઉપવાસની વાત કરે છે. હવે તમે વિચારો ભોજનમાં વધુ જફા છે કે ભૂખ્યા રહેવામાં? ભોજન બનાવવું પડે. એના માટે કેટકેટલું કરવું પડે પરંતુ ઉપવાસ કરવાનો તો હોય તો તમે તદ્દન ફ્રી રહી શકો. ભોજન માટે તમારે પરાવલંબી રહેવું પડે, ઉપવાસમાં તમે સંપૂર્ણ સ્વાવલંબી છો. શરીરને જેમ ભોજનની જરૂર છે એમ શરીરના અવયવોને ઉપવાસની પણ જરૂર છે. મજાની વાત એ છે કે હવે અમે રિસર્ચ થકી આ બધું જ પ્રૂવ કરી રહ્યા છીએ. ભારત સરકારની રિસર્ચ કાઉન્સિલ છે જે નેચરોપથી અને યોગના સંદર્ભમાં વિવિધ થેરપ્યુટિક બેનિફિટ્સ પર અભ્યાસ કરે છે. પાણી થકી, માટી થકી, સૂર્યના પ્રકાશ થકી અમે સારવાર કરીએ છીએ જે ખરા અર્થમાં શરીરને રિજુવિનેટ કરવાનું કામ કરે છે. નેચરોપથી રોગનો ઇલાજ નથી કરતી પરંતુ તમારી શરીર પોતે જ એટલું સક્ષમ છે કે એ પોતે જ દરેક દર્દની દવા જાણે છે. નેચરોપથી શરીરની સક્ષમતાને વધારવાનું કામ કરે છે. બૉડીનાં ઇન્ટરનલ ઑર્ગન્સને તંદુરસ્ત કરવાનું કામ કરે છે.’
સ્વસ્થ રહેવાના ગોલ્ડન નિયમ
મોટા ભાગની દરેક ઉપચાર પદ્ધતિમાં આ બાબતે સરખી માન્યતા છે અને એનાં કારણ છે એમ જણાવીને ડૉ. કે. સત્યલક્ષ્મીજી કહે છે, ‘નેચરોપથીમાં ત્રણ બાબતો પર ખૂબ ધ્યાન અપાયું છે જે તમારી ઓવરઑલ હેલ્થને સારી રાખવાનું કામ કરશે. એક છે ભૂખ લાગે ત્યારે ખાઓ અને પ્રોસેસ કર્યા વિનાનો આહાર લો. તમે ભૂખ લાગે એ પહેલાં જ માત્ર ટાઇમ ટેબલને સાચવવા કે આદતવશ ખાઈ લો છો ત્યારે પહેલાં આહાર પચ્યા વિના રહે છે અને નવો લોડ વધતાં લાંબા ગાળે એ સમસ્યા ઉત્પન્ન કરે છે. જેમ કે તમે ભાત રાંધતા હો અને ચોખા ચડ્યા જ ન હોય એ પહેલાં તમે બીજા ચોખા નાખી દો તો શું થાય? બસ, એવું શરીરમાં પણ થાય. પ્રકૃતિના નિયમો બધે જ સરખા છે. જેમ ચોખા ચડાવવા તમે ગૅસ કે સ્ટવનો ઉપયોગ કરો છો અને એ એક અગ્નિ છે એમ પેટમાં પણ અગ્નિ છે. બીજા નંબરે રાતના સમયે પૂરતી ઊંઘ લો. અહીં આઠ કલાકની કે ફિક્સ અવર્સની ઊંઘની વાત નથી, અહીં વાત છે રાત્રિ નિદ્રાની. સવારે સાતથી સાંજે સાત બાર કલાકની ઊંઘ લેશો એના કરતાં સવારની ઊંઘ મહત્ત્વની છે. ત્રીજા નંબરે શરીરને પણ ચલાવવું પડે મશીનની જેમ. એને કસરત આપો. પ્રકૃતિના દરેક તત્ત્વમાં મૂવમેન્ટ છે અને શરીર જો પ્રકૃતિનું બનેલું હોય તો એને પણ મૂવમેન્ટ જોઈએ.’
સંશોધન પર ભાર
સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન યોગ ઍન્ડ નેચરોપથી (CCRYN) દ્વારા નેચરોપથી અને ન્યુરોપથીની શરીર, મન અને વિવિધ રોગો પર થતી અસરો પર સંશોધનો થઈ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે નેચરોપથીને ‘પ્રિવેન્ટિવ મેડિસિન’ તરીકે સ્વીકારી રહ્યું છે તેમ જ ‘ઇન્ટિગ્રેટિવ કૅર મૉડલ’ અને ક્લિનિકલ-રિસર્ચ પર વધુ ભાર મુકાય છે. એટલે કે ડાયાબિટીઝમાં મૉડર્ન મેડિસિન સાથે નેચરોપથીનું સંયોજન કઈ રીતે દરદીને અનુકૂળ બની શકે એના પર રિસર્ચ થઈ રહ્યું છે. વધતી ઉંમર સાથે આવતી બીમારીઓ અને લાઇફસ્ટાઇલ ડિસીઝમાં નેચરોપથી સારું પરિણામ આપે છે.
આ કારણો નેચરોપથીને બનાવે છે ખાસ
આ પદ્ધતિ માને છે કે શરીર એના સ્વભાવથી સ્વ-ઉપચારક છે. શરીર પાસે પોતાને ઠીક કરવાની કુદરતી શક્તિ છે. નેચરોપથી આ શક્તિ પર વિશ્વાસ રાખે છે અને એને સંકટમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
પ્રકૃતિ શ્રેષ્ઠ ઉપચારક છે. જે પ્રકૃતિએ શરીર બનાવ્યું છે એનામાં શરીરને પુષ્ટ રાખવાની ક્ષમતા પણ છે જ. પાણી, હવા, સૂર્યપ્રકાશ, માટી અને આહાર. આ પાંચ તત્ત્વોને સુમેળમાં રાખવાં એ નેચરોપથીનો આધાર છે.
રોગનું મૂળ કારણ શોધવું જરૂરી છે. માત્ર લક્ષણોનું નહીં, પણ શરીરમાં અસંતુલન ક્યાંથી શરૂ થયું છે એને શોધીને સુધારવાનો પ્રયત્ન થાય છે.
જીવનશૈલીમાં નાના બદલાવ ઊંડી અસર કરે છે. નિયમિત ચાલવું, યોગ્ય ઊંઘ, સમયસર ખાવું, શુદ્ધ અને સાત્ત્વિક આહાર, માનસિક શાંતિ. આ બધું નેચરોપથીના કેન્દ્રમાં છે.
ઉપચાર સરળ અને કુદરતી હોય છે. પાણીના ઉપચાર, મડ પૅક, સૂર્યસ્નાન, યોગ, પ્રાણાયામ, ફળ-શાક આધારિત આહાર. આ બધું શરીરને અનુકૂળ છે અને લાંબા ગાળે ફાયદો કરે છે.


