આજકાલ એટલી બધી ડેટિંગ સાઇટ્સ અને એટલા બધા પ્રકારના ડેટિંગ ટ્રેન્ડ ચાલે છે કે એની વચ્ચે સાચો પ્રેમ શોધવાનું કામ ખૂબ જ અઘરું લાગતું હોય છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ એટલી બધી ડેટિંગ સાઇટ્સ અને એટલા બધા પ્રકારના ડેટિંગ ટ્રેન્ડ ચાલે છે કે એની વચ્ચે સાચો પ્રેમ શોધવાનું કામ ખૂબ જ અઘરું લાગતું હોય છે. ઉપરથી એટલા બધા વિકલ્પો હોય ત્યારે એમાંથી આપણા માટે યોગ્ય વ્યક્તિ કઈ છે એ શોધવાનું વધારે અઘરું થઈ પડે. એવામાં આજે રિલેશનશિપ કોચ પાસેથી થોડો આઇડિયા મેળવી લઈએ
આજના મૉડર્ન જમાનામાં લોકો પાસે એટલી બધી ડેટિંગ ઍપ્સ, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ છે કે તેઓ સરળતાથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. લોકો પાસે ઢગલાબંધ વિકલ્પો છે. એવામાં લોકો ખૂબ ઝડપથી રિલેશનશિપમાં આવી જાય છે અને એટલી જ ઝડપથી રિલેશનશિપ ખતમ પણ કરી દેતા હોય છે. ફાસ્ટ ડેટિંગના જમાનામાં રિલેશનશિપમાં લાગણી અને પ્રેમનું ઊંડાણ રહ્યું નથી. અગાઉ લોકો સમય લેતા હતા, મળતા હતા, સમજતા હતા. હવે લોકો પાસે એટલાબધા ઑપ્શન્સ છે કે એક વ્યક્તિ સાથે ડીપલી કનેક્ટ થવાની જગ્યાએ તરત બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય છે. આ ફાસ્ટ ડેટિંગની ભાવનાત્મક રીતે ખૂબ ખરાબ અસર જોવા મળતી હોય છે. એને કારણે રિલેશનશિપ ભાવનાત્મક રીતે બોજારૂપ લાગે, વ્યક્તિ પર ભરોસો ન થઈ શકે, સંબંધો ઉપરછલ્લા લાગે અને ઘણી વાર રિજેક્શન મળ્યા પછી વ્યક્તિ એવું સમજવા લાગે કે તેનામાં જ કંઈક કમી છે. એટલે આજના ફાસ્ટ ડેટિંગના જમાનામાં કઈ રીતે સાચો પ્રેમ શોધવો એને લઈને રિલેશનશિપ એક્સપર્ટ દીપિકા શાહ પાસેથી જાણીએ તેમના પોતાના જ શબ્દોમાં...
ADVERTISEMENT
ડેટિંગમાં પ્રૉબ્લેમ શું આવે છે?
ફાસ્ટ ડેટિંગના જમાનામાં યંગસ્ટર્સમાં કેટલીક વસ્તુઓ મેં ઑબ્ઝર્વ કરી છે. એક તો લોકો પ્રેમ મેળવવા માટે ખૂબ અધીરા થઈ રહ્યા છે. તેમને જીવનમાં કોઈ વ્યક્તિ જોઈએ છે. એ વ્યક્તિ તેમની માટે યોગ્ય કે છે કે અયોગ્ય છે એનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને બસ એકલા રહેવું નથી. તેમને સતત કોઈનો ને કોઈનો સાથ જોઈતો હોય છે. એટલે જ તમે જોશો તો કેટલી બધી ડેટિંગ ઍપ્સ આવી ગઈ છે. બીજી સમસ્યા એ છે કે તેમને બસ કોઈ જોઈએ છે, એ પછી ગમે તે વ્યક્તિ હોય. એ લોકો વધુ વિચારતા નથી કે એ વ્યક્તિ સાથે તેમનું લાંબું ચાલશે કે નહીં, એ વ્યક્તિ તેમના માટે યોગ્ય છે કે નહીં. તેમને ઘણી વાર નેગેટિવ સિગ્નલ મળતાં હોય તો પણ તેઓ એ વ્યક્તિને છોડી શકતા નથી. એને કારણે રિલેશનશિપ કૉમ્પ્લીકેટેડ થઈ જાય છે. ત્રીજું એ કે આજકાલના યંગસ્ટર્સ વધુપડતા બેફિકર થઈ ગયા છે. એ લોકો એવી ફિલોસૉફીમાં માને છે કે જીવન છે ત્યાં સુધી જીવી લેવું, જેટલું એક્સપ્લોર થાય એટલું કરી લેવું, દિલ લગાવવાનો-તૂટવાનો એક્સ્પીરિયન્સ મેળવી લેવો જોઈએ. જોકે રિલેશનશિપમાં આ ફિલોસૉફી શરૂઆતમાં ફન અને એક્સાઇટેડ લાગી શકે, પણ એની ખરાબ અસર આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આ બધી વસ્તુની અસર ત્યારે વધારે પડે છે જ્યારે તમે ૨૭-૨૮ વર્ષના થઈ જાઓ અને જીવનમાં એક યોગ્ય જીવનસાથી પસંદ કરવાનો સમય આવે. તમારા ભૂતકાળના રિલેશનશિપના અનુભવો તમને વર્તમાનમાં યોગ્ય નિર્ણય લેવા પર ખરાબ અસર નાખી શકે છે. એ સિવાય આજકાલના યુવાનોમાં ભાવનાત્મક સંવેદનશીલતા અને સહાનુભૂતિ ઓછી થઈ છે. એટલે રિલેશનશિપ તોડીને આગળ વધતાં પહેલાં સામેવાળી વ્યક્તિને કેવું લાગશે એનો વધુ વિચાર કરતા નથી.
ડેટિંગ પહેલાં આનું ધ્યાન રાખો
આજકાલ પ્રેમ શોધવો એટલે મુશ્કેલ થઈ રહ્યો છે કારણ કે લોકો એ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે તેઓ નથી. સામેવાળી વ્યક્તિને સારું ફીલ કરાવવા માટે આ બધું થતું હોય છે. એને કારણે એવા લોકોને પાર્ટનર પણ એવા જ મળે જે ડોળ કરી રહ્યા હોય. આનું પરિણામ એ આવે કે રિલેશનશિપનો શરૂઆતનો ચાર-છ મહિનાનો સમયગાળો હોય એમાં બધું ખૂબ સારું લાગે. ડોળ એવી વસ્તુ છે જે વ્યક્તિ લાંબો સમય સુધી કરી શકતી નથી. એક સમયે વ્યક્તિનો જે ખરો સ્વભાવ છે એ સામે આવતો જ હોય છે. એટલે રિલેશનશિપમાં થોડા સમય પછી વ્યક્તિનો સાચો સ્વભાવ બહાર આવે ત્યારે પછી એમ લાગવા લાગે કે અરે આ વ્યક્તિ તો એ છે જ નહીં જેને હું ઓળખું છું કે પછી એમ લાગે કે આ વ્યક્તિ બદલાઈ ગઈ છે. એને કારણે પછી રિલેશનશિપ વધુ સમય ચાલતી નથી. એટલે કોઈને તમે ગમો એ માટે સારા હોવાનો ખોટો ડોળ કરવા કરતાં તમે જેવા છો એવા રહો. એનાથી તમને એવી વ્યક્તિ મળશે જે તમને જેવા છો એવા સ્વીકારશે અને તમને જીવનભરનો સાથ આપશે.
આના આધારે નિર્ણય લો
સામેવાળી વ્યક્તિ તમને કેવું ફીલ કરાવે છે? આ એક સૌથી પાવરફુલ સિગ્નલ હોય છે એ સમજવા માટે કે એ વ્યક્તિ તમારા માટે બની છે કે નહીં. એટલે આપણે કોઈને મળીએ અને વાતચીત કરીએ ત્યારે એ જોવું જોઈએ કે શું એ વ્યક્તિ સાથે તમે સેફ અને વૅલ્યુડ ફીલ કરો છો? તમે જેવા છો તેવા તેની સાથે રહી શકો છો? તમે તેની સાથે હો ત્યારે હળવાશનો અનુભવ થાય છે? શું તે તમને સમજી શકે છે? તેની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો? એટલે સામેવાળી વ્યક્તિ તમને શું બોલી રહી છે કે શું દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે એના કરતાં તમે તેની સાથે હો ત્યારે કેવો અનુભવ કરો છો એ જાણવું જરૂરી છે. કોઈ વ્યક્તિ સાથે તમે તમારી જાત સાથે વધુ કનેક્ટેડ ફીલ કરો છો તો એ વ્યક્તિ તમારે યોગ્ય છે. એવી જ રીતે એ વ્યક્તિ સાથે રહીને તમારી જાતથી દૂર જઈ રહ્યા છો એનો અર્થ કે એ વ્યક્તિ તમારા માટે નથી બની. તમે કોઈને ડેટ કરી રહ્યા હો અને તમારા મનમાં એ વ્યક્તિને લઈને કન્ફ્યુઝન હોય, તમને સતત ઇન્સિક્યૉરિટીની ભાવના રહેતી હોય, તમને લાગતું હોય કે તે તમારાં ઇમોશન્સને સમજી શકતી નથી, તે તમારી વાતોમાં રસ લેતી નથી તો પછી તમારે હિંમત કરીને એ વ્યક્તિનો સાથ છોડી દેવો જોઈએ. તમે એવી રિલેશનશિપમાં જેટલો લાંબો સમય સુધી રહેશો એટલા દુખી રહેશો.
ડેટિંગ-ફેલ્યર કઈ રીતે હૅન્ડલ કરવું?
બધાના જ જીવનમાં એક વાર તો એવો સમય આવે જ છે જ્યારે તેમને હાર્ટ-બ્રેકનો અનુભવ થાય. એની અસર ઇમોશનલ, મેન્ટલ અને પર્સનલ કૉન્ફિડન્સ પર પડતી હોય છે. લોકો એવું વિચારવા લાગે કે તેમનામાં જ કંઈ કમી છે એટલે પાર્ટનર છોડીને ચાલ્યો ગયો. તેમને એવા પ્રશ્નો થવા લાગે કે આગળ પણ મારી સાથે આવું જ થશે તો? એવું વિચારવા લાગે કે દુનિયામાં પ્રેમ જેવી વસ્તુ જ હોતી નથી. આવા કેસમાં સૌથી પહેલાં તો તમારે તમારાં ઇમોશન્સ બહાર કાઢવાં જોઈએ. તમને રડવાનું મન થાય તો રડી નાખવું જોઈએ. એ સિવાય તમે જર્નલ લખીને તમારાં ઇમોશન્સને પેપરમાં ઉતારી શકો, એવી વસ્તુ કરો જે તમને ગમે છે અથવા તો તમને પોતાની જાત સાથે કનેક્ટેડ ફીલ કરાવે. એ છતાં જો તમે તમારા દુઃખમાંથી બહાર ન નીકળી શકતા હો તો તમારે રિલેશનશિપ કોચ પાસે જવું જોઈએ જે તમને વસ્તુને જોવાનો એક નવો દૃષ્ટિકોણ આપશે જે તમને હીલિંગ તરફ લઈ જાય. જે લોકો તેમનાં ઇમોશન્સ બહાર કાઢતા નથી તેમનાં ઇમોશન્સ બીજી રીતે પછી બહાર નીકળે છે. એટલે કે તેમનો સ્વભાવ ચિડચિડિયો થઈ જાય, પોતાનું ઓછું મૂલ્યાંકન આંકે, ઓવરથિન્કિંગ ચાલુ કરી દે, ઍન્ગ્ઝાયટી-ડિપ્રેશન ફીલ કરે. ઇમોશન્સ એક્સપ્રેસ કરી નાખવાથી હીલિંગ પ્રોસેસ શરૂ થાય છે. તમને મેન્ટલ ક્લૅરિટી આવે છે અને તમે એ વિચારી શકો કે આ રિલેશનશિપમાં કઈ વસ્તુ ખોટી થઈ? આગળથી શેનું ધ્યાન રાખવું? તમે આગળની રિલેશનશિપમાં વધી શકો.
કેટલાક મૉડર્ન ડેટિંગ ટ્રેન્ડ
ઘોસ્ટિંગ : કોઈ પણ જાતની સ્પષ્ટતા કર્યા વગર કૉન્ટૅક્ટ તોડી દેવો.
બ્રેડ-ક્રમ્બિંગ : થોડું-થોડું અટેન્શન આપીને સામેવાળી વ્યક્તિનો રસ ટકાવી રાખવો, પણ કમિટમેન્ટથી દૂર રહેવું.
બેન્ચિંગ : જ્યાં સુધી સારો વિકલ્પ ન મળે ત્યાં સુધી કોઈને રિઝર્વ કરી રાખવું.
લવ-બૉમ્બિંગ : શરૂઆતમાં વધુપડતો પ્રેમ અને અટેન્શન આપીને પછી કન્ટ્રોલ કરવો અને મૅનિપ્યુલેટ કરવું.
થ્રોનિંગ - કોઈ પ્રસિદ્ધ અથવા આકર્ષક વ્યક્તિ સાથે ફક્ત પોતાના સ્ટેટસ અથવા ઇમેજ માટે રહેવું.
માઇક્રોમેન્સિંગ : ઇરાદાપૂર્વક રિલેશનશિપ બનાવવાને બદલે ફ્લર્ટિંગ અથવા અટૅચમેન્ટ ક્રીએટ કરવું.

