Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > આ પાંચ ભૂલો તમને તમારા બાળકથી દૂર લઈ જઈ શકે છે

આ પાંચ ભૂલો તમને તમારા બાળકથી દૂર લઈ જઈ શકે છે

Published : 18 November, 2025 01:34 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જાણીએ એ કઈ ભૂલો છે અને એનાથી કઈ રીતે બચવું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજનું પેરન્ટિંગ માને છે કે બાળકના ઉછેરમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે તમારા અને બાળક વચ્ચેની નિકટતા. તમે કેટલાં એકબીજા સાથે જોડાયાં છો અને તમારો સંબંધ કેટલો ગાઢ છે એ સૌથી વધુ મહત્ત્વની વાત છે. માતા-પિતા પર જ આ સંબંધની ઘનિષ્ઠતાનો વધુપડતો આધાર રહેલો છે પણ જાણતાં-અજાણતાં માતા-પિતા અમુક ભૂલો એવી કરી બેસે છે જેને કારણે તેઓ પોતાનાં બાળકોથી દૂર જતાં રહે છે. આ ભૂલો ઘણાં માતા-પિતા કરતાં હોય છે અને પાછળથી પશ્ચાત્તાપ કરતાં હોય છે. જાણીએ એ કઈ ભૂલો છે અને એનાથી કઈ રીતે બચવું...

ઇમોશનલ બ્લૅકમેઇલ



એક સમય હતો જ્યારે માતા-પિતા પોતાની વાતને મનાવવા માટે આંખો કાઢતાં કે એકાદ થપ્પડ લગાવી દેતાં. જો બાળક વાત ન માને તો તેણે મેથીપાક ખાવો પડતો. પરંતુ સમય જતાં મારવાનું બંધ થયું. તો પેરન્ટ્સે નવી લાઠી ઉઠાવી. એ છે ઇમોશનલ બ્લૅકમેઇલ. તું આ આખી રોટલી નહીં ખાય તો મારે તારી સાથે વાત જ નથી કરવી. તું મારી વાત નહીં માને તો મૂવી પ્લાન કૅન્સલ. તું આજે મિત્રો સાથે બહાર જાય છે જમવા તો કંઈ નહીં, હું જમવાનું બનાવતી જ નથી. મને કંઈ ખાવાની જરૂર નથી, હું મમરા ખાઈ લઈશ. હા, પત્ની આવી ગઈ હવે, તને માના હાથનું ક્યાં ભાવવાનું? આ બધાં ઇમોશનલ બ્લૅકમેઇલનાં ઉદાહરણ છે. અલગ-અલગ ઉંમરે દરેક માતા-પિતા કોઈ ને કોઈ કારણે બાળકને ઇમોશનલ બ્લૅકમેઇલ કરતાં હોય છે. પણ એનાં નુકસાન શું છે એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘ફિઝિકલ માર જેટલો ખરાબ છે એટલું જ ઇમોશનલ બ્લૅકમેઇલ. પહેલું ફિઝિકલ અબ્યુઝ છે, બીજું મેન્ટલ અબ્યુઝ. આની બાળકના માનસ પર ગંભીર અસર પડે છે તેથી જે પણ તમારા માટે કરે એ મનથી નહીં, પરાણે કરશે જે તમારા અને તેના વચ્ચેના અંતર માટે જવાબદાર બની શકે છે. આમ ઇમોશનલ બ્લૅકમેઇલ ન જ કરો. બાળકનાં તમારા પ્રત્યેનાં ઇમોશન તમારું બળ છે, એને બાળક વિરુદ્ધ હથિયાર તરીકે ન વાપરો.’


ઉપાય - કોઈ પણ કામ કઢાવવા માટે તમારે બાળક સાથે કમ્યુનિકેશન કરવું જરૂરી છે એમ સમજાવતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘બાળક નાનું હોય એમ છતાં જો તમે દરેક વાર તેને કારણો આપશો, તમે કોઈ પણ વસ્તુ તેને કરવા માટે કેમ કહો છો એ સમજાવશો તો એક સ્ટ્રૉન્ગ કમ્યુનિકેશન નાનપણથી સ્થપાશે. પછી તો આંખનો એક ઇશારો તેના માટે પૂરતો સાબિત થશે. શરૂઆતનાં વર્ષો અઘરાં લાગશે પણ એક વખત કમ્યુનિકેશન સધાઈ ગયું પછી વાંધો નહીં આવે; જેના માટે દરેક વખતે તમે શું ઇચ્છો છો, એની પાછળ શું કારણ છે એ સમજાવો.’

બાળકને ઘડપણની લાઠી માનીને જ ઉછેરવું


બીજાં પ્રાણીઓ કે પક્ષીઓ બાળકને જન્મ આપે, મોટું કરે અને તેના જીવનમાં બાળક આગળ જતું રહે. જીવનભર તે માતા-પિતા સાથે રહેતું નથી. પણ ભારતીય પરંપરામાં પરિવાર મુખ્ય છે. બાળકનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે તેનાં માતા-પિતાનું ઘડપણમાં ધ્યાન રાખે એ વાત સાચી. એ બાબતે બાળકના ઉછેરમાં વણી લેવી જરૂરી છે. પણ કઈ રીતે? એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘માતા-પિતામાં એ ઈગો ન હોવો જોઈએ કે અમે તારા માટે આ કર્યું, અમને તો કશું મળ્યું નથી એટલું અમે તને આપ્યું અને બદલામાં અમે અપેક્ષા રાખીએ કે તું અમારા પ્રમાણે વર્તે તો એમાં શું ખોટું છે? લેણ-દેણ સંબંધોમાં રોપવી નહીં. આને કારણે મોટા ભાગનાં બાળકો પોતાના પેરન્ટ્સને એક જવાબદારી રૂપે જોતાં થઈ જાય છે. પરાણે માથે પડ્યું છે એટલે કરે છે અથવા તો પરાણે માથે પડવા જ ન દે અને છટકી જાય. તમે પેરન્ટ્સ તરીકે પ્રોવાઇડર છો. એ ઈગોને તમે સંબંધોની વચ્ચે ન આવવા દો. એને કારણે સંબંધ વચ્ચે પ્રેમને બદલે અપેક્ષાઓ આવી જાય છે જે અંતર વધારે છે.’

ઉપાય - આ પ્રૉબ્લેમનો ઉપાય જણાવતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘સંબંધોમાં ગ્રેટિટ્યુડ રેડવો. આપણને જે મળી રહ્યું છે એ માટે જો પેરન્ટ્સમાં ગ્રેટિટ્યુડ હશે તો બાળકમાં આપોઆપ આવશે. તમે જે પણ કર્યું છે એ એટલા માટે કેમ કે તમારો નિર્ણય હતો કે તમે બાળકને પૃથ્વી પર લાવો, એટલા માટે નહીં કે તે તમારું ધ્યાન રાખે. એ વસ્તુ બાય-પ્રોડક્ટ હોઈ શકે, ફરજિયાત નહીં. કર્મના સિદ્ધાંત પ્રમાણે જેટલું તમારું લેણું છે એટલું નીકળશે પણ જો તમારી કોઈ અપેક્ષા નહીં હોય તો બાળક પાસેથી જેટલું મળશે એ બધું તમને સારું જ લાગશે. અપેક્ષાઓ ખૂબ હશે તો જે પણ મળશે એ ઓછું જ પડશે.’

તેની સરખામણી કર્યા કરવી

શર્માજી કા બેટાના મીમ આ વાતની ચાડી ખાય છે કે એક આખી જનરેશને પોતાનાં બાળકોને સરખામણી કરી-કરીને જ ઉછેર્યાં છે. એની પાછળની સાઇકોલૉજી સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘માતા-પિતા માનતાં હોય છે કે આ રીતે તેમનું બાળક આગળ વધવા પ્રેરાશે, પણ એવું થતું જ નથી. ઊલટું મેં જોયું છે કે માતા-પિતાને સમાજ પાસેથી વૅલિડેશન જોઈતું હોય છે કે તેમનું બાળક હોશિયાર છે એનો અર્થ એમ કે તેઓ બેસ્ટ પેરન્ટ્સ છે. આ વૅલિડેશનની ભૂખ છોડવી જરૂરી છે. કોઈ પણ બીજા બાળક સાથે કે ખુદ સાથે પણ બાળકની સરખામણી કરવાથી બાળકમાં હીન ભાવના ઘર કરે છે. એનાથી તે સારું કરતું પણ હોય તો તેનો આત્મવિશ્વાસ એવો તૂટે છે કે તેનો પર્ફોર્મન્સ વધુ બગડે છે. વળી તેના મનમાં એ ભાવના ઘર કરી જાય છે કે હું જેવું છું એવો મારાં માતા-પિતા માટે યોગ્ય નથી, જે તમારા સંબંધ વચ્ચેના અંતરને વધારે છે.’

