Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > બાળકોને ગુના ભણી દોરી જતી લાલચનો કોઈ અણસાર પરિવારજનોને નહીં આવતો હોય?

બાળકોને ગુના ભણી દોરી જતી લાલચનો કોઈ અણસાર પરિવારજનોને નહીં આવતો હોય?

Published : 20 June, 2025 07:13 AM | Modified : 21 June, 2025 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભવિષ્યમાં કોઈ આવું અધમ અને ક્રૂર પગલું ભરવાનો વિચાર કરતાંય થથરે. જે કિશોરો કાવતરાં, ચોરી, છેતરપિંડી અને હત્યા કરી શકે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


મોબાઇલ મૅડનેસ કે મેનિયાના આ સમયમાં આઠ-દસ વર્ષ કે એનાથી પણ નાની વયથી બાળકોને મોબાઇલ ફોન કે ટૅબ્લેટ જેવા ગૅજેટનું એટલુંબધું વળગણ થઈ જાય છે કે અવારનવાર તેમને એનાથી દૂર કરવા મથતા પરિવારજનો સાથે તેમની ગેરવર્તણૂકના સમાચાર વાંચવા, જોવા ને સાંભળવા મળે છે. અરે, આ જ કારણે ઘર છોડીને ભાગી જવાથી લઈને આત્મહત્યા કે હત્યા સુધીના કિસ્સા પણ બનતા આવ્યા છે. સમાજ માટે ભયંકર ઘેરી લાલ બત્તી જેવી આ ઘટનાઓ થોડા દિવસ સમાચારોમાં ચમકીને પછી શાંત પડી જાય છે. 


ગયા અઠવાડિયે યાત્રાધામ શિર્ડીમાં આ મોબાઇલ વધુ એક જુવેનાઇલ ક્રાઇમનું કારણ બન્યો છે. ચૌદથી સત્તર વર્ષની ઉંમરના ૬ છોકરા અને બાવીસ વર્ષનો એક યુવક તેમનો લીડર. પેલા ૬ છોકરામાંથી એકનો બર્થ-ડે હતો. દોસ્તોને પાર્ટી કરવી હતી, પણ એ માટેના પૈસા ક્યાંથી કાઢવા? કોપરગાવના ચાસનળી ગામનો ૪૨ વર્ષનો એક ખેડૂત સકોરી ગામ આવ્યો હતો. ૬માંથી ૩ દોસ્તો તેને શેરડીના ખેતરમાં લઈ ગયા અને તેનો મોબાઇલ માગ્યો. એ ન મળતાં જોર-જબરદસ્તી કરી. એ પછી બાકીના ચાર પણ જોડાઈ ગયા. એક કિશોરે ગળું દબાવ્યું અને બર્થ-ડે બૉયે છરી હુલાવી દીધી. મોબાઇલ લઈને ભાગી ગયા એ દુષ્ટ છોકરાઓ.



જોગાનુજોગ જુઓ, એ મોબાઇલ થકી જ પોલીસ એ સાતેસાત ગુનેગારો સુધી પહોંચી શકી છે અને બધા પકડાઈ ગયા છે. એ કિશોરો અને પેલા યુવક એવી આકરી સજાને પાત્ર છે કે ભવિષ્યમાં કોઈ આવું અધમ અને ક્રૂર પગલું ભરવાનો વિચાર કરતાંય થથરે. જે કિશોરો કાવતરાં, ચોરી, છેતરપિંડી અને હત્યા કરી શકે એ નાબાલિગપણાનો લાભ મેળવવાને પાત્ર નથી જ નથી.


આવી ઘટનાઓ વાંચતાં ઝાળ-ઝાળ થઈ જવાય. જે લાલસા અને જે લાલચ આ બાળકોને આવા ભયંકર ગુના કરવા ભણી દોરી જાય છે એનો કોઈ અણસાર તેમના પરિવારજનોને નહીં મળતો હોય ક્યારેય? શું એ બાળકોને સારા-નરસાનો કે સાચા-ખોટાનો ભેદ ક્યારેય સમજાવવામાં નહીં આવ્યો હોય? એવા સંસ્કાર જ નહીં સિંચાયા હોય? જોકે આ સવાલ તો આજનાં દરેક મા-બાપને પૂછવા જેવો છે – શું તેમનાં બાળકોમાં તેઓ રાઇટ વૅલ્યુઝ રોપી રહ્યાં છે? સવાલ માત્ર માબાપના સમયનો જ નથી, મેં જોયું છે કે પોતાની ફરજ પૂરી કર્યા બાદ પણ થાક્યાં-પાક્યાં મા-બાપ બચ્ચાં સાથે રમવા કે વાતો કરવાનો સમય ફાળવે છે, પરંતુ બાળક તો સ્ક્રીન પરની આભાસી દુનિયામાં ચોંટેલાં જ રહે છે. તેમને અકથ્ય હાનિના એ રસ્તેથી પાછાં વાળી ફરી વાસ્તવ સાથે જોડવા મા-બાપ અને સ્કૂલોએ વધુ સહયોગ કરવો અનિવાર્ય છે એવું નથી લાગતું?

-તરુ મેઘાણી કજારિયા


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK