આપણે વાત કરી રહ્યા છીએ એડમામેની, જે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝમાં તો વર્ષોથી પૉપ્યુલર છે. આજે ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના વિશે વિગતવાર
પ્રતીકાત્મક તસવીર
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ કહી ચૂકી છે કે એડમામે તેમની ડાયટનો એક ભાગ છે. એડમામે જપાની ક્વિઝીનનું લોકપ્રિય ઍપેટાઇઝર છે. ખાસ કરીને વેજિટેરિયન અને વીગન ડાયટ ફૉલો કરતા લોકો માટે એ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે. એડમામે શું છે અને કયા હેલ્થ-બેનિફિટ્સ એની સાથે સંકળાયેલા છે એ વિશે મુલુંડનાં ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી પાસેથી તેમના જ શબ્દોમાં વધુ માહિતી મેળવી લઈએ...
એડમામે શું છે?
ADVERTISEMENT
સોયાબીનની કાચી, લીલી અને તાજી ફળીને એડમામે કહેવામાં આવે છે. આ ફળીની અંદર દાણા હોય છે જેને વિવિધ પ્રકારની વાનગીમાં નાખીને કે પછી સ્ટીમ-બૉઇલ-રોસ્ટ કરીને સ્નૅક્સ તરીકે ખાવામાં આવે છે. જપાન, ચીન, દિક્ષણ કોરિયા જેવા દેશોમાં એડમામેનું સેવન વર્ષોથી થતું આવ્યું છે. અમેરિકા અને યુરોપમાં પણ એ છેલ્લાં અમુક વર્ષોથી સુપરફૂડ તરીકે ઓળખાતું થયું છે. ભારતમાં પણ ઘણા સમયથી અમુક વર્ગમાં એડમામે પૉપ્યુલર છે.
હેલ્થ-બેનિફિટ્સ શું?
એડમામેમાં બધા ૯ એસેન્શિયલ અમીનો ઍસિડ્સ હોય છે જે શરીર જાતે બનાવી શકતું નથી. એટલે એડમામેને પ્રોટીનનો કમ્પ્લીટ સોર્સ ગણવામાં આવે છે. ખૂબ ઓછા પ્લાન્ટ-બેઝ્ડ ફૂડમાં આ ક્વૉલિટી હોય છે. શરીરના દરેક સેલ્સને પ્રોટીનની જરૂર હોય છે. જિમમાં જતા લોકો તેમની ડાયટમાં એડમામેનો સમાવેશ કરે તો તેમના મસલ્સની રિકવરી સારી રીતે થાય છે. એડમામેમાં રહેલું ઇનસૉલ્યુબલ ફાઇબર બૉવેલ મૂવમેન્ટને સ્મૂધ બનાવે છે, જેથી કબજિયાતમાંથી રાહત મળે છે. એવી જ રીતે એમાં રહેલું ફાઇબર પ્રી-બાયોટિક્સની જેમ કામ કરીને આપણા ગટમાં ગુડ બૅક્ટેરિયા વધારવાનું કામ કરે છે, જે પાચન સુધારવાની સાથે ઇમ્યુનિટી સુધારે છે અને હાર્ટની હેલ્થ તથા મેન્ટલ હેલ્થ સારી રાખે છે. એડમામે વેઇટલૉસ કરવામાં પણ મદદ કરી શકે છે. એમાં રહેલું હાઈ ફાઇબર અને પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને ખાવાનું ક્રેવિંગ ઓછું કરે છે. એડમામેની કૅલેરી પણ ઓછી હોય છે. એડમામે કૉલેસ્ટરોલના લેવલને મૅનેજ કરવામાં પણ મદદરૂપ બને છે. એમાં રહેલું સૉલ્યુબલ ફાઇબર અને સોયા પ્રોટીન બૅડ કૉલેસ્ટરોલને ઘટાડે છે. એવી જ રીતે બ્લડ-શુગરના લેવલને મૅનેજ કરવામાં પણ એડમામે મદદરૂપ બને છે. એમાં રહેલું હાઈ ફાઇબર અને પ્રોટીન બ્લડ-ગ્લુકોઝના લેવલને ઝડપથી વધતું રોકવામાં મદદ કરે છે. એડમામેમાં રહેલું પોટૅશિયમ સોડિયમ લેવલને રેગ્યુલેટ કરવામાં મદદ કરીને બ્લડ-પ્રેશર ઘટાડે છે. એડમામેમાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને વિટામિન K હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. એમાં રહેલાં ઑન્ટિ-ઑક્સિડન્ટ્સ ઑક્સિડેટિવ સ્ટ્રેસથી શરીરના સેલ્સને નુકસાન પહોંચતું બચાવીને ડાયાબિટીઝ, કૅન્સર, હૃદયસંબંધિત બીમારીનું જોખમ ઘટાડે છે અને એજિંગ પ્રોસેસ એટલે કે વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. સાથે જ એમાં રહેલાં ઑન્ટિ-ઑક્સિડન્ટ્સ અને હેલ્ધી ફૅટ્સ ઇન્ફ્લમેશન એટલે કે ઇન્ફેક્શન, ઇન્જરી, સ્ટ્રેસ વગેરે કારણોસર શરીરમાં સોજો થઈ ગયો હોય તો એને ઘટાડવામાં મદદરૂપ બને છે. એડમામેમાં રહેલું ફોલેટ શરીરમાં નવી કોશિકાઓના નિર્માણ અને હૉર્મોન-સંતુલનમાં મદદ કરે છે. પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS)માં એ ઓવ્યુલેશન સુધારવામાં અને ફર્ટિલિટી વધારવામાં લાભદાયક હોય છે.
સોયાબીનથી કેટલું અલગ?
એડમામે અને સોયાબીન એક જ છોડમાંથી આવે છે; પણ બન્નેની કાપણીનો સમય, સ્વાદ, પોષણ અને ઉપયોગમાં લેવાની રીત અલગ હોય છે. એડમામે લીલી અને તાજી ફળી હોય છે, જ્યારે સોયાબીન કઠોળ હોય છે. એડમામેનો સ્વાદ સ્લાઇટલી સ્વીટ હોય છે, જ્યારે સોયાબીનનો સ્વાદ હલકો નટ્સ જેવો હોય છે. એડમામેને ડાયરેક્ટ સ્ટીમ કરીને, બાફીને કે રોસ્ટ કરીને ખાઈ શકાય છે; પણ સોયાબીનને પહેલાં પાણીમાં છથી આઠ કલાક માટે પલાળીને પછી જ બાફીને ઉપયોગમાં લઈ શકાય છે. એડમામે અને સોયાબીનનાં પોષક તત્ત્વોમાં પણ થોડો ફરક હોય છે. એડમામેની સરખામણીમાં સોયાબીનમાં વધુ પ્રોટીન હોય છે, જ્યારે એડમામેમાં ઑન્ટિ-ઑક્સિડન્ટ્સ વધુ હોય છે. સોયાબીનની સરખામણીમાં એડમામે પચવામાં પણ હળવાં હોય છે.
કોણે સાવચેતી રાખવી?
અહીં એ વાતનું ધ્યાન રાખવું કે એડમામે સોયાબીનનો જ એક પ્રકાર છે એટલે જે લોકોને સોયાની ઍલર્જી હોય તેમણે એ ખાવાનું ટાળવું. એવી જ રીતે થાઇરૉઇડની સમસ્યા હોય એ લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ એડમામેનું સેવન કરવું જોઈએ. સાથે જ IBS એટલે કે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની સમસ્યા હોય એ લોકોએ એડમામે સાવચેતીથી ખાવું જોઈએ, કારણ કે એમાં રહેલું હાઈ ફાઇબર તકલીફ આપી શકે છે.
ક્યાં મળે?
ભારતમાં એડમામે લોકલ શાકભાજી માર્કેટમાં જોવા નથી મળતાં. સુપરમાર્કેટ અને ઑનલાઇન ગ્રોસરી સ્ટોરમાં એ ઉપલબ્ધ હોય છે. અહીં તમને ફ્રોઝન એડમામે આરામથી મળી જશે. એ સિવાય વિવિધ પ્રકારની ફ્લેવર્સમાં રોસ્ટેડ એડમામે સ્નૅક્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. તમે ઈવનિંગ ટાઇમ સ્નૅક્સમાં એને ઍડ કરી શકો.
કઈ રીતે ખાઈ શકાય?
એડમામેને તમે સ્ટીમ કરીને, બાફીને એમાં મીઠું અને કાળા મળી ભભરાવીને ખાઈ શકો છો. તમે ઇચ્છો તો એમાં ચાટ મસાલો, લીંબુનો રસ, મરચું ઍડ કરીને પણ ખાઈ શકો. તમે એડમામેને સૅલડરૂપે પણ ખાઈ શકો. બાફેલાં એડમામેમાં કાકડી, ટમેટું, કાંદો, લીંબુ, મીઠું, કાળા મરી, મરચું ઍડ કરી બધાને સરખી રીતે મિક્સ કરીને ખાઈ શકો. વટાણાની જેમ તમે એડમામેનું શાક બનાવીને પણ ખાઈ શકો. તમે એડમામેને રોસ્ટ કરીને પણ ખાઈ શકો. નૉન-સ્ટિક પૅનમાં જરાક તેલ નાખીને ગરમ કરો અને એમાં એડમામે નાખીને એને ધીમા તાપે ૧૦-૧૨ મિનિટ સુધી લાઇટ ગોલ્ડન અને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. એની ઉપર તમે તમારી પસંદનો મસાલો નાખીને એને સ્નૅક તરીકે એન્જૉય કરી શકો. એડમામેનો સૂપ પણ બની શકે. તમે પૅનમાં થોડું તેલ લઈને એમાં કાંદા, ટમેટાં, મીઠું, મરચું, ગરમ મસાલાને વ્યવસ્થિત રીતે કુક કરી લો અને એડમામેને પણ સૉફ્ટ ન થાય ત્યાં સુધી બૉઇલ કરી લો. એ પછી બધી વસ્તુને સરખી રીતે મિક્સરમાં પીસીને સૉફ્ટ બનાવી લો. આ પેસ્ટને ફરી એક વખત પૅનમાં નાખી એમાં થોડું પાણી નાખીને કન્સિસ્ટન્સી ઍડ્જસ્ટ કરો એટલે સૂપ બનીને રેડી થઈ જાય.