ઉપાય - સરખામણી કરવી જ નહીં. એ વિચાર મનમાં દૃઢ કરો. તમે ઇચ્છતા હો કે બાળક બીજાના ઉદાહરણ પરથી શીખે તો તેને કહેવાની રીત જુદી હોય છે. જેમ કે સુનીલ ખબર છે કઈ રીતે તૈયારી કરે છે? તે એક્ઝામની આગલા દિવસે તૈયારી શરૂ નથી કરતો, દરરોજ થોડું-થોડું લર્ન કરે છે. એટલે તે આગળ વધી શકે છે. મને લાગે છે કે આ રીતે કામ સરળ બની જતું હશે. તું પણ થોડો સમય કાઢીને જોને! એવું તો છે નહીં કે તને સમજાતું નથી કે આવડતું નથી. પણ આ બધું છેલ્લે દિવસે ભેગું થાય તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિને પણ અઘરું તો પડે જ. આ રીતે તમે સુનીલની તૈયારીનાં વખાણ કર્યાં, સુનીલનાં નહીં એ સમજો. 

બે બાળકોમાં એકની તરફેણ

જેમના ઘરમાં બે બાળકો છે એ બન્ને બાળકોને માતા-પિતા સરખો પ્રેમ કરતાં હોય છે, તેને એકસરખું વાતાવરણ આપતાં હોય છે, પણ એ શક્ય જ નથી કે બન્ને બાળકો એકદમ સરખાં બને. આ પરિસ્થિતિમાં એક બાળક હંમેશાં માતા-પિતા માટે સરળ હોય છે અને બીજું અઘરું. એમ છતાં બન્નેની પોતાની વિશેષતા અને પોતાની નબળાઈઓ હોય છે. એનો અર્થ એ ક્યારેય નથી હોતો જે માતા-પિતા બન્નેમાંથી એકની વધુ તરફેણ કરે. એ વિશે સમજાવતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘તરફેણ કરવાને લીધે થાય છે એવું કે જે બે બાળકો વચ્ચેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ હોવું જોઈએ એમાં ગૅપ આવે છે. દરેક બાળકને એમ હોય કે તેના ઘરના લોકો તેની અચીવમેન્ટ પર ખુશ થાય એના બદલે તેનાં ભાઈ-બહેન તેની સફળતા પર ઈર્ષા અનુભવે એ કોને ગમે? સિબ્લિંગ વચ્ચે ઈર્ષા તમે નહીં રેડો તો પણ આવી શકે છે. એ સંબંધ જ એવો હોય છે. એટલે બે બાળકો વચ્ચે સરખામણી ક્યારેય ન કરવી. છતાંય જ્યારે તમને દેખાય કે એક બાળકના મનમાં બીજા બાળક માટે ઈર્ષા થઈ રહી છે એ બીજને જડથી ઉખાડવાનું કામ માતા-પિતાનું છે.’

ઉપાય -  પણ એ કામ કરવું કઈ રીતે એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘બન્ને બાળકો વચ્ચેનું બૉન્ડ સ્ટ્રૉન્ગ કરવાનું કામ માતા-પિતાનું છે. એક જો ઓવર અચીવર હોય તો તેનાં વખાણ કર્યા કરવાનાં એવું નથી હોતું. દરેક બાળકમાં કોઈ વિશેષતા હોય જ છે, એનાં વખાણ કરવાં જ. બીજું એ કે જો ઝઘડો થયો હોય તો કોઈ એકનો વાંક ન ઠેરવવો, બન્નેને પોતાના વાંક દેખાડવા. હંમેશાં સમજાવવું કે તાળી એક હાથે ન વાગે. આ રીતે તેઓ વાંક પર ફોકસ કરશે, નહીં કે એકબીજા વિરુદ્ધ ઊભા થશે. બન્નેને એકબીજાની સફળતા પર ખુશ કરતાં શીખો અને એકબીજાની નિષ્ફળતા પર એકબીજાનો સાથ દેતાં શીખવો. એ જરૂરી છે.

મહત્ત્વના નિર્ણયો જેમ કે કરીઅર કે લગ્ન તેના પર થોપી બેસાડવાં

લગ્ન અને કરીઅર બન્ને અત્યંત મહત્ત્વના નિર્ણયો હોય છે. જો બાળક એ નિર્ણયોમાં ખોટું થાય તો બાળક જ નહીં, આખો પરિવાર સહન કરતો હોય છે. એટલે એ શક્ય નથી કે બાળકને જે કરવું હોય એ કરે અને એમાં માતા-પિતા કંઈ બોલે નહીં. પરંતુ તકલીફ ક્યાં છે એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘કેટલાંય બાળકો માતા-પિતાના આવા થોપી દેવાયેલા નિર્ણયોને લીધે જીવનભર હેરાન થાય છે. કેટલા લોકો એવા છે કે જે સફળ કરીઅર હોવા છતાં દુખી છે કારણ કે તેઓ નાના હતા ત્યારે બીજું કંઈક બનવા માગતા. કેટલાય એવા છે જેમણે મમ્મી-પપ્પાની પસંદથી લગ્ન કર્યાં અને તેમનું લગ્નજીવન ખરાબ નીકળ્યું હોય. આ પરિસ્થિતિમાં થાય છે એવું કે માતા-પિતા પોતાને માફ નથી કરી શકતાં. અમે અમારા બાળકની કરીઅર ખરાબ કરી નાખી કે અમારે કારણે અમારું સંતાન સુખી લગ્નજીવન ન ભોગવી શક્યું એ વાતનો સંતાપ તે મરે ત્યાં સુધી તેમના મનમાં હોય છે. બીજું એ કે બાળકના મનમાં એટલો મોટો અભાવ રહી જાય છે કે તમે તેના જીવનના વિલન બની જાઓ છો એટલે આવું ન કરો.’

ઉપાય -  તો આ પરિસ્થિતિનો ઉપાય શું એ જણાવતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘જરૂરી એ છે કે તમે પહેલેથી તમારી પ્રાથમિકતાઓ બાળકના મનમાં સ્પષ્ટ કરો. જેમ કે કરીઅરની પસંદગીમાં તમે શું ઇચ્છો છો? અમુક માતા-પિતાને એવું હોય છે કે ગમે તે થાય, તારે કમાવું તો પડશે તો એ તેને કહો. અમુક માતા-પિતાને એવું છે કે અમે ઇચ્છીએ છીએ કે પૈસા હમણાં ન મળે તો પણ વાંધો નહીં પણ તું તારું પૅશન ફૉલો કર. મોડેથી પણ પૈસા તો આવી જશે. આ રીતે બાળકને એક સ્પષ્ટતા મળશે. લગ્નમાં પણ માતા-પિતાના મનમાં એમ હોય કે આપણા ધર્મથી બહાર લગ્ન નહીં જ ચાલે. તો બાળક ૧૫ વર્ષનું થાય ત્યારથી એ સ્પષ્ટતા તેની સાથે કરવી. બાકી તેને તેની પસંદ કરવાનો હક આપવો. એટલે એક બાઉન્ડરી તમે બાંધી પણ એમાં તો તે છૂટથી રમી શકે. આમ વચ્ચેના રસ્તા કાઢવા. છતાં એવું બને કે બાળક તમારી વાતનું માન ન રાખી શકે તો આ નિર્ણયો એવા જેમાં તેનો સંપૂર્ણ સાથ આપવો માતા-પિતા માટે જરૂરી છે નહીંતર તમારા અને બાળક વચ્ચેના સંબંધમાં ગૅપ નહીં આવે, વચ્ચે ખીણ ઊભી થઈ જશે.’

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2025 01:34 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK