Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ઈગો વધે ત્યારે ઇમોશન્સ ઘટે સંબંધોમાં આ સિમ્પલ ગણિત શીખી લો તો બેડો પાર

ઈગો વધે ત્યારે ઇમોશન્સ ઘટે સંબંધોમાં આ સિમ્પલ ગણિત શીખી લો તો બેડો પાર

Published : 05 August, 2025 02:39 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સક્સેસફુલ રિલેશનશિપ માટે જો સ્ત્રી પુરુષના ઈગોને અને પુરુષ સ્ત્રીના ઇમોશનને સાચવતાં શીખી જાય તો તેમના સંબંધને કોઈ તોડી નથી શકતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સક્સેસફુલ રિલેશનશિપ માટે જો સ્ત્રી પુરુષના ઈગોને અને પુરુષ સ્ત્રીના ઇમોશનને સાચવતાં શીખી જાય તો તેમના સંબંધને કોઈ તોડી નથી શકતું એ વાત શર્મિલા ટાગોરે પોતાની દીકરી સોહાને સલાહમાં કહી હતી. જોકે એકવીસમી સદીમાં આવા ‘મેલ ઈગો’ અને ‘ફીમેલ ઇમોશન્સ’ના ફન્ડા આઉટડેટેડ થઈ ગયા છે. અત્યારે સંબંધોમાં સરખાસરખીનો હિસાબ ચાલે છે. તમારા ઘરમાં જો ‘ઈગો’ ઝઘડાનું મૂળ બનતો હોય તો આ લેખ તમારા માટે છે


અગ્રણી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીએ કહેલા એક કિસ્સાથી વાતની શરૂઆત કરીએ. એક કપલ વચ્ચે હંમેશાં કોણ સાચું અને કોણ ખોટું એની હોડ જામતી. એક દિવસ વાત વધુ બગડી. પત્નીને નીચું દેખાડવા પતિ બોલ્યો, તમારા ખાનદાનમાં અક્કલ નામની વસ્તુ છે જ નહીં, આખું ખાનદાન જ ડોબું અને સેન્સલેસ છે. પત્નીને આ વાત હાડોહાડ વાગી. આના પહેલાં પણ પતિએ પત્નીની માતા, ભાઈ કે પિતા પર હલકી કમેન્ટ કરી હતી; પરંતુ આ વખતે વાત વધુ વણસી હતી. પત્નીએ ખાનદાન પર ગયેલા પતિ સાથે વાત કરવાનું બંધ કર્યું અને પતિએ પણ આ અબોલાને કન્ટિન્યુ કર્યા. લગભગ અઠવાડિયા સુધી અબોલા ચાલ્યા એ પછી પતિ મારી પાસે આવ્યો. લગ્નજીવનના આ ડિસ્ટર્બન્સ વિશે ખૂલીને વાત કરી અને પછી આ અબોલાના કારણમાં રહેલા ખાનદાનની માનહાનિના શબ્દો પાછળનો ભાવ પણ કહ્યો. મારે કંઈક એવું બોલીને તેને નીચું ફીલ કરાવવું હતું જે બરાબર તેને હર્ટ કરે. નીચું કેમ દેખાડવું હતું? કારણ કે મને તેના પર એવો ગુસ્સો આવ્યો હતો. ગુસ્સો કેમ આવ્યો હતો? તો તેણે મેં લાખ વખત કહ્યા પછી પણ મારી વાત નહોતી માની. આખી વાતનું મૂળ હસબન્ડના ઈગોમાં હતું; પરંતુ માત્ર હસબન્ડનો જ નહીં, વાઇફનો ઈગો પણ જવાબદાર હતો. પુરુષ બરાડીને, ખિજાઈને કે વાગી જાય એવા કેટલાક શબ્દો વાપરીને પોતાના ઈગોની હાજરી પુરાવતો હોય છે; જ્યારે સ્ત્રી ચૂપ થઈને, તેની સામે પ્રતિકારને દર્શાવ્યા વિના પોતાના ઈગોની હાજરી પુરાવતી હોય છે. અબોલા એ પણ ઈગોનું જ એક સ્વરૂપ છે અને સંબંધોમાં ઈગો ઘટે ત્યારે જ સુગંધ ઉમેરાય છે.



ડૉ. હરીશ શેટ્ટી દ્વારા કહેવાયેલી આ વાત આજે ઘણાં કપલની રોજિંદી લાઇફને સાંકળે છે. આપણે ત્યાં પહેલાંથી એવું કહેવાતું કે પુરુષના ઈગોને અને સ્ત્રીની લાગણીને સાચવી રાખો. ઍક્ટ્રેસ શર્મિલા ટાગોરે પણ પોતાની દીકરી સોહા અલી ખાનને સુખી દામ્પત્યજીવનનું આ જ રહસ્ય છે એ સમજાવ્યું હતું, પરંતુ શું એ આજે પણ એટલું જ સાપેક્ષ છે? આજે પણ પુરુષનો ઈગો અને મહિલાની લાગણીને સાચવવાનો સમય છે કે હવે સંબંધોના ડાયનૅમિક્સ બદલાયા છે એ જાણવાનો પ્રયાસ કરીએ અને ખરેખર માત્ર પતિ-પત્નીના નહીં પણ ઓવરઑલ રિલેશનમાં કેવી રીતે સ્મૂધનેસ વધારી શકાય એ વિષય પર ચર્ચા કરીએ.


હવે એવું નથી

સોશ્યલ મીડિયા સેલિબ્રિટી, રિલેશનશિપ એક્સપર્ટ અને લાઇફકોચ કાવ્યાલ સેદાણી કહે છે, ‘સમય સાથે સંબંધોની જરૂરિયાત અને બિહેવિયર બદલાય છે. યસ, એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓનો રોલ ઘરમાં જુદો હતો. આજે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ અથવા તો વધુ કામ કરે છે અને આજે પુરુષો પણ પોતાનાં ઇમોશન્સને લઈને એટલા જ અવેર છે. એટલે હવે બન્ને વસ્તુઓ બન્નેએ એકબીજાની મેઇન્ટેઇન કરવાની છે એ હકીકત સમજ્યા વિના છૂટકો નથી. સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજાના ઈગોને સાચવે અને બન્ને એકબીજાની લાગણીઓને સમજે એ મહત્ત્વનું છે. પુરુષમાં પણ ફેમિનાઇન એનર્જી હોય છે અને સ્ત્રીઓમાં પણ મૅસ્ક્યુલાઇન એનર્જી હોય છે.’


રિલેશનશિપ એક્સપર્ટ અને લાઇફકોચ કાવ્યાલ સેદાણી

આજના સમયમાં સ્ત્રી અને પુરુષ બન્ને પાસે પોતાનાં સપનાંઓ છે. કાવ્યાલ સેદાણી કહે છે, ‘બન્ને જણ એકબીજાનાં સપનાં પૂરાં કરવામાં પીઠબળ બને એ આજના સમયમાં સક્સેસફુલ રિલેશનશિપની બેસ્ટ ઍડ્વાઇઝ છે એવું હું કહીશ. એકબીજાની સપોર્ટ સિસ્ટમ ત્યારે જ બની શકો જ્યારે તમારા બન્નેનો ઈગો ઓગળી ગયો હોય. હું અને મારો ગ્રોથ એ ઈગોમોડ છે. તારા ગ્રોથમાં મારો સપોર્ટ એ ફીલિંગ્સનો મોડ છે. અત્યારે કપલ ફીલિંગ્સ મોડને પ્રાધાન્ય આપીને ચાલે તો જ સંબંધમાં હૅપી રહી શકે. ધારો કે એક પાર્ટનર વર્કિંગ ન હોય તો પણ તેનાં સપનાંઓ હોઈ શકે. અહીં માત્ર કરીઅરના ગોલ્સ કે સપનાંઓની વાત નથી. બીજું, અત્યારના સમયમાં પણ સંબંધોમાં ઇક્વલ રિસ્પેક્ટ, ધીરજ અને અન્ડરસ્ટૅન્ડિંગ આઉટડેટેડ નથી થયાં. હા, અત્યારના સમયમાં એક ખાસ વાત કહીશ કે કપલમાં બેમાંથી એક પાર્ટનર કામિંગ ઇન્ફ્લુઅન્સવાળો હોય એટલે કે હળવાશ આપનારો હોય તો પણ તેમની વચ્ચેનું બૉન્ડ સ્ટ્રૉગ બને છે. ઝડપથી દોડતી દુનિયામાં સતત સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીના માહોલમાં જો તમારો પાર્ટનર તમારી પાસે આવીને નિરાંતનો અનુભવ કરતો હોય કે કરતી હોય તો ડેફિનેટલી તમારા રિલેશનને બ્રેક કરવું લગભગ અસંભવ બની જશે.’

વધ-ઘટનો હિસાબ

આગળ કહ્યું એમ સંબંધોમાં ઈગો અને ઇમોશન્સ સાથે રહી જ ન શકે અને એક વધે એટલે બીજું ઘટે એ ન્યાય ચાલતો હોય છે. આ વાતને વધુ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ઈગો સામે ઇમોશન્સ દબાઈ જતાં હોય છે. ઈગોમાં પોતે મુખ્ય અને બીજા ગૌણ હોય છે. ‘તારામાં તો અક્કલ જ નથી’, ‘આટલી ભાન નથી પડતી’ જેવાં વાક્યો ઈગોમાં બોલાઈ શકે. ઇમોશન્સમાં સભરતા હોય અને ઈગો ખાલીખમ હોય. ઈગોમાં જજમેન્ટ હશે, લાગણીમાં જજમેન્ટ નહીં હોય. એટલે હૅપીલી મૅરિડ રહેવા માટે ઈગોને કાઢવો પડે. મેલ ઈગો અને ફીમેલ ઈગો અને એના જેવા કન્સેપ્ટ પડતા મૂકો. ઈગો જરૂરી છે અને ઈગો પણ નૅચરલ છે એ વાત પણ તદ્દન ખોટી છે. ઘણા લોકો ઈગો સાથે સેલ્ફ-રિસ્પેક્ટ તથા સેલ્ફ-ડિગ્નિટી સાથે મિક્સ કરી દે છે. બન્ને સાવ જુદી બાબતો છે. કોઈકના વ્યવહારમાં તમે તમારી ગરિમાનો ભંગ સમજો છો અને તમે સામેવાળાને કહી દો છો કે આ પ્રકારનો વ્યવહાર મને સ્વીકાર્ય નથી. એ લક્ષ્મણરેખા દોરવી એ સેલ્ફ-રિસ્પેક્ટ અને સેલ્ફ-ડિગ્નિટીમાં આવે. દુર્વ્યવહારને પકડી રાખવો અને વર્ષો સુધી મનમાં ગાંઠ વાળવી એ ઈગોનું લક્ષણ છે અને સ્પષ્ટતાપૂર્વક કહીને આગળ નીકળી જવું અને મર્યાદાનું ભાન સામેવાળાને કરાવવું એ આત્મસન્માન છે. પોતાનું શોષણ ન થવા દેવું એ સેલ્ફ-રિસ્પેક્ટ છે. જુઓ, ઍન્ગર, સૅડનેસ, ફિયર, જેલસી, જૉય અને લવ આ નૅચરલ ઇમોશન્સ છે. કુદરતી લાગણીઓ, શરમ અને ગિલ્ટ એ આપણે સામાજિક ઢાંચામાં શીખેલી બાબત છે. બન્નેમાં અંતર છે.’

રિલેશનશિપને શ્રેષ્ઠ બનાવવી છે?

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી

તો ઈગોને અલવિદા કહો. ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘વિચાર, લાગણીઓ, વ્યવહાર અને અનુભૂતિ આ ચાર બાબત છે જે તમારા ઈગોથી તમને મુક્તિ અપાવી શકે. આ ચારેય પ્રત્યે તમારામાં અવેરનેસ હોય તો તમે ઈગોને બાય-બાય કહી શકો. ધારો કે તમારી ધારણા કરતાં જુદું બિહેવ કરતી વ્યક્તિ પર તમને ગુસ્સો આવ્યો. એ ગુસ્સા વખતે આવતા વિચાર પર તમે સભાન થયા અથવા એ વિચારથી જાગેલી લાગણીઓ પ્રત્યે સભાન થયા, એ વિચારથી પ્રેરાઈને કરેલા વ્યવહાર પર સભાન થયા તો થોડીક જ ક્ષણોમાં ઈગો ઓગળી જશે. ઈગોનો રામબાણ ઇલાજ છે અવેરનેસ. વિચાર, લાગણીઓ, વ્યવહાર કે અનુભૂતિ થકી ઈગો બહાર નીકળવાનો પ્રયાસ કરે; પણ તમે જો અવેર હો તો તમે એ પોતાનો ખેલ શરૂ કરે એ પહેલાં જ એને રોકી શકો છો. ઈગોનાં કારણોમાં ઘણી વાર પેરન્ટ્સનો વ્યવહાર અને એના માટેનું આપણું પર્સેપ્શન જવાબદાર હોય છે. જો મારા પપ્પાનો કેવો રુત્બો છે; મમ્મીનો કેવો વટ પડે છે, તે તો પોતાનું ધાર્યું જ કરે છે. જો આવા સમયે મનને ટટોલતા રહો તો વાત બગડે એ પહેલાં અટકી જાય. એટલે હું મેડિટેશનની સલાહ આપતો હોઉં છું. તમારા ઈગો માટે અવેરનેસ લાવવા મેડિટેશન કરો. માત્ર આંખ બંધ કરીને પાંચ મિનિટ બેસો અને શરીર, મનમાં ચાલતાં સેન્સેશન્સને અનુભવો. આટલી પ્રૅક્ટિસ પણ તમારી રિલેશનશિપને બહેતર બનાવવામાં અદભુત કામ કરી શકે, કારણ કે મેડિટેશનથી એ જાગૃતિપૂર્ણ અવસ્થાને મેળવવી ઈઝી બનશે. ઘણી વાર આ કામ કોઈ અકસ્માત, કોઈ આઘાતથી થઈ જતું હોય છે. જીવનની સચ્ચાઈ સમજવા માટે ઘણી વાર ટ્રૉમા બહુ મોટું કામ કરી
જતો હોય છે. તમે પણ જાગૃતિ કેળવતાં શીખી જાઓ તો સમજાશે કે કંઈ પકડી રાખવામાં મજા નથી. લાઇફ ટૂંકી છે. જો અવેરનેસ હોય તો ધીમે-ધીમે વિચાર બદલાય, વ્યવહાર બદલાય અને સંબંધોમાં એ ઝૂકવાનો અને લાગણીઓને સમજવાનો દોર શરૂ થતો હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2025 02:39 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK